પાક.ના પૂર્વ PM શરીફને સારવાર માટે છ સપ્તાહના જામીનઃ ત્રણ મહિના પછી છુટકારો

(પીટીઆઇ) લાહોર,તા.27 માર્ચ 2019,બુધવાર

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને  સુપ્રીમ કોર્ટે દેશમાં જ તબીબી સારવાર લેવા માટે છ સપ્તાહના જામીન આપતા આજે તેઓ જેલ બહાર આવ્યા હતા. અલ અઝીઝીયા સ્ટીલ મીલ કેસમાં લાંચના આરોપસર  ૬૯ વર્ષના શરીફને ગયા ડીસેમ્બરમાં લાહોરની કોટ લખપત જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

તમામ આરોપો નકારી કાઢનાર પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ-ના વડાને તાજેતરના દિવસોમાં એન્જીનાન ચાર સ્ટ્રોક લાગ્યા હતા, એમ તેમના પૂત્રી મરિયમ નવાઝે કહ્યું હતું.

પાકિસ્તાનના ચીફ જસ્ટિસ આસીફ સઇદ ખોસાના નેતૃત્વ હેઠળની  સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે શરીફની અપીલને સ્વીકારી હતી અને દેશની અંદર જ તેમની પસંદગીની હોસ્પિટલમાં સારવાર લેવા છ સપ્તાહના જામીન આપ્યા હતા.શરીફ પર પાકિસ્તાન છોડવા પ્રતિબંધ છે.પદ પરથી દૂર કરાયેલા નવાઝના ટેકેદારો અને તેમના પક્ષના કાર્યકરો તેમનું સ્વાગત કરવા ફુલ લઇને જેલની બહાર ઊભા હતા.

શરીફના કેટલાક સમર્થકો તો શરીફના વાહનોના કાફલા સાથે છેક શરીફના ઘર સુધી તેમની સાથે ગયા હતા. ત્રણ વખતના પાકિસ્તાનના વડા પ્રધાનનું તેમના નિવાસસ્થાને પરિવારના સભ્યો અને પક્ષના નેતાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WnroJK
via Latest Gujarati News

Post a Comment

0 Comments