અમેરિકન ચૂંટણી : ટ્રમ્પને હરાવી બિડેન 46મા પ્રમુખ બન્યા


પ્રમુખ બનતાં પહેલાં જ બિડેને જાહેર સ્વાસ્થ્ય-અર્થતંત્ર પર કામ શરૂ કર્યું હતું : ફરી પ્રમુખ બનવાનું ટ્રમ્પનું સપનું રોળાયું

કેટલાક રાજ્યોમાં મતગણતરી ચાલુ હોવાથી 300થી વધુ ઈલેક્ટોરલ વોટથી જીતવાનો જો બિડેનનો દાવો

કમલા હેરિસે પ્રથમ અશ્વેત મહિલા ઉપપ્રમુખ બની ઈતિહાસ રચ્યો બિડેન-હેરિસે નિષ્ણાતો સાથે અર્થતંત્ર-કોરોનાની ચર્ચા કરી

હું તમામ અમેરિકીઓનો પ્રમુખ બનીશ : જીત બાદ બિડેનની ટ્વિટ

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. 7 નવેમ્બર, 2020, શનિવાર

અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં મતદાનના ચોથા દિવસે આખરે ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેને બાજી મારી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ સતત બીજી વખત પ્રમુખ બનવાનું ચૂકી ગયા છે. 

મંગળવારે મતદાન પૂરૂં થયા પછી બુધવારથી જ પાંચ બેટલગ્રાઉન્ડ સ્ટેટમાં બિડેન અને ટ્રમ્પ વચ્ચે મામલો ફસાયો હતો. જોકે, શનિવારે પેન્સિલવેનિયામાં 20 ઈલેક્ટોરલ વોટ જીતવાની સાથે જો બિડેન અમેરિકાના 46મા પ્રમુખ બન્યા છે. બિડેનને 273 જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 214 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. 

પ્રમુખ બનવા માટે 270 ઈલેક્ટોરલ વોટની જરૂર હોય છે. બિડેનના વિજય સાથે કમલા હેરિસે પણ ભારતીય મૂળની સૌપ્રથમ મહિલા ઉપપ્રમુખ બનીને અમેરિકન ચૂંટણીમાં ઈતિહાસ રચ્યો છે.

જોકે, હજી કેટલાક રાજ્યોમાં મતગણતરી ચાલુ હોવાથી બિડેન વધુ મતોથી જીતે તેવી સંભાવના છે. બેટલ ગ્રાઉન્ડ સ્ટેટ્સમાં પેન્સિલવેનિયા સૌથી વધુ ઈલેક્ટોરલ વોટ ધરાવતું રાજ્ય હતું, જ્યાં બિડેને વિજય મેળવતાં તેમનું પ્રમુખ બનવાનું નક્કી થઈ ગયું છે.

 બિડેને જણાવ્યું હતું કે, અમેરિકનોએ તેમનામાં અને ઉપપ્રમુખ કમલા હેરિસમાં જે વિશ્વાસ મૂક્યો છે તેનું તેઓ સન્માન કરે છે. બિડેન અગાઉ ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાની સાથે ઉપપ્રમુખપદે રહી ચૂક્યા છે. તેઓ ડેલાવરના સૌથી લાંબો સમય સેનેટરપદે પણ રહ્યા હતા. 

ચૂંટણીના પરિણામોમાં વિલંબ થતાં બિડેને  પ્રમુખ બનવાની જાહેરાત થાય તે પહેલાં જ વર્તમાન સંજોગોમાં સૌથી મહત્વના એવા જાહેર સ્વાસ્થ્ય અને આૃર્થતત્રના ક્ષેત્રો પર કામ શરૂ કરી દીધું છે. અમેરિકામાં કોરોના મહામારીની ત્રીજી વેવને પગલે એક જ દિવસમાં એક લાખથી વધુ લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે.

બિડેને જણાવ્યું હતું કે, અમે અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ ત્યારે હું લોકોને કહેવા માગું છું કે અમે કામ શરૂ કરવા માટે રાહ જોઈ નથી રહ્યા. હું પહેલા જ દિવસથી લોકોને જણાવવા માગું છું કે અમે કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવા માટે અમારી યોજનાઓ અમલમાં મૂકીશું. આ યોજનાઓ આગામી મહિનાઓમાં લાખો લોકોના જીવન બચાવશે. 

બિડેન અને હેરીસે એક દિવસ અગાઉ જાહેર સ્વાસ્થ્ય અને આિર્થક કટોકટી મુદ્દે નિષ્ણાતોના એક જૂથ સાથે ચર્ચા પણ કરી હતી. બિડેને કહ્યું હતું કે,  દેશમાં 20 મિલિયનથી વધુ લોકો બેરોજગાર છે. અમારી આિર્થક યોજના દેશને સુધારાના માર્ગ પર આગળ લઈ જવાની છે.

કોરોના મહામારી દેશ માટે ચિંતાજનક બાબત છે. કોરોનાના દૈનિક કેસનો આંકડો સતત વધી રહ્યો છે અને એક દિવસમાં 2,00,000થી પણ વધુ કેસ નોંધાય તેવી આશંકા છે. અમે કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે અમારી યોજનાઓનો અમલ કરીશું.

બિડેનના સંભવિત વિજય સાથે તેમની ટીમનાં કમલા હેરિસ પણ ઉપપ્રમુખ બની જશે. અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં કમલા હેરિસ ઉપપ્રમુખપદે પહોંચનારાં સૌપ્રથમ મહિલા બનશે. વધુ મહત્વની બાબત એ છે કે ઉપપ્રમુખપદે તેઓ સૌપ્રથમ ભારતીય મૂળનાં મહિલા છે. કમલા હેરિસ કેલિફોર્નિયામાંથી એટર્ની જનરલ રહી ચૂક્યાં છે. 

તેઓ પોલીસ સુધારાના મોટા સમર્થક છે. અગાઉ બિડેને ડેલાવરના વિલ્મિંગ્ટનથી રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું હતું કે, મારા અમેરિકન મિત્રો, અમે જીત્યા છીએ તેવી હજી જાહેરાત થઈ નથી, પરંતુ મતગણતરીના આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે અત્યંત રસાકસીભરી આ ચૂંટણીમાં અમે જીતી રહ્યા છીએ.

બિડેને ભારપૂર્વક કહ્યું હતું કે ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થશે ત્યારે તેમને 300થી વધુ ઈલેક્ટોરલ વોટ મળ્યા હશે. આપણને અત્યાર સુધીમાં 74 મિલિયન વોટ મળ્યા છે, જે અત્યાર સુધી કોઈપણ અમેરિકન પ્રમુખને મળ્યા નથી. અને હજુ મતગણતરી ચાલુ છે. અમે ડોનાલ્ડ ટ્રમ્પને 4 મિલિયન મતોથી હરાવીશું અને આ માર્જિન પણ વધી રહ્યુંછે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પને પરાસ્ત કરી અમેરિકાના 46મા પ્રમુખ બન્યા બાદ બિડેને ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પ્રમુખ બન્યા પછીની પહેલી ટ્વિટમાં જણાવ્યું હતું કે, હું તમામ અમેરિકીઓનો પ્રમુખ બનીશ. મને વોટ આપ્યા હોય કે મારી વિરૂદ્ધ મતદાન કર્યું હોય, હું તમામ નાગરિકો માટે કામ કરીશ અને દેશની પ્રગતિ કરીશ.

7મી નવેમ્બર બિડેન માટે અતિ મહત્ત્વની તારીખ 

અમેરિકાના 46મા પ્રમુખ બનેલા જો બિડેન માટે 7મી નવેમ્બર યોગાનુયોગ લાભદાયક બની છે. અમેરિકામાં 1972માં ડેલાવરમાં સેનેટની ચૂંટણીમાં બિડેને સૌપ્રથમ વખત ઝુકાવ્યું હતું. આ ચૂંટણીમાં રિપબ્લિકન યુનાઈટેડ સેનેટના સેનેટર જે. સેલેબ બોગ્સ ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા હતા. 

બોગ્સ સામે બિડેન ન્યૂ કેસલ કાઉન્ટીના કાઉન્સિલમેન હતા અને બિડને પાસે ચૂંટણી પ્રચાર માટે નાણાં પણ નહોતા. બોગ્સને સતત ત્રીજી વખત સરળતાથી ચૂંટણી જીતવાની આશા હતી. જોકે, આ વર્ષે ચૂંટણી ખૂબ જ રસાકસીભરી રહી અને બિડેને 3,162 મતોથી બોગ્સને હરાવ્યા હતા.

સાત યુએસ સેનેટ ચૂંટણીમાં આ તેમનો સૌપ્રથમ વિજય હતો. તેમના આ વિજયની જાહેરાત પણ 7મી નવેમ્બર 1972ના રોજ થઈ હતી. એ જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ સામે બિડેને ઉમેદવારી નોંધાવી ત્યારે પણ કોઈને આશા નહોતી કે તેઓ જીતી જશે. પરંતુ 7મી નવેમ્બર 2020ના રોજ બિડેનના વિજયની જાહેરાત થઈ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eEgSIo
via Latest Gujarati News

Post a Comment

0 Comments