
- જોગ્રોફીકલ ઈન્ડીકેશન (જીઆઈ) દરજ્જાના પ્રશ્ને મધ્યપ્રદેશ તથા પંજાબ વચ્ચે ઊભા થયેલા મતભેદો
દેશમાં કોરોનાનો ઉપદ્રવ તથા લોકડાઉનને પગલે સરકારે ગરીબ જનતા માટે ઘઉં તથા ચોખાનું વિતરણ શરૂ કર્યા પછી ખુલ્લા બજારમાં ખાસ કરીને ઓછા ભાવના તથા મિડિયમ પ્રકારના ચોખાની રહેતી વપરાશી માગને અસર પડી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. જોકે સારા તથા ઊંચા ભાવના માલોની માગ જળવાઈ રહી છે. દરમિયાન હોટલો તથા રેસ્ટોરન્ટો બંધ રહેતાં આ ક્ષેત્રે ચોખાની વિવિધ વાનગીઓ બનાવવા વપરાતા ચોખાની માગ પણ ઓછી થઈ ગઈ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. જોકે બાસમતી ચોખા જેવા પ્રીમિયમ ક્વોલીટીના ચોખાની માગ જળવાઈ રહી છે. દરમિયાન, ફુડ કોર્પોરેશનના ગોદામો ઘઉંના સ્ટોકથી છલકાઈ જતાં એફસીઆઈ દ્વારા ચોખા ખરીદીને રાખવા ક્યાં એવો પ્રશ્ન પણ દેશના ઘણા વિસ્તારોમાં જોવા મળ્યો છે. બાસમતી ચોખામાં ઘરઆંગણે વપરાશી માગ જળવાઈ રહી છે ત્યારે સામે બાસમતી ચોખાની નિકાસ ક્ષેત્રે તાજેતરમાં વિવિધ પડકારો પણ સામે આવ્યા છે. બાસમતી ચોખાના નિકાસકારોએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેઓ ઈરાન તરફ બાસમતી ચોખાની નિકાસના સોદા કરવામાં સાવચેતી પસંદ કરી રહ્યા છે. આના નિકાસ સોદામાં પેમેન્ટના સંદર્ભમાં કોઈ પ્રશ્નો ઉભા થાય નહિં. એ માટે બાસમતીના નિકાસકારો આવી સાવચેતી પસંદ કરી રહ્યા હતા એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આના નિકાસકારો પણ તાજેતરમાં આ પ્રશ્ને સાવધાની બતાવી રહ્યા હતા. આ વિશે દરીયાપારથી મળેલા નિર્દેશો મુજબ ઈરાનીયન ટ્રેડરોને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈરાન દ્વારા જે કરન્સીનો પુરવઠો આપવામાં આવતો હતો તે પુરવઠો તાજેતરમાં ધીમો પાડી દેવામાં આવ્યો છે. આના પગલે ભારતના નિકાસકારો ઈરાનના સોદામાં પેમેન્ટના પ્રશ્નો ઉભા થવાની ભિતીના પગલે આવા નિકાસ વેપારો કરવાના પ્રશ્ને અવઢવમાં જણાયા હતા. નાણાંવર્ષના પ્રથમ ત્રિમાસિકમાં લોકડાઉનના કારણે પણ નિકાસ કામગીરીને અસર પડી છે. આ ગાળામાં બાસમતીની કુલ નિકાસ આશરે ૧૧થી ૧૨ લાખ ટન જેટલી થઈ હતી. એપ્રિલમાં આવી નિકાસ આશરે ૪ લાખ ૨૫થી ૩૦ હજાર ટન જેટલી થઈ હતી જે પૈકી ઈરાન તરફ નિકાસ આશરે ૫૧ હજાર ટન જેટલી થઈ હતી. મે મહિનામાં નિકાસ એપ્રિલની નિકાસ આસપાસ થઈ જ્યારે જૂન તથા જુલાઈ મહિનામાં ઈરાન તરફ આવી નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું ચોખાની નિકાસ બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
ચોખાની નિકાસ કરતા હરીયાણા ખાતેના નિકાસકાર વર્તુળના જણાવ્યા મુજબ કોરોનાના ઉપદ્રવ શરૂ થયો એ પૂર્વેનો ચોખા નિકાસ થયા હતા એવા નિકાસ સોદાનું પેમેન્ટ અત્યારે આવી રહ્યું છે એ બતાવે છે કે ઈરાન ખાતે આવતા પેમેન્ટો ખાસ્સા ધીમા પડયા છે. આવા પેમેન્ટો સરળ બને તે માટે ભારત સરકારે પણ લક્ષ આપવું જરૂરી હોવાનું આ નિકાસકાર વર્તુળોએ જણાવ્યું હતું. દરમિયાન, બાસમતીના પ્રશ્ને ઘરઆંગણાના બજારમાં એક અનોખા પ્રકારનો વિવાદ તાજેતરમાં જોવા મળ્યો છે. બાસમતી ચોખામાં જોગ્રોફીકલ ઈન્ડીકેશન (જીઆઈ)નો દરજ્જો મેળવવા તાજેતરમાં પંજાબ તથા મધ્ય પ્રદેશની સરકાર વચ્ચે મતભેદો જોવા મળ્યા હોવાનું ચોખા બજારના સૂત્રોએ જણાવ્યું હતું. મધ્ય- પ્રદેશના વિવિધ આશરે ૧૩ જેટલા જીલ્લાઓમાં લોન્ગ ગ્રેઈન પ્રકારના ચોખાની ખેતી કરાય છે તથા આવા ચોખાના જીરાઈ ટેગ આપવા માટે તાજેતરમાં મધ્ય- પ્રદેશની સરકારે પ્રયત્નો શરૂ કર્યા હતા. આવા જીઆઈ ટેકાના કારણે આવા ચોખાની નિકાસને વેગ મળશે એવી ગણતરી મધ્ય- પ્રદેશની સરકાર બતાવી હતી. જોકે પંજાબ સરકારે આ પ્રશ્નેના નારાજગી બતાવ્યાના વાવડ મળ્યા હતા.
પંજાબ સરકારે આ પ્રશ્ને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત પણ કરી છે. પંજાબ સરકાર દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ ભારતથી બાસમતીની નિકાસ વાર્ષિક ધોરણે આશરે ૩૩ હજાર કરોડ રૂપિયા જેટલી થાય છે તથા ઈન્ડિયા બાસમતીના રજીસ્ટ્રેશન વિષયક નિતીમાં કોઈ ફેરફાર કરાશે તો ભારતથી બાસમતી ચોખાની નિકાસને ફટકો પડશે તથા નિકાસ બજારમાં આનો લાભ પાકિસ્તાનન મળશે એવી ગણતરી પંજાબ સરકારે બતાવી હતી. જોકે મધ્ય- પ્રદેશ સરકારના જણાવ્યા મુજબ જીઆઈ વેગ મળશે તો મધ્ય પ્રદેશના આવા લોન્ગ ગ્રેન પ્રકારના ચોખા વર્ષોથી ઉગાડતા ખેડૂતોની કદર થશે તેના આ પ્રશ્ને પંજાબ તથા મધ્ય- પ્રદેશ વચ્ચે મતભેદો ઉભા થવાની બાબત વ્યાજબી નથી. પંજાબ તથા હરીયાણાના ઘણા બાસમતી નિકાસકારો મધ્ય- પ્રદેશ ખાતેથી આવા ચોખાનો જત્થો ખરીદતા રહ્યા છે એવો દાવો મધ્ય- પ્રદેશની સરકારે કર્યો હતો. ૨૦૧૭-૧૮માં મધ્ય પ્રદેશ સરકારે જીઆઈ ટેગ મેળવવા પ્રયત્નો કર્યા હતા અને એ વખતે રજીસ્ટારે ઈનકાર કર્યો હતો એવું પંજાબ સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. ત્યારબાદ આ પ્રશ્ને કોર્ટમાં પણ પહોંચ્યો હતો જ્યાં પણ મધ્ય પ્રદેશને કોઈ રાહત મળી ન હતી.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FszCND
via Latest Gujarati News
0 Comments