નવી દિલ્હી, તા.૩૦
ભારતના કિદામ્બી શ્રીકાંતે ઘરઆંગણે ચાલી રહેલી ઈન્ડિયન ઓપન સુપર સિરીઝ ૫૦૦ ટુર્નામેન્ટની મેન્સ સિંગલ્સ કેટેગરીની ફાઈનલમા પ્રવેશ મેળવી લીધો હતો. શ્રીકાંતે ચીનના હ્યુએંગ યુક્ષિએંગને ત્રણ ગેમના ભારે સંઘર્ષમય મુકાબલામાં ૧૬-૨૧, ૨૧-૧૪ અને ૨૧-૧૯થી પરાજય આપતાં ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે તે ફાઈનલમાં ડેનમાર્કના વિક્ટર એક્ષેલ્સેન સામે ટકરાશે.
નવી દિલ્હીમાં ચાલી રહેલી બેડમિંટન ટુર્નામેન્ટની અન્ય સેમિ ફાઈનલમાં ડેનમાર્કના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન એક્ષેલ્સેને સીધી ગેમ્સમાં ભારતના પારુપાલી કશ્યપને ૧૧-૨૧, ૧૭-૨૧થી પરાસ્ત કર્યો હતો. કશ્યપના પરાજયની સાથે ઓલ ઈન્ડિયન ફાઈનલની શક્યતાનો અંત આવી ગયો હતો.
ભારતની નંબર વન મહિલા ખેલાડી પી.વી. સિંધુ પણ સેમિ ફાઈનલમાં હારીને બહાર ફેંકાઈ હતી. આ સાથે મહિલા સિંગલ્સમાં ભારતના પડકારનો અંત આવી ગયો છે. સિંધુને સેમિ ફાઈનલમાં ચીનની હે બિંગ્જીઓએ ૨૧-૨૩, ૧૮-૨૧થી હરાવી હતી. હવે વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં બિંગ્જીઓનો મુકાબલો થાઈલેન્ડની રાટ્ચાનોક ઈન્થાનોન સામે થશે, જેણે ચીનની હાન યુને ૬૬ મિનિટના મુકાબલામાં હરાવી હતી.
બી. સુમીથ રેડ્ડી અને મનુ અત્રિની જોડી પણ મેન્સ ડબલ્સની સેમિ ફાઈનલમાં હારીને બહાર ફેંકાઈ હતી. હવે ભારતનો એકમાત્ર મદાર કિદામ્બી શ્રીકાંત પણ ટકેલો છે, જે આવતીકાલે ફાઈનલ રમવા ઉતરશે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YEfH3l
via Latest Gujarati News
0 Comments