કોર્ટના અનાદર બદલ વકીલને 3 માસની જેલની સજા કરાઇ

(પીટીઆઇ) નવીદિલ્હી,તા.27 માર્ચ 2019,બુધવાર

સુપ્રીમ કોર્ટે 'સીનિયર એડવોકેટ'નો હોદ્દો આપવા સંબંધી મુદ્દે અદાલતનો અનાદર કરવા બદલ અને ન્યાયમૂર્તિઓને દબડાવવાનો પ્રયાસ કરવા બદલ મેથ્યુઝ જે. નેદુમપારા નામના વકીલને ત્રણ માસની જેલ ફટકારી છે.

જો કે ન્યાયમૂર્તિ આર.એફ. નરિમાન અને વિનીત સરણની બેન્ચે વકીલે બિનશરતી માફી માગતા તેમજ પોતે, ક્યારે ય સુપ્રીમ કોર્ટના અથવા બોમ્બે હાઇકોર્ટના કોઇપણ જજને  દબડાવવાનો પ્રયાસ નહિ કરે એવી ખાતરી આપતા સજા મોકૂફ રાખી છે.

અલબત્ત, બેન્ચના નિર્ણય મુજબ વકીલ નેદુમપારા સર્વોચ્ચ અદાલતમાં વકીલ તરીકે એક વર્ષ સુધી પ્રેકિટસ કરી શકશે નહિ.

બેન્ચે, બેન્ચના બંને જજ સામે નિંદાપ્રેરક આક્ષેપો કરવા બદલ નેદુમપારા અને અન્ય ત્રણ જણને અદાલતના અનાદરની તાજી નોટિસ ફટકારી છે.

આ નોટિસમાં જણાવાયું છકે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ તથા સર્વોચ્ચ અદાલતના અન્ય જજોને પાઠવેલા પત્રોમાં બેન્ચના બંને સભ્યો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

એમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિને વિનંતી કરાઇ છે કે નવા અનાદર કેસને હાથ ઘરવા માટે યોગ્ય બેન્ચની રચના કરવામાં આવે.

સર્વોચ્ચ અદાલતે ગઇ તા.૧૨ માર્ચે સીનિયર એડવોકેટનું પદ આપવા માટે ન્યાયમૂર્તિઓના પુત્રો તથા પુત્રીઓને અગ્રીમતા અપાતી હોવાના આક્ષેપ બદલ નેદુમપારાને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે નેદુમપારાએ અદાલતોને દબડાવવાનો પ્રયાસ કર્યો હતો. એમના વ્યવહાર - વર્તન જોતાં એમને ગંભીર સજા ફટકારવામાં આવે.

આ પ્રકારનું વર્તન ગંભીર સજાને પાત્ર છે. અમે જો કે નેદુમપારાને આ હુક્મથી જ શિક્ષા કરી શક્યા હોત. પરંતુ અમે ન્યાયના હિતમાં, કોર્ટના દેખતા અદાલતના અનાદર બદલ એમને ફટકારાનારી સજા બાબત અમે નેદુમપારાને નોટિસ બજાવી રહ્યા છીએ એમ અદાલતે જણાવ્યું.

કોર્ટે વધુમાં નોંધ્યું કે વકીલ નેદુમપારાએ ડેબ્ટ રીકવરી ટ્રિબ્યુનલ, મુંબઇ તથા બોમ્બે હાઇકોર્ટ સામે વારંવાર ગેરવર્તન કર્યું છે. અદાલતી ટ્રિબ્યુનલના સભ્યોને આતંકિત કરવા એ એમની ટેવ છે પોતાનો હેતુ પાર પાડવા માટે અસંયમભરી ભાષાનો ઉપયોગ પણ આ વકીલની ટેવ છે.

કોર્ટે એના આ ચુકાદાને આજથી ચાર સપ્તાહમાં દેશની પ્રત્યેક હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ કેરળને પહોંચાડવાનો પણ આદેશ આપ્યો છે.

મોડેથી પ્રાપ્ત અહેવાલમાં ઉમેરાયું છે કે વકીલ મેથ્યુઝ નેદુમપારાએ ન્યાયમૂર્તિ આર.એફ. નરીમાનના પિતા અને જાણીતા ન્યાયવિદ ફલિ એસ. નરીમાનના ઉલ્લેખ સહ આક્ષેપ કર્યો હતો કે સીનિયર એડવોકેટનો હોદ્દો આપવા માટે ન્યાયમૂર્તિઓના સંતાનોને અગ્રીમતા અપાય છે. આ બદલ સુપ્રીમ કોર્ટ ગઇઍ તા.૧૨ માર્ચે નેદુમપારાને અદાલતના અનાદર બદલ દોષિત ઠેરવ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HLel1v
via Latest Gujarati News

Post a Comment

0 Comments