
તાજતેરમાં આવેલા એક અહેવાલમાં મોટાભાગના મુખ્ય વેપાર ભાગીદાર દેશો સાથે ભારત વેપાર ખાધ ધરાવતું હોવાનું જોવા મળ્યું હતું. ચીન, યુએઈ, સાઉદી અરેબિયા, જર્મની, સિંગાપુર સહિતના દસ વેપાર ભાગીદાર દેશોમાંથી નવ સાથે ભારત વેપાર ખાધ ધરાવે છે. આ દેશોમાં ભારતની નિકાસ કરતા આયાત વધુ રહે છે. દ્વીપક્ષી વેપાર ભાગીદાર દેશો ખાતે નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતની નિકાસ કરતા આયાત આંક ૧૧૩ અબજ ડોલર વધુ રહ્યો હતો. અમેરિકા ભારતની મોટી નિકાસ બજાર છે. અમેરિકા સાથે ભારતની વેપાર પુરાંત ૧૭ અબજ ડોલરથી પણ વધુ જોવા મળી હતી. ભારતની સૌથી વધુ વેપાર ખાધ ચીન સાથે જોવા મળે છે.
ગયા નાણાં વર્ષમાં ચીન સાથેની ખાધનો આંક ૪૮.૬૫ અબજ ડોલર રહ્યો હતો. જો કે નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ની સરખામણીએ ચીન સાથેની ખાધમાં ૨૦૧૯-૨૦માં ૯.૧૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ચીન સાથેના વર્તમાન તણાવને ધ્યાનમાં રાખી ભારતના સત્તાવાળા ચીનની આયાત પર કાપ મૂકવાના પ્રયત્નમાં છે. વિશ્વના દરેક દેશો સાથેના વેપારની વાત કરીએ તો ગયા નાણાં વર્ષમાં ભારતની કુલ વેપાર ખાધ ૧૬૦.૭૭ અબજ ડોલર રહી હતી. ભારતની કુલ વેપાર ખાધમાંથી ૭૦ ટકા વેપાર ખાધ તેના દસ મુખ્ય વેપાર ભાગીદાર દેશો સાથે જોવા મળી રહી છે. વેપાર ખાધ ઊંચી રહેવાનો અર્થ ભારત નિકાસ મોરચે નબળી સ્થિતિ ધરાવે છે. ભારતની માલસામાન અને સેવાની નિકાસ મારફતની આવકનો આંક વખાણવા જેવો નથી.
કોવિડ-૧૯ પછીની સ્થિતિમાં સંરક્ષણવાદની નીતિમાં સૂચિત વધારાને જોતા નિકાસ બજારો પણ એકદમ સંકુચિત બની રહેવાનો અંદાજ મુકાઈ રહ્યો છે આવા સંજોગોમાં વિદેશની બજારોમાં માલ વેચવા માટે દરેક દેશે સ્પર્ધાત્મક બનવું પડશે. કોવિડ-૧૯ની અસરે રોબોટિકસ તથા ઓટોમેશનના વપરાશમાં વ્યાપક વધારો કરાવ્યો છે. કોરોનાને કારણે થયેલા અનુભવો તથા ચીન સાથેના તણાવને ધ્યાનમાં રાખી ભારત પણ સંરક્ષણવાદની નીતિ અપનાવવા તરફ વળ્યું છે અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ પર ભાર અપાઈ રહ્યો છે. આનો અર્થ એવો નથી કે વિશ્વબજારમાંથી ભારતે પોતાનું સ્થાન નાબુદ કરી દેવાનું રહેશે. ફાર્મા, ઓટો પાર્ટસ, ક્રુડ ઓઈલ, ખાધ્ય તેલ જેવી અનેક એવી આવશ્યક ચીજવસ્તુઓ છે જેની ભારતે આયાત કરવી પડે અને છે અને ભવિષ્યમાં પણ કરતા રહેવું પડશે, કારણ કે આ ચીજવસ્તુઓની ઘરઆંગણે અછત વર્તાઈ રહી છે. આયાત ચાલુ રાખવી હોય તો સ્વાભાવિક જ છે કે ભારતે નિકાસ બજારમાં પણ પોતાનું સ્થાન મજબૂત બનાવવાનું રહેશે.
નિકાસ ક્ષેત્રે મજબૂત સ્થિતિ ધરાવતા વિશ્વના અનેક દેશો પોતાની નિકાસમાં કોઈ રુકાવટ પેદા ન થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે ખાસ કરીને જે માર્ગોએથી માલ રવાના થતા હોય છે તે બંદરો ખાતે કોઈ ઢીલ ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે. નિકાસ માટેના માલસામાન ફેકટરી ખાતેથી સીધા જ બંદરો ખાતે રવાના કરી ત્યાંથી સીધા જહાજોમાં પહોંચતા થઈ જાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી માલસામાન રવાના થવામાં કોઈ ઢીલ થતી નથી. વિકસિત દેશોના કસ્ટમ્સ વિભાગ ઝડપી કામ કરવા માટે જાણીતા છે. માલસામાનને લગતી માહિતી હોય કે તેના એસેસમેન્ટની પ્રક્રિયા નિકાસ માટે તે બંદરો ખાતે આવે તે પહેલા જ તેની દરેક આવશ્યક પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવતી હોય છે. કેટલાક દેશોમાં તો માલસામાન રવાના થઈ ગયા પછી તેના એસેસમેન્ટ થતા હોવાના દાખલા છે. જ્યારે ભારતમાં આજે પણ દરેક પ્રક્રિયાઓ માલસામાન બંદરો ખાતે આવ્યા બાદ પાર પાડવામાં આવે છે.
ભારતનો કસ્ટમ્સ વિભાગ જોખમ સંચાલનની આધુનિક પદ્ધતિનો અમલ કરે છે. પરંતુ નિકાસ માટેના કન્સાઈનમેન્ટ તથા આયાતી કન્સાઈનમેન્ટની તપાસમાં ખાસ તફાવત જણાતો નથી. નિકાસ માટેના કન્સાઈનમેન્ટમાં હળવું ધોરણે દેશના નિકાસકારોને માલસામાનની ઝડપી નિકાસમાં સહાયરૂપ થઈ શકે છે. આયાતી માલસામાન માટે જોખમ સંચાલનના સખત ધોરણને સમજી શકાય એમ છે કારણ કે વિદેશથી આવતા માલસામાન પર ડયૂટીની વસૂલાત ઉપરાંત દાણચોરીના જોખમ રહેતા હોય છે.
નિકાસ બજારમાં હરિફ દેશોની સરખામણીએ ભારતમાં નિકાસ નિયમનો પણ સખત જોવા મળે છે. નિકાસકારો માટે જટિલ નિયમો દૂર કરાશે તો, નિકાસ પાછળના ખર્ચમાં ઘટાડો જોવા મળશ, જે છેવટે નિકાસ માલને સ્પર્ધાત્મક બનાવી શકશે.
નિકાસ બજારમાં દેશના હિસ્સાને વધારવા માટે સાનુકૂળ નીતિઓ ઘડવા ઉદ્યોગ દ્વારા માગ કરવામાં આવી રહી છે. માલસામાનની વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો ૨૦૨૫ સુધીમાં પાંચ ટકા અને સેવા ક્ષેત્રની નિકાસનો હિસ્સો સાત ટકા સુધી લઈ જવી હશે તો યોગ્ય નીતિઓ ઘડવાની તાતી જરૂર છે. નીતિની રચનાની સાથોસાથ તેમાં સ્થિરતા રાખવી પણ આવશ્યક છે. દેશની નિકાસ વધારવા માટે કાચા માલસામાનની આયાત વાતાવરણ પ્રોત્સાહક હોવું જરૂરી છે. આમ થશે તો જ દેશમાં મૂલ્ય વર્ધિત ઉત્પાદનોની નિકાસને વેગ મળી શકશે. નિકાસ વધારવા માટે વિનિમય દરને પણ વ્યવહારુ સ્તરે જાળવવો જરૂરી હોવાની સમયની માગ છે. રૂપિયાના વધુ પડતા મૂલ્યાંકનથી કેપિટલ ઈન્ફલોસ પર અસર પડે છે.
આઈટી-અનેબલ્ડ સર્વિસીઝની નિકાસ મારફતની આવકમાં અગાઉના વર્ષોમાં જોવા મળેલી તેજી માટે ભારતની નિકાસ નીતિ કે આઈટી ક્ષેત્ર નહીં પરંતુ વિદેશી સરકારો ખાસ કરીને અમેરિકાની ભારત માટે સાનુકૂળ નીતિ કામ કરી ગઈ હતી. દેશ બહારના કર્મચારીઓ માટેની અમેરિકાની નીતિને પરિણામે ભારતના આઈટી ક્ષેત્રએ નોંધપાત્ર પ્રગતિ સાધી હતી. જો કે હવે સમય બદલાયો છે અને વિદેશમાંથી ડોલરના ઈન્ફલોઝમાં ભારતની આઈટી સેવા ક્ષેત્ર મારફતની આવકનો હિસ્સો ઘટી રહ્યો છે.
સામાન્ય રીતે રૂપિયો નબળો પડે તો તેનો લાભ દેશની નિકાસને થવો જોઈએ એવું ગણિત રહે છે, પરંતુ હાલમાં ડોલર સામે રૂપિયો વર્ષના પ્રારંભની સરખામણીએ નબળો હોવા છતાં આ ગણિત કામ કરતું નથી જે તાજેતરમાં જાહેર થયેલા નિકાસ આંકો પરથી સમજી શકાય એમ છે. નિકાસ મોરચે ભારતનો દેખાવ નબળો રહ્યા કરે છે. તાજેતરના નિકાસ આંકોને જોતા ભારતીય વેપારને વિસ્તારવા ઉપરાંત જે દેશો આપણા મુખ્ય નિકાસ મથકો છે તે દેશો ખાતે હાજરી ઊભી કરવા ભારતે વધુ કમર કસવાનું જરૂરી છે. આમ થશે તો જ વેપાર ખાધ ઘટાડવામાં મદદ મળશે.
૯૦ના દાયકાના પ્રારંભના આર્થિક સુધારા ભારતના અર્થતંત્રને નવો ઓપ આપશે અને ઉત્પાદન તથા સેવા ક્ષેત્રમાં તેની નિકાસ શક્તિ વધારશે એવી ધારણાં રખાતી હતી. સેવા ક્ષેત્રએ તેનું યોગદાન આપ્યું છે પરંતુ ઉત્પાદન ક્ષેત્ર એટલેકે માલસામાનની નિકાસમાં ભારત હજુ અપેક્ષિત ગજુ કાઢી શકતું નથી. કોવિડ-૧૯ પછીના વિશ્વમાં પણ નિકાસ મારફતની આવક જો મંદ રહેવાનું ચાલુ રહેશે તો ભારતની ઉદારીકરણની નીતિ પાછળનો ધ્યેય ત્રણ દાયકા પછી પણ પૂરો થયો નથી એમ કહીશું તો ખોટું નહીં ગણાય.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aCIxYw
via Latest Gujarati News
0 Comments