નેતાઓને એક થી વધુ બેઠકો પર ચૂંટણી લડતાં અટકાવવા સુપ્રીમમાં અરજી કરાઇ

(પીટીઆઇ) નવી દિલ્હી,તા.27 માર્ચ 2019,બુધવાર

સામાન્ય ચૂંટણીમાં એક કરતાં વધુ બેઠકો પરથી એક ઉમેદવારને ચૂંટણી લડતા અટકાવવાની અરજીને બે સપ્તાહ પછી સાંભળવામાં આવશે, એમ સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું.જસ્ટિસ એસ.એ. બોબડે, એમ.એમ.શાંતાનાગૌધર અને એસ. અબ્દુલ નઝીરની બેંચ સમક્ષ વહેલી સુનાવણી માટે અરજી રજૂ કરવામાં આવી હતી.' યોગ્ય બેંચ સમક્ષ બે સપ્તાહ પછી તેને મૂકો' એમ બેંચે કહ્યું હતું.

અગાઉ સર્વોચ્ચ અદાલતમાં કરેલી એક એફિડેવિટમાં ચૂંટણી પંચે ૨૦૦૪ની ચૂંટણીલક્ષી સુધારાની એક દરખાસ્તનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે  એક વ્યક્તિ એક જ બેઠક પરથી ચૂંટણી લડે તેવો સુધારો નિયમમાં કરવો જોઇએ. વધુમાં કહ્યું હતું કે એક વ્યક્તિ માત્ર એક જ બેઠક પરથી ચૂંટણી લડે તેવી દરખાસ્તને ૧૯૯૮માં સંસદીય સમિતિએ ફગાવી દીધી હતી. ભાજપના એક  નેતા અને વકીલ દ્વારા કરાયેલી  અરજીના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે અમારી એ દરખાસ્તમાં હજુ પણ કોઇ જ ફેરફાર કરાયો નથી.

પંચે કહ્યું હતું કે ' ભારતના ચૂંટણી પંચની દરખાસ્તના સબંધમાં કોઇ વ્યક્તિ બે જગ્યાએ થી ચૂંટણી લડે અને બેમાંથી એક બેઠક પરથી રાજીનામું આપે  અને પેટા ચૂંટણી યોજાય તો તે ચૂંટણીના ખર્ચની રકમ સરકારમાં જમા કરાવવી જોઇએ તેવી જોગવાઇ રાખવામાં આવી હતી.

તે વખતે જે રકમની દરખાસ્ત મૂકવામાં આવી હતી તે મુજબ ધારાસભા માટે રૂપિયા પાંચ લાખ અને લોકસભા માટે રૂપિયા દસ લાખ મૂકવા જોઇએ. પંચે કહ્યું હતું કે  તેમની દરખાસ્તમાં ૨૦૦૪માં જે રકમની ભલામણ કરવામાં આવી હતી તેમાં વધારો કરવો જોઇએ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CGK9Aq
via Latest Gujarati News

Post a Comment

0 Comments