
ન્યૂ યોર્ક, તા. 9 મે, 2019, ગુરૂવાર
ફેસબૂક વિરૃદ્ધ તેના જ સહ-સ્થાપક ક્રિસ હ્યુજે સૂર વહેતો કર્યો છે. હ્યુજે અમેરિકી અખબાર ધ ન્યુયોર્ક ટાઈમ્સમાં એક લેખ લખીને જણાવ્યું હતું કે ફેસબૂકને બંધ કરી દેવાનો અથવા તો કંપનીનું વિસર્જન કરવાનો સમય આવી પહોંચ્યો છે. ફેસબૂક દ્વારા તેના સ્થાપક માર્ક ઝકરબર્ગ દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ બની રહ્યા છે. એટલું જ નહીં તેને કોઈ રોકનાર ન હોવાથી એ ફેસબૂકનો ઉપયોગ લોક-સંપર્ક વધારવા કરતાં પોતાના હિત માટે કરે એવી શક્યતા વધુ છે.
ક્રિસે આગળ લખ્યું છે કે મને માર્ક પ્રત્યે વ્યક્તિગત રીતે આદર છે. પરંતુ તેણે જે ફેસબૂકને કનેક્ટિવિટીને બદલે બિઝનેસનું સાધન બનાવાની શરૃઆત કરી દીધી છે. હવે માર્કનું ધ્યાન ફેસબૂકના વપરાશકર્તાઓની સલામતી પર નથી, તેના બદલે ક્લિક કેમ વધે, લોકો ફેેસબૂક પર વધુ સમય પસાર કરે, વધુ માહિતી શેર કરે અને એ રીતે ફેસબૂકનો ડેટાબેઝ વધતો જાય તેના પર છે. માર્ક પાસે આખી દુનિયામાં કોઈ વ્યક્તિ પાસે ન હોય એટલી બધી શક્તિ આવી રહી છે, એવી ચેતવણી પણ ક્રિસે આપી હતી.
આ પહેેલા પણ ફેસબૂકના જ કર્મચારીઓ ફેસબૂક ચલાવવા માટેની માર્કની નીતિ-રીતિ સામે વાંધો ઉઠાવી ચૂક્યા છે. આ પહેલા વૉટ્સએપના સર્જક જોન કુઆમે પણ ફેસબૂક ડિલિટ કરવાની ટ્વિટ કરી હતી. એમાંય ફેસબૂક સલામત નથી એવુ છેલ્લા બે વર્ષ દરમિયાન સામે આવેલા ડેટા લીક કૌભાંડ પરથી સાબિત થઈ ચૂક્યુ છે. ફેસબૂક પર યુરોપિયન સંઘે વારંવાર દંડ કર્યો છે. હવે અમેરિકામાં ૫ અબજ ડૉલર જેટલો દંડ થાય એવી શક્યતા છે.
ક્રિસે લખ્યુ છે કે માર્ક હવે એવા માણસોથી ઘેરાયેલો છે, જે તેની હામાં હા મિલાવે છે. પહેલા ફેસબૂક કંઈ ગરબડ કરે તો માર્કના સાથીદારો જ તેને એમ કરતાં અટકાવતા હતા. પરંતુ હવેની ટીમ એવુ કરતી નથી, એ સ્થિતિ વધારે ઘાતક છે. ૩૫ વર્ષિય ક્રિસ હ્યુજ માર્ક ઝકરબર્ગ સાથે હાવર્ડમાં ભણતા હતા, એક જ રૃમમાં રહેતા હતા.
ફેસબૂકની શરૃઆત તેમણે સાથે મળીને કરી હતી. પરંતુ ૨૦૦૬માં જે ક્રિસે ફેસબૂક છોડી દીધું હતું. એ પછી તેઓ ઓબામાની ચૂંટણી ટીમમાં જોડાયા હતા. અત્યારની સ્થિતિ પ્રમાણે સરકારનો કે બીજા કોઈનો ફેસબૂક પર અમુક હદથી વધારે કાબુ નથી. બીજી તરફ ફેસબૂકના વપરાશકારોની વિગતો સતત ફેસબૂક પાસે એકઠી થતી જાય છે.
એ વિગતોનો દૂરુપયોગ પણ થઈ શકે છે. માટે સરકારે ફેસબૂક તથા એવી અન્ય સોશિયલ સાઈટ્સ માટે નિયંત્રણો ઘડવા જોઈએ એવી વાત પણ ક્રિસે લખી હતી. ફેસબૂકના ઉપયોગ દ્વારા ચૂંટણીમાં ખોટી માહિતી ફેલાવવી, ધિક્કારજનક પોસ્ટનો ફેલાવો કરવો, ફેક ન્યુઝ વહેતા કરવા, અમર્યાદિત રીતે અભિવ્યક્તિ રજૂ કરવી વગેરે ગરબડો આખા જગતમાં સામે આવી જ રહી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JbD2Fa
via Latest Gujarati News
0 Comments