
નવી દિલ્હી, તા. 9 મે, 2019, ગુરૂવાર
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની નાગરિક્તા અંગે ભાજપના નેતાઓ સવાલો ઉઠાવી રહ્યા છે અને જુદા જુદા આરોપો લગાવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઇ છે જેમાં એવી દલીલ કરવામાં આવી છે કે રાહુલ ગાંધીની નાગરિક્તાનો મામલો જ્યાં સુધી પુરો ન થાય અને તેમની નાગરીક્તા જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી તેમને ચૂંટણી લડતા લોકવામાં આવે અને આ અંગે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકાર તેમજ ચૂંટણી પંચને આદેશ આપે.
જોકે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી અને અરજદારને સવાલ કર્યો હતો કે કોઇ વ્યક્તિનું નામ અન્ય કોઇ કંપની બ્રિટનના નાગરિક તરીકે દર્શાવે તો તેનો મતલબ એ નથી થતો કે તે વ્યક્તિ બ્રિટનની નાગરિક જ છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, ન્યાયાધીશ દિપક ગુપ્તા અને સંજિવ ખન્નાએ અરજદારને આ ફટકાર લગાવી હતી.
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીના ચૂંટણી લડવા પર પ્રતિબંધની માગણી જય ભગવાન ગોયલ અને સી પી ત્યાગીએ કરી હતી, તેમણે એવી દલીલ કરી હતી કે પ્રથમદ્રષ્ટા પુરાવા ગૃહ મંત્રાલયને સોપવામાં આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે રાહુલ ગાંધીને લોકસભાની ચૂંટણી લડતા રોકવામાં આવે. આ અરજીને વકીલ બરુન કુમાર સિંહાએ કરી હતી, જેમાં તેમણે એવી માગણી કરી હતી કે જ્યાં સુધી મામલાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રાહુલ ગાંધીનું નામ પણ ઇલેક્ટરલ રોલમાંથી કાઢી નાખવામાં આવે.
ભાજપના નેતાઓ દાવા કરી રહ્યા છે કે રાહુલ ગાંધી બ્રિટનના હોવાનો દાવો એક કંપનીએ પોતાના દસ્તાવેજમાં કર્યો છે. ૨૦૦૫થી ૨૦૦૬ સુધીમાં જે રિટર્ન ફાઇલ થયું તેમાં કંપનીએ રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરીક ગણાવ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઇ વ્યક્તિને કોઇ કંપની પોતાના દસ્તાવેજમાં બ્રિટિશ નાગરીક દર્શાવે તેનો મતલબ એ નથી થતો કે તે વ્યક્તિ બ્રિટિશ નાગરીક્તા ધરાવે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JbvBOj
via Latest Gujarati News
0 Comments