
રાહુલની આ યોજનાથી દેશમાં આર્થિક સુધારો લાવવો શક્ય, લોકોને પૈસા મળવાથી તેમની સ્થિતિ સુધરશે : રઘુરામ રાજન
ન્યાય યોજના ગરીબી પર કોંગ્રેસની સર્જિકલ સ્ટ્રાઇક સાબિત થશે તેવો રાહુલનો દાવો
નવી દિલ્હી, તા.26 માર્ચ, 2019, મંગળવાર
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી એક એવી યોજના લઇને આવ્યા છે કે જેના વખાણ આરબીઆઇના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને પણ કર્યા છે. રાહુલની આ ન્યૂયતમ આય યોજના 'ન્યાય' નામની યોજનામાં દરેક ગરીબના ખાતામાં વર્ષે ૭૨ હજાર રૂપિયા આપવામાં આવશે. આ યોજનાના વખાણ કરતા રઘુરામ રાજને કહ્યું છે કે જો યોજનાનો યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો દેશમાં આર્થિક ક્રાંતિ આવી જશે.
બીજી તરફ એવા પણ અહેવાલો છે કે આ યોજના પાછળનું ભેજુ રઘુરામ રાજન પણ હોઇ શકે છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ ન્યાય યોજનાને તૈયાર કરવામાં આવી તે પહેલા તેના વિષે રઘુરામ રાજન સાથે ચર્ચા કરી હતી અને તેમની સલાહ લેવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ યોજના માટે છ મહિના સુધી મંથન ચાલ્યું હતંુ, અને તેમાં અનેક નિષ્ણાંતોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે જેમાં આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો પણ સમાવેશ થાય છે.
રઘુરામ રાજને પણ આ યોજનાના વખાણ કર્યા હતા. બીજી તરફ રઘુરામ રાજને મીડિયા સાથેની વાતચીતમાં આ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ યોજનાનો જો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો તો તેનાથી દેશની ગરીબી પર સીધી અસર થશે અને લોકોને પૈસા મળવાથી તેઓ આર્થિક નિર્ણયો લેતા થશે અને તેનાથી દેશમાં ગરીબી દુર પણ થઇ શકે છે કેમ કે જ્યારે સીધા લોકોના હાથમાં પૈસા આવે છે ત્યારે તેઓ શસક્ત બની શકે છે. આ પણ એક ઉપાય છે.
લોકો આ પૈસાનો ઉપયોગ એવી સેવાઓનો લાભ લેવા માટે કરી શકશે કે જેની તેને જરુર છે. એક અહેવાલ મુજબ રઘુરામ રાજને કહ્યું હતું કે જો આ યોજનાનો યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો દેશમાં આર્થિક ક્રાંતી લાવવી પણ શક્ય છે અને જે નીચલા તબક્કાનો વર્ગ છે તેની પરિસ્થિતિ સુધરી શકે છે. જોકે આ યોજના દેશનું અર્થતંત્ર સહન કરી શકશે કે કેમ તેને લઇને સવાલો ઉઠાવ્યા હતા.
નોંધનીય છે કે કોંગ્રેસની આ યોજના અંતર્ગત દરેક ગરીબના ખાતામાં વર્ષે ૭૨ હજાર રૂપિયા જમા કરવાનું વચન આપવામાં આવ્યું છે. બીજી તરફ રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યું હતું કે આ યોજના કોંગ્રેસની ગરીબી પરની સર્જિકલ સ્ટ્રાઇક સાબીત થશે.
સાથે મોદી પર આરોપ લગાવ્યો હતો કે મોદી અમારી આ યોજના અંતર્ગત ગરીબો સુધી પૈસા નથી પહોંચવા દેવા માગતા તેથી તેનો વિરોધ કરે છે. દરમિયાન હવે કોંગ્રેસ આય(આવક) પે ચર્ચાનું આયોજન કરવા જઇ રહી છે. જે અંતર્ગત રાહુલ ગાંધીની આ ૭૨ હજાર રૂપિયા જમા કરવાની યોજનાની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવશે. મોદીએ ચાય પે ચર્ચા કેમ્પેઇન ચલાવ્યું હતું તેવી જ રીતે હવે કોંગ્રેસ આય પે ચર્ચા કેમ્પેઇન ચલાવવા જઇ રહી છે અને દિલ્હીથી તેની શરૂઆત થશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FAf8QA
via Latest Gujarati News
0 Comments