નોર્વેમાં મધદરિયે જહાજ ફસાયું : મેગા એરલિફ્ટ ઓપરેશન દ્વારા 1300 મુસાફરોનો બચાવ


નોર્વે, તા.24 માર્ચ, 2019, રવિવાર

નોર્વેના પશ્ચિમી કિનારે હસ્તદવિકાના દરિયાઇ વિસ્તારમાં ૧૩૦૦ મુસાફરોને લઇને જઇ રહેલું ક્રૂઝ જહાજ મધદરિયે બંધ પડતા નોર્વેની સરકાર દ્વારા મોટું એરલિફ્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જહાજ જ્યાં ફસાયું હતું ત્યાં પાણીની સપાટી નીચે મોટી ભેખડો હોવાથી અન્ય જહાજને મુસાફરોના બચાવ માટે મોકલવું અશક્ય હતું. તેથી તમામ મુસાફરોને હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જહાજના બંધ પડેલા ચાર એન્જિન પૈકી ત્રણ એન્જિનને ફરી કાર્યરત કરાયા હતા અને બે ટગ બોટથી જહાજને ખેંચી કિનારા પર લાવવામાં આવ્યું હતું.

ખરાબ મોસમને કારણે શનિવારે નોર્વેના દરિયા કિનારે ૧,૩૦૦ યાત્રિકો ભરેલું એક જહાજ ફસાઈ ગયું હતું. વાઈકિંગ સ્કાય નામના આ જહાજના ક્રૂ મેમ્બર્સ તરફથી ભયનો સંકેત મળતા નોર્વેનું બચાવ દળ સક્રિય થયું હતું અને દરિયામાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા માટે હેલિકોપ્ટર મુકવામાં આવ્યા હતા.

 ખરાબ હવામાનને કારણે દરિયાના પાણી છથી ૧૦ મીટર જેટલા ઊંચા ઉછળી રહ્યા છે પરંતુ જહાજ પર ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. 

જાણવા મળ્યા મુજબ ખરાબ હવામાનને કારણે શુક્રવારથી જ જહાજના એન્જીનમાં ખરાબી અનુભવાઈ રહી હતી. ત્યાર બાદ શનિવારે પરિસ્થિતિ વધારે ખરાબ થતા નજીકના કંટ્રોલ રુમને જાણ કરવામાં આવી હતી. 

રવિવાર સવાર સુધીમાં જહાજના ક્રૂ મેમ્બર્સે ચાર પૈકીના ત્રણ એન્જીનને ફરીથી ચાલુ કરવામાં સફળતા મેળવી લીધી હતી.

 પોલીસ અધિકારી ટોર આંદ્રેએ જણાવ્યા મુજબ ૧,૩૭૩ પૈકીના ૩૯૭થી વધારે લોકોને સુરક્ષિત બહાર લઈ જવામાં સફળતા મળી છે અને બચાવ કાર્યમાં લાગેલા પાંચ હેલિકોપ્ટર એક ફેરામાં ૧૫થી ૨૦ લોકોને એરલિફ્ટ કરી રહ્યા છે. 

એન્જીનમાં ખામી આવવાના કારણે જહાજે દરિયા કાંઠાથી બે કિમી દૂર પાણીમાં લંગર નાખી દીધા હતા. જહાજ જ્યાં ફસાયું છે ત્યાં પાણીમાં નીચે ઊંચી ચટ્ટાનો હોવાથી બીજા જહાજને બચાવ કાર્યમાં મોકલવું જોખમી છે અને પાણીની ઊંચી લહેરોને કારણે બચાવ કામમાં અવરોધ આવી રહ્યો છે. 

જહાજમાં રહેલા અનેક લોકો લાઈફ જેકેટ પહેરીને ક્યારે તેમને એરલિફ્ટ કરાશે તેની રાહમાં બેસી રહ્યા છે અને તેમને ભોજન અને પાણીની સવલત પૂરી પાડવામાં આવી રહી છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TXy9p9
via Latest Gujarati News

Post a Comment

0 Comments