લોકોના ખિસ્સા ખાલીખમ, બજારો સૂમસામ


- પ્રવર્તમાન સ્થિતિ જોતા આગામી દિવાળી/નવા વર્ષની ઊજવણી પણ ફિક્કીફસ રહે તેવી આશંકા

- નવરાત્રીની ઉજવણીમાં આકરા નિયમોનો અમલ અને લોકોની આવક પર થયેલી પ્રતિકુળ અસરના કારણે લોકો તહેવાર ઉજવવાથી દૂર થઇ ગયા

નવરાત્રીના પ્રારંભ સાથે જ તહેવારોની સીઝનની શરૂઆત થઇ ચૂકી છે. દેશભરમાં તમામ ક્ષેત્રના વેપારીઓ કેલેન્ડર વર્ષના અંતિમ તબક્કામાં આવતી તહેવારોની આ સીઝનની કાગડોળે રાહ જોતા હોય છે. નવરાત્રીથી શરૂ થતી તહેવારોની આ સીઝન નાતાલ-ક્રિસમસ સુધી ચાલે છે. આ સીઝન દરમિયાન વિવિધ ક્ષેત્રના વેપારીઓ મોટાપાયે બિઝનેસ કરતા હોય છે. વેપારી વર્તુળોના અંદાજ પ્રમાણે તહેવારોની આ સીઝન દરમિયાન વેપારીઓ તેમના વાર્ષિક કુલ બિઝનેસના ૩૦થી ૪૦ ટકા જેટલો બિઝનેસ કરી લેતા હોય છે. જેના કારણે તમામ વેપારીઓ માટે તહેવારોની આ સીઝન આગવું મહત્વ ધરાવતી હોય છે અને તેના માટે તડામાર તૈયારીઓ પણ કરાતી હોય છે. તહેવારોની આ સીઝન માત્ર વેપારીઓ માટે જ મહત્વની હોય તેમ નથી, ઓછી મૂડી થકી સીઝનલ ધંધો કરતા નાના દુકાનદારો તેમજ ફેરીયાઓ પણ આ સીઝનની કાગડોળે રાહ જોતા હોય છે.

ચાલુ વર્ષે બે દિવસ પહેલા જ નવરાત્રી પર્વનો પ્રારંભ થવાની સાથે તહેવારોની સીઝનની શરૂઆત થઇ ચૂકી છે. પરંતુ કોરોના મહામારીના પગલે ઊદભવેલ વિવિધ અઢળક પ્રતિકૂળતાઓના કારણે આ વખતે બજારોમાં ક્યાંય પણ તહેવારોની શરૂઆત થઇ હોય તેમ જણાતું જ નથી. વિવિધ બજારોમાં ખાસ કોઇ જ પ્રકારની ચહલપહલ નથી. તો બીજી તરફ લોકોમાં પણ તહેવારોની રંગેચંગે ઉજવણી કરવા માટે સ્હેજ પણ રસ જણાતો નથી. ઊદભવેલ આ પ્રતિકૂળ માહોલના પગલે બજારોમાં કે પછી રહેણાંક એરિયામાં ક્યાંય પણ તહેવારોની સ્હેજ પણ રોનક વર્તાતી નથી.

તહેવારોની રોનક/ઉન્માદ દેખાવા નહીં પાછળ બે મુખ્ય કારણ છે. જેમાં પ્રથમ કારણમાં આકરા લોકડાઉનના અમલના કારણે લોકોની આવક પર થયેલી પ્રતિકૂળ અસર. સમગ્ર ભારતમાં ૮૦ ટકાથી વધુ લોકોની આવક પર પ્રતિકૂળ અસર થવા પામી છે. લોકડાઉનના કારણે સૌથી વધુ પ્રતિકૂળ અસર રોજમદાર કારીગરો, વિવિધ ક્ષેત્રમાં કાર્યરત શ્રમિકો અને ફેરીયાઓ પર પડી છે. આ ઉપરાંત નાની-મોટી દુકાનોમાં કામ કરતા લાખ્ખો લોકોની આવક પણ ખોરવાઇ ગઇ છે. આ ઉપરાંત લોકડાઉનના કારણે જ બેરોજગારીમાં પણ તોતિંગ વધારો થયો છે.  કોરોના અગાઉ જે માહોલ હતો તેનાથી હાલ ૫૦ ટકા જેટલી સ્થિતિ થાળે પડી હોય તેમ જણાઇ રહ્યું છે. તમામ પ્રકારના ધંધા-રોજગાર અને ઉદ્યોગો પુનઃ ધમધમતા થયા છે પરંતુ આવકના મુદ્દાને લઇને આજ દિન સુધી  પ્રતિકૂળતાઓ યથાવત જ છે. તેમાં ખાસ કોઇ ફરક પડયો નથી.

તહેવારોની રોનક ન દેખાવા પાછળનું બીજું કારણ છે સરકારના આકરા નિયમો અને ગાઇડલાઇન્સ. નવરાત્રી દરમિયાન આરતી-પૂજાવિધી માટે માત્ર એક કલાકની છૂટ અપાઇ છે. તેમાં પણ આકરા નિયમોનું પાલન કરવાનું છે. જો તેનો અમલ કરવામાં નિષ્ફળ જવાય તો એપેડેમિક એક્ટ હેઠળ પગલાં ભરવા સુધીની જોગવાઇઓ જાહેર કરવામાં આવી છે. આમ, આ આકરા નિયમોના કારણે નાના-મોટા શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રીના તહેવારની રોનક જ દેખાતી નથી.

લોકોની આવક પર પ્રતિકૂળ અસર થઇ હોવાના કારણે લોકોની ખરીદશક્તિ પણ ઘટી જવા પામી છે. જેના કારણે બજારો લોકોની ચહલપહલ વિના સુમમસામ ભાસી રહ્યા છે. જાણકારોના જણાવ્યા મુજબ આગામી દિવાળી પૂર્વ ટાણે પણ આ પ્રકારની જ સ્થિતિ જોવા મળે તેવી સંભાવના છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે અગાઉ જુલાઇ / ઓગસ્ટ માસ દરમિયાન યોજાયેલ એન્ડ ઓફ સીઝન સેલની સીઝન પણ સંપૂર્ણપણે ફ્લોપ ગઇ હતી. કોરોના અગાઉ આ પ્રકારની સેલ સીઝન દરમિયાન શરૂઆત થવાની સાથે જ ચપોચપ માલ ઉપડી જતો હતો. પરંતુ, મહામારીના કપરા કામમાં લોકોએ ખર્ચ પર અંકુશ મૂકી દેતા પ્રતિકૂળ સ્થિતિનું નિર્માણ થયું હતું. વિવિધ સ્તરના વેપારીઓ દ્વારા આ સીઝન દરમિયાન ૫૦થી ૭૦ ટકા જેટલું તગડું ડિસ્કાઉન્ટ ઓફર કરાયું હોવા છતાં પણ ગ્રાહકો નવી ખરીદીથી દૂર જ રહ્યા હતા. ઓફ સીઝન સેલ દરમિયાન માત્ર ઓનલાઇન વેચાણ ઘટયું હતું તેમ ન હતું. આ સમય દરમિયાન ઓફલાઇન વેચાણ પર પ્રતિકૂળ અસર થઇ હતી.

આમ, નવરાત્રી પર્વની શરૂઆત સાથે જ તહેવારોની સીઝન શરૂ તો થઇ ગઇ છે. પરંતુ વિવિધ પ્રતિકૂળતાઓના કારણે તહેવારોની આ સીઝન કોઇ પણ જાતના ચાર્મ વિનાની એટલે કે તહેવારોની રોનક કે ઉન્માદ જણાતો જ નથી... રૂટિન  સમય જેવો જ માહોલ વર્તાઇ રહ્યો છે...

નવરાત્રી પર્વનું આગમન... બજારોમાં રમઝટનો અભાવ

ઓરકેસ્ટ્રા/કલાકારો

આ વખતે નવરાત્રી દરમિયાન માત્ર આરતી અને પૂજાવિધિ માટે એક કલાકની જ છૂૂટ અપાઇ  છે. અન્ય તમામ પ્રકારની ગતિવિધિ પર પ્રતિબંધ મૂકાવાના કારણે ઓરકેસ્ટ્રા તેમજ કલાકારોને મોટો ફટકો પડયો છે. આ વર્ષે તેમની આવક પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.

સાઉન્ડ સિસ્ટમ/ડેકોરેશન

સોશિયલ ડિસ્ટન્સ સહિતના આકરા નિયમોના અમલના પગલે નવરાત્રિ પર્વ દરમિયાન સાઉન્ડ સિસ્ટમ અને ડેકોરેશન ક્ષેત્રે કાર્યરત લોકોને પણ ગંભીર ફટકો પડયો છે. નવરાત્રીની સીઝનમાં લાખ્ખો રૂપિયા રળતો આ ઉદ્યોગ ચાલુ વર્ષે એક રૂપિયો પણ રળી શકશે નહીં.

પૂજાપો-અગરબતી/ધૂપ

નવરાત્રી પર્વ દરમિયાન નાના-મોટા શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારો, તમામ સ્થળે ભારે હર્ષોલ્લાસ સાથે પૂજાવિધી થતી હોય છે. આકરા નિયમનોના કારણે તેના પર અંકુશ મૂકાઇ જતા આ બિઝનેસમાં ૨૦થી ૨૫ ટકાની જ આવક રહેશે તેવા ગણિત મંડાયા છે.

રેડીમેડ/ટ્રેડિશનલ ડ્રેસ

નવરાત્રી પર્વ દરમિયાન આ ક્ષેત્રમાં ભારે ચહલ પહલ જોવા મળતી હોય છે. પરંતુ મહામારીના પગલે તમામ પ્રકારની ચહલ પહલ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. આ વર્ષની  સીઝન સંપૂર્ણપણે ફ્લોપ ગઇ છે.

બ્યુટી પાર્લર/સલુન

નવરાત્રી પર્વના એકાદ માસ પહેલાથી જ બ્યુટી પાર્લર અને સલુનો ધમધમતા થઇ જતા હતા. પરંતુ મહામારી અને આકરા નિયમનોના અમલના કારણે આજે આ સ્થળે કાગડા ઊડે છે. આ પર્વ થકી થતી આવક પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.

કરિયાણુ/પ્રોવિઝન

નાના-મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન પૂજા-વિધી, નાસ્તા, જમણવાર થતા હોવાના કારણે આ ક્ષેત્રમાં પણ આ પર્વ દરમિયાન મોટાપાયે બિઝનેસ થતો હતો. પરંતુ ચાલુ વર્ષે આ બિઝનેસ માટે નવરાત્રીની સીઝન  ફ્લોપ ગઇ છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FG5dMr
via Latest Gujarati News

Post a Comment

0 Comments