ઈપોહ (મલેશિયા), તા.૩૦
ભારતને આખરી મિનિટોમાં નબળા ડિફેન્સની જૂની સમસ્યાને કારણે સુલતાન અઝલાન શાહ કપ ગુમાવવો પડયો હતો. નવ વર્ષ બાદ ફાઈનલમાં પ્રવેશેલા ભારત સામે કોરિયાએ છેલ્લી મિનિટોમાં ગોલ ફટકારતાં મેચ ૧-૧થી બરોબરી પર પુરી થઈ હતી. આ પછી વિજેતા નક્કી કરવા માટે પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવો પડયો હતો, જેમાં ભારત ૨-૪થી હારી ગયું હતુ. મનપ્રીત સિંઘની કેપ્ટન્સી હેઠળની ભારતની ટીમને આખરે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. જ્યારે કોરિયાએ ત્રીજી વખત ટાઈટલ મેળવ્યું હતુ.
છેલ્લે ભારત ૨૦૧૦માં અહી ફાઈનલમાં પ્રવેશ્યું હતુ અને ત્યારે વરસાદે ફાઈનલ ધોઈ નાંખતા સાઉથ કોરિયા સાથે સંયુક્ત વિજેતા જાહેર થયું હતુ. જોકે આજે પેનલ્ટી શૂટઆઉટની હારને સાથે ગોલ્ડ મેડલ જીતવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતુ.
વર્લ્ડ રેન્કિંગમાં પાંચમું સ્થાન ધરાવતું ભારત ૧૭માં ક્રમાકિત સાઉથ કોરિયા સામેની ફાઈનલ જીતીને છઠ્ઠી વખત અઝલન શાહ કપ જીતવા માટે હોટફેવરિટ મનાતું હતુ. ભારતની શરૃઆત સારી રહી હતી અને સિમરનજીત સિંઘે નવમી મિનિટે જ ગોલ ફટકારીને ટીમને ૧-૦થી સરસાઈ અપાવી હતી.
આ પછી કોરિયાએ પાછા ફરવાના પ્રયાસો જારી રાખ્યા હતા અને આખરી ક્વાર્ટરમાં છેક ૪૭મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોકની મદદથી ગોલ ફટકાર્યો હતો. જાંગ જ્યોન હ્યુનના ગોલને સહારે સાઉથ કોરિયાએ બરોબરી હાંસલ કરી હતી અને નિર્ધારિત સમય બાદ બંને ટીમો ૧-૧થી બરોબરી પર રહેતા પેનલ્ટી શૂટઆઉટથી વિજેતાનો નિર્ણય લેવાયો હતો અને તેમાં ભારત ૨-૪થી હારી ગયું હતુ.
પેનલ્ટી શૂટઆઉટમાં ભારતનો કંગાળ દેખાવ
ભારતે અનુભવી ગોલકિપર શ્રીજેશના સાથે યુવા ગોલકિપર ક્રિષ્ણ પાઠકને ઉતાર્યો હતો. ભારત તરફથી મનદીપ સિંઘ, સુમિત કુમાર જુનિયર અને સુમિત ગોલ ફટકારી શક્યા નહતા. જ્યારે બિરેન્દ્ર લાકરા અને વરૃણ કુમારે સ્કોર કર્યો હતો. જ્યારે સાઉથ કોરિયાના ખેલાડીઓએ પાંચમાંથી એકમાત્ર પેનલ્ટી સ્ટ્રોક મિસ કર્યો હતો, જ્યારે બાકીના તમામ પર ગોલ ફટકાર્યા હતા.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TKoPjn
via Latest Gujarati News
0 Comments