કર્મનિષ્ઠા અને કૌશલ્યથી ખીલી ઊઠી મેઘધનુષી પ્રતિભા


અમદાવાદ સિટીનું પરિણામ ૭૭.૦૧%

અમદાવાદ રૃરલનું પરિણામ ૮૧.૨૮%

૮૯૦૫ સ્ટુડન્ટે અમદાવાદ શહેરમાંથી પરીક્ષા આપી હતી

૬૬૭૬ પરીક્ષાર્થી અમદાવાદ રૃરલના હતા

સિવિલ હોસ્પિટલ કેન્સર વિભાગના સફાઇ કામદારના દિકરાની જ્વલંત સિદ્ધિ

યશ અધિકારી

દીવાન બલ્લુભાઇ હાઇસ્કૂલ, પાલડી

૮૫.૨%

દાણીલીમડા વિસ્તારમાં રહેતા અશોકભાઇ અધિકારીનો પુત્ર યશ ૧૨ સાયન્સમાં સારા પર્સન્ટેજ સાથે પાસ થયો છે. અશોકભાઇ સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં સફાઇ કામદાર તરીકે અને માતા ઘર કામ કરે છે. યશ અધિકારીએ કહ્યું કે, સમગ્ર વર્ષની મહેનતનું આ પરિણામ છે. મારા માતા-પિતા તથા ભાઇ તરફથી અભ્યાસ માટેનો ઘણો જ સપોર્ટ મળ્યો હતો. પરીક્ષા પહેલાં છેલ્લાં ત્રણ વર્ષના પેપર સોલ્યુશન કર્યા હતા જેનાથી પરીક્ષામાં સમયમર્યાદાનું ધ્યાન રહે છે સાથે લખવાની સ્પીડમાં વધારો થાય છે. અઘરા લાગતા પ્રશ્રોને સોલ્વ કરવા  માટે શિક્ષકોનું માર્ગદર્શન વધારે કામ આવ્યું હતું. દિવસના ૬થી ૮ કલાકનું વાંચન કરતો હતો તેમજ મનપસંદ રમત રમીને ફ્રેશ થતો હતો. પરિવાર દ્વારા કોઇ પ્રેશર કરવામાં આવતું નથી. મેથ્સમાં ૯૯, ફિઝિક્સમાં ૯૪ અને કેમેસ્ટ્રીમાં ૮૮ માર્કસ આવ્યા છે. મારા મોટાભાઇ સિવિલ એન્જિનિયરિંગમાં સ્ટડી કરે છે અને મારે પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરીને સારી જોબ કરવાની ઇચ્છા છે. પિતા અશોકભાઇએ કહ્યું કે, હું મારા દિકરાઓે સારો અભ્યાસ કરાવવા માટે રાતદિવસ મહેનત કરીશ. તેમજ તેમને સારી જોબની સાથે સામાજિક કાર્ય કરવાની પ્રેરણા પણ આપીશ.

જે શાળામાં પિતા વાન ડ્રાઇવર તરીકે નોકરી કરે છે ત્યાં જ ભણતો પુત્ર સ્કૂલ ટોપર બન્યો

દીપ બાંભરોલિયા

સહજાનંદ વિદ્યાલય, નરોડા

૯૪.૩૩%

છેલ્લા સાડા ત્રણ વર્ષથી સહજાનંદ વિદ્યાલયમાં ટ્રાન્સપોર્ટની સેવા આપતા મુકેશભાઇને આજે ગર્વ થયો કે દિકરો દીપ સ્કૂલમાં અવ્વલ નંબરે રહ્યો. વિરાટનગર વિસ્તારમાં સંયુક્ત પરિવારમાં રહેતા મુકેશભાઇ અને હિરેનભાઇના દિકરા અને દીકરીઓ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી છે. મુકેશભાઇનો મોટો દિકરો હાલ મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે અને બીજા નંબરનો દિકરો દીપ બોર્ડમાં સારા ટકા મેળવીને હવે એમબીબીએનો અભ્યાસ કરી ન્યુરોલોજીમાં કરિયર બનાવશે. 

ખૂબ ટૂંકી આવકમાં પરિવારનું ભરણપોષણ અને સામાજિક જવાબદારીઓ વચ્ચે મુકેશભાઇએ શરૃઆતમાં હીરા ઘસવાનો વ્યવસાય કર્યો હતો ત્યારબાદ નાસ્તાની દુકાન ચલાવી પરંતુ મોટી ખોટ જતા દુકાન બંધ કરવાનો વારો આવ્યો પરંતુ છેલ્લા સાડા ત્રણ વર્ષથી સહજાનંદ વિદ્યાલયમાં વાન ડ્રાઇવર તરીકે નોકરી મળી ગઇ અને બધુ સારું થઇ ગયું. દિકરો દીપ શરૃઆતથી જ અભ્યાસમાં તેજસ્વી તેને ધોરણ ૧૦માં પણ ૯૫.૬૭ ટકા આવ્યા હતા. કોઇપણ ટયૂશન વિના માત્ર સ્કૂલના શિક્ષકોની મદદ અને યુ-ટયૂબ ઓનલાઇન સ્ટડી વીડિયો જોઇને આટલા સારા ગુણ મેળવ્યા છે. તેણે નીટની એક્ઝામનું પ્રિપરેશન પણ યુ-ટયૂબથી કર્યું હતું.

બહેને વિશ્વાસ અને શ્રદ્ધાથી ભાઇને કાંડે બાંધેલી રાખડીનું સફળ પરિણામ મળ્યું 

મેઘ શાહ

નવચેતન સ્કૂલ

૯૪%

વાસણા ખાતે રહેતો મેઘ શાહ એ-વન ગ્રેડ સાથે ઉતિર્ણ થયો છે. જેની માતા કાજલબહેન હાઉસવાઇફ છે અને પિતા દર્શનભાઇ પ્રાઇવેટ જોબ કરે છે. આ અંગે વાત કરતા મેઘ કહ્યું કે, આજે આવેલ મારા ઊંચા ગુણ પાછળ મારી મોટી બહેન આસ્થાનો ખૂબ મોટો રોલ છે. બે વર્ષ અગાઉ ૧૨ સાયન્સમાં તે અમદાવાદમાં ટોપર હતી અને આજે તે આઇ.ટી. એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી છે તેનાથી પ્રેરાઇને મેં સાયન્સ સ્ટ્રીમ પસંદ કર્યું હતું. હું પરીક્ષાની તૈયારી માટે રોજ સવારે ઉઠીને એક ગોલ તૈયાર કરતો અને તે પતવો જ જોઇએ તેનો ટાર્ગેટ સેટ કરતો હતો. મારે ફિઝીક્સમાં ૧૦૦, મેથ્સ અને કેમેસ્ટ્રીમાં ૯૬ માર્કસ મળ્યા છે. ભવિષ્યમાં હું પણ આઇ.ટી. ફિલ્ડમાં મારુ કરિયર બનાવવા ઇચ્છુ છું. બહેન આસ્થા સાથે વાત કરતા તેણીએ કહ્યું કે, ભાઇનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે ગયા વર્ષે રાખડી બાંધતી વખતે હું તેના સારા પરિણામ માટે કમર કસી તેવી પ્રતિજ્ઞાા લીધી હતી. એ વાંચતો અને હું તેની સાથે બેસતી, એ જ્યા અટકતો ત્યાંથી હું તેને ગાઇડ કરતી હતી. આખા વર્ષ દરમિયાન તેનો હકારાત્મક અભિગમ રહ્યો હતો.ક્યારેક ટયૂશન કે સ્કૂલની પરીક્ષા ધાર્યા જેટલા ટકા ન આવે તો બીજા જા દિવસથી એ વિષય પાછળ ખુબ મહેનત કરતો હતો.

એમ્બ્રોડરી મશીન ચલાવી ગુજરાન ચલાવતા પિતાનો પુત્ર ટયૂશન વિના ટોપર બન્યો

મીત સખરેલીયા

સ્કૂલ- સહજાનંદ સ્કૂલ

૯૪%

ઓહો!! ૧૨ સાયન્સ બહુ અઘરું તેવું કહેનારાઓની હરોળમાં નિકોલ ખાતે રહેતા મીતે કોઇપણ ટયૂશન ક્લાસ વગર ૧૨ સાયન્સની પરીક્ષા ટોપ કરીને બતાવી છે. મીતના પિતા જગદિશભાઇ જેઓ ધોરણ ૯ પાસ છે તેઓ એમ્બ્રોડરી મશીન ચલાવે છે જ્યારે માતા સિલાઇકામ કરીને ઘર ચલાવે છે. આ અંગે વાત કરતા મીતે કહ્યું કે, મારા પિતાની ઇચ્છા મને સાયન્સમાં ભણાવવાની હતી પરંતુ આર્થિક સંકડામણને કારણે તેઓ મુંઝાતા હતા પરંતુ મારી જીદને માન આપીને તેઓએ મને સાયન્સ લેવા દીધું તેઓ કહેતા કે, સાયન્સ લેવું આપણું કામ નહી તે તો પૈસાવાળા લઇ શકે પરંતુ મારે મારું કરિયર સાયન્સમાં બનાવવું હતું. તેથી મેં કોઇપણ પ્રકારના ટયૂશન વગર માત્ર સ્કૂલ પર આધાર રાખીને ભણવાનું ચાલુ કર્યું હતું. વર્ષની શરૃઆતમાં જ મેં ૯૦ ટકાનો ટાર્ગેટ સેટ કર્યો હતો. આ અંગે વાત કરતા દયાબહેને કહ્યું કે, અમે બન્ને પતિ-પત્ની ઓછું ભણ્યા છીએ તેથી દિકરો ખૂબ ભણે તેવા અરમાન છે. અમે તો તેના પાછળ મહેનત કરી પરંતુ તેણે અમારા કરતા પણ વધારે મહેનત કરી હતી અને તેની આજ મહેનતનું તેને ખૂબ સારું પરિણામ મળ્યું.

ઓનલાઇન વીડિયો જોઇને અઘરાં વિષયો તૈયારી કર્યાને છ-૧ગ્રેડ મેળવ્યો 

કથક સંઘવી

જે.એલ.હાઇસ્કૂલ મણિનગર

૯૨.૬૬%

સમગ્ર વર્ષ દરિમયાન દરેક વિષયને યોગ્ય ન્યાય મળે તે માટેનું મેનેજમેન્ટ નક્કી કર્યું હતું. ટયુશનમાં જઇને આવ્યા પછી દિવસના ૫થી ૬ કલાકની  મહેનત કરતો હતો. આ વર્ષે સંપૂર્ણ કોર્સ હોવાથી તૈયારી માટે પૂરતો સમય મળ્યો હતો. મને અઘરા  લાગતા વિષયો માટે હું ઓનલાઇન વીડિયો જોઇને તેમાંથી સરળ રીતે તૈયારી કરતો હતો. જેનાથી મને વધારે સમય સુધી યાદ રાખવામાં કોઇ તકલીફ પડતી ન હતી. માતા -પિતા તરફથી પૂરેતો સપોર્ટ મળ્યો હતો અને કોઇ પણ જાતનું પ્રેશર આપવામાં આવ્યું ન હતું. સારી જગ્યાએ એડમિશન લઇને કમ્પ્યૂટર એન્જિનિયર બનવું છે.  આ વિશે તેના પિતા ભાવિનભાઇએ કહ્યું કે, અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારનું પ્રેશર કરવું જોઇએ નહી. તેમજ તેને જેમાં રસ છે તે વિષય કે લાઇનમાં મોકલીને કારકિર્દી બનાવવી જોઇએ. 

કેમિસ્ટ્રીની બૂકનું ૧૦ વખત રિવિઝન કર્યું

શાશ્વત મહેતા

દીવાન બલ્લુભાઇ સ્કૂલ, કાંકરિયા

૯૩%

રેન્કિંગમાં આવવું હોય તો ટેક્સબૂક પર વધુ ભાર આપો. મેં તમામ સબ્જેક્ટની બૂકનું ત્રણથી ચારવાર રિવિઝન કર્યું હતું. જેમાં કેમિસ્ટ્રીની બૂકનું તો ૧૦ વખત રિવિઝન કર્યું હતું.  

IITમાં કમ્પ્યૂટર એન્જિનિયર બનવું છે

અદિત શાહ

ધી ન્યૂ એચ.બી.કાપડીયા હાઇસ્કૂલ

૯૧.૨%

સેમેસ્ટર પદ્વતિ ન હોવાથી વર્ષ દરમિયાન તૈયારી કરવાનો પૂરતો સમય મળ્યો હતો. કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સના પેપર ઓલઓવર સારા રહ્યાં હતા જેનો ફાયદો વધુ માર્કસ મેળવવામાં થયો હતો. ટેન્શનમાં રહીને નહીં પણ નોર્મલ રીતે એક્ઝામની તૈયારી કરવી જોઇએ. માતા પિતાએ જરૃરિયાત કરતા વધુ અપેક્ષા રાખવી જાઇએ નહીં. પોતાના અઘરા લાગતા વિષયનું વારંવાર નિયમિત વાંચન અને ગણતરી કરીને તેની ન્યાય આપવો જોઇએ. મારે આઇઆઇટી મુંબઇથી કોમ્પ્યુટર એન્જિનિયર બનવાની ઇચ્છા છે.

દિવસના ૫ કલાકની મહેનતનું પરિણામ 

હેતાર્થ પરીખ 

નવચેતન સ્કૂલ

૯૪.૬%

મેં સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષકો અને ટયુશનમાં કરાવવામાં આવતાં સ્ટડી પર વધુ ફોકસ કર્યું હતું. તેમજ ઘરે નિયમિત ૫ કલાકની મહેનત કરી ત્યારે મને મેથ્સમાં ૧૦૦, કેમેસ્ટ્રીમાં ૯૫ અને ફિઝિક્સમાં ૯૯ માર્કસ્ મળ્યાં છે. હું અભ્યાસની સાથે સાથે ફ્રેશ થવા એક કલાક જેટલો સમય સોશિયલ મીડિયા યુઝ કરતો હતો. ઘરના કોઇ સભ્ય દ્વારા પ્રેશર કરવામાં આવ્યું ન હતું અને મારા પરિણામથી તમામ લોકો ખુશ છે.

પહેલાં જ દિવસથી નિયમિત ૭ કલાકની મહેનત કરતો હતો

ઓમ વ્યાસ

સહજાનદ સ્કૂલ

૯૨.૩%

સકસેસ ફંડા શેર કરતા નવા નરોડા ખાતે રહેતા અને એ-વન ગ્રેડ સાથે બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઓમ વ્યાસે કહ્યું કે, ધો-૧૨ સાયન્સ એ તનતોડ મહેનતનું બીજું નામ છે. મેં પરીક્ષાના પહેલાં દિવસથી પ્લાનિંગ ચાલુ કરી દિધુ હતું અને કોઇ પણ કાર્ય પ્લાનિંગ સાથે કરવામાં આવે તો તેનું ઉત્તમ રિઝલ્ટ મળે જ છે. મેં પહેલા એક દિવસ, પછી એક અઠવાડીયું અને છેલ્લે એક મહિનાનો ટાર્ગેટ સેટ કર્યો હતો. 

માતા-પિતા અને ભાઇની જેમ મારે પણ મેડિકલ ક્ષેત્રમાં કામ કરવું છે

શૈલજા શાહ

કામેશ્વર સ્કૂલ

૮૫.૪૨%

મેં વર્ષ દરમિયાન ટેક્સબૂક પર જ ફોકસ કર્યું હતું કોઇ રેપરન્સબૂક અને ઓનલાઇન સ્ટડી પર ધ્યાન નહતું આપ્યું. મારા માતા-પિતા ડોક્ટર છે અને મોટો ભાઇ પરધન્ય પણ મેડિકલનું ભણી રહ્યો છે ત્યારે મારો ગોલ મેડીસીનમાં જવાનો છે.



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jduduo
via Latest Gujarati News

Post a Comment

0 Comments