જયપુર, તા.૨૬
આઇપીએલને હજુ માંડ એક સપ્તાહ પણ પુરુ થયું નથી, ત્યારે પંજાબના કેપ્ટન અશ્વિને રાજસ્થાનના ઈંગ્લિશ બેટ્સમેન બટલરને 'માંકડેડ' આઉટ કરતાં સર્જાયેલા વિવાદે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું છે. બટલર અને રાજસ્થાનના કેમ્પે અશ્વિન પર સ્પોર્ટસમેન સ્પિરિટની વિરૃદ્ધના વર્તનનો આરોપ મૂક્યો હતો, જ્યારે અશ્વિને પોતાના બચાવમાં જણાવ્યું કે, મેં કશું ખોટું કર્યું નથી. જોકે હવે આ વિવાદના પગલે ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઇપીએલના ઓફિસિઅલ્સમાં ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે.
બીસીસીઆઇના ઓફિસિઅલ્સે તો અશ્વિનને આ પ્રકારના વર્તનની ટીકા કરતાં જણાવ્યું હતુ કે, તેણે પોતાની કુશળતા બતાવવી જોઈએ અને કેપ્ટન તરીકે દુનિયાની સામે ખેલદિલી બતાવીને એવું ઉદાહરણ રજુ કરવું જોઈએ કે તેનાથી ક્રિકેટને જ નહી પણ તમામના દિલમાં તેના માટે ગૌરવ વધે.
આઈપીએલ કમિશનર રાજીવ શુક્લાએ કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન અશ્વિનની ઝાટકણી કાઢતાં કહ્યું છે કે, અશ્વિને આઇપીએલની ટુર્નામેન્ટ માટે કેપ્ટનો વચ્ચે થયેલી સમજૂતિનો ભંગ કર્યો છે. આઇપીએલની અગાઉની કેપ્ટન્સ અને ઓફિસિઅલ્સની મિટિંગમાં અમે નક્કી કર્યું હતુ કે, આઇપીએલમાં કોઈ બેટ્સમેનને 'માંકડેડ' કરવામાં નહિ આવે.
ઈન્ડિયન પ્રીમિયર લીગના ચેરમેને એમ પણ ઊમેર્યું કે, ધોની અને કોહલીની હાજરીમાં અગાઉ યોજાયેલી આઇપીએલ કેપ્ટન્સ અને ઓફિસિઅલ્સની એક મિટિંગમાં અમે આ નિર્ણય લીધો હતો. તે મિટિંગમાં આઇપીએલ કમિશનર તરીકે હું ઉપસ્થિત હતો. રાજીવ શુક્લાએ કરેલી આ પ્રકારની ટ્વિટને કારણે અશ્વિનની વર્તણૂંક સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ અગાઉ પણ જુદા-જુદા અનેક પ્રકારના વિવાદમાં સપડાયેલી રહી છે અને અશ્વિને બટલરને કરેલા 'માંકડેડ'થી નવા વિવાદનો ફણગો ફૂટયો છે અને હવે આગળ જતાં આ મામલે ઓફિસિઅલ્સ કેવું સ્ટેન્ડ લે છે, તે જોવાનું રહેશે.
માંકડેડ આઉટ એટલે શું ?
બોલર બોલ નાંખે તે પહેલા નોન-સ્ટ્રાઈકર બેટસમેન ક્રિઝ છોડીને બહાર નીકળી જાય અને બોલર નોન-સ્ટ્રાઈકર એન્ડની બેઈલ્સ ઉડાવી દે તેને 'માંકડેડ' વિકેટ કહેવામાં આવે છે. ક્રિકેટના નિયમ પ્રમાણે કાયદેસર ગણાતા 'માંકડેડ'ને સ્પોર્ટસમેન સ્પિરિટની વિરુદ્ધનું મનાય છે.
ઈ.સ. ૧૯૪૭માં ભારતના વિનુ માંકડે ઓસ્ટ્રેલિયાના બિલી બ્રાઉનને બે વખત આ પ્રકારે આઉટ કર્યા હતા. જેના કારણે કોઈ બોલર આ પ્રકારે બેટ્સમેનને આઉટ કરે તોતેને 'માંકડેડ' તરીકે ઓળખવામાં આવે છે.
બટલરે અશ્વિન જોડે હાથ ન મિલાવતા વિવાદ વકર્યો
જયપુર, તા.૨૬
કિંગ્સ ઈલેવન પંજાબ અને યજમાન રાજસ્થાન રોયલ્સ વચ્ચેના આઇપીએલ મુકાબલામાં વિવાદોની હારમાળા સર્જાઈ હતી. પંજાબના કેપ્ટન અશ્વિને રાજસ્થાનના ઈંગ્લિશ બેટસમેન બટલરને 'માંકડેડ' આઉટ કર્યો હતો. જે પછી મેચ પુરી થયા બાદ બંને ટીમોના ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે બટલરે અશ્વિન જોડે હાથ મિલાવ્યા નહતા.
બટલરના આ પ્રકારના વર્તનની પણ ઉગ્ર ટીકા થઈ હતી. બીસીસીઆઇના ઓફિસિઅલે એક મુલાકાતમાં કહ્યું કે, મેચ બાદ બટલરે અશ્વિન સાથે હાથ મિલાવ્યા નહતા, જે પણ ક્રિકેટની ખેલભાવનાથી વિરૃદ્ધ કહેવાય. હવે જ્યારે ક્રિકેટની ખેલદિલીની વાત કરતા હોઈએ ત્યારે બંને ઘટનાઓ માફ ન કરી શકાય તેવી છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HVu3qn
via Latest Gujarati News
0 Comments