ભારતનો 'મત્સ્યવેધ': ઉડતાં સેટેલાઈટને તોડવાનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી/અમદાવાદ, તા.27 માર્ચ 2019,બુધવાર

ભારતે ૨૭મી માર્ચે અવકાશ વિજ્ઞાાન ક્ષેત્રે નવી સિદ્ધિ નોંધાવી હતી. 'ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)' દ્વારા લૉન્ચ થયેલા ઉપગ્રહને ભ્રમણકક્ષામાં જ મિસાઈલ વડે તોડી પાડવામાં આવ્યો હતો.

અલબત્ત, ઉપગ્રહ તોડી પાડવો એ નુકસાન નથી, પરંતુ સિદ્ધિ છે. કેમ કે ભ્રમણકક્ષામાં ઘૂમતા અને કાર્યરત (લાઈવ) ઉપગ્રહોને પૃથ્વી પરથી કોઈ મિસાઈલ કે અન્ય ઉપકરણ દ્વારા ઉડાવી દેવાની ક્ષમતા અત્યાર સુધી દુનિયાના ત્રણ દેશો રશિયા, અમેરિકા અને ચીન પાસે જ હતી. હવે એ ક્લબમાં ભારતનો સમાવેશ થયો છે. 

સેટેલાઈટ તોડી પાડવાનું કામ 'ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)' દ્વારા બનાવેલા મિસાઈલે કર્યું હતુ. અગાઉ ડીઆરડીઓએ બે ઉપગ્રહો 'માઈક્રોસેટ-આર' અને 'માઈક્રોસેટ-ટીડી' તૈયાર કર્યા હતા. આજે તોડી પાડેલો ઉપગ્રહ આ બે પૈકીનો એક હોવો જોઈએ. સામાન્ય રીતે ડીઆરડીઓ તેની સિદ્ધિ પોતાની પ્રેસનોટ દ્વારા રજૂ કરતું હોય છે.

પરંતુ આ મહત્ત્વની જાહેરાત ડીઆરડીઓને બદલે ખુદ વડા પ્રધાને કરી હતી. જે રીતે મહાભારતમાં અર્જૂન નીચે જોઈને ઉપર ઘૂમતી માછલીને વિંધિ બતાવે છે એ રીતે ભારતે જમીન પરથી આકાશી ઉપગ્રહનું નિશાન પાર પાડયુું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંદેશામાં જણાવ્યુ હતુ કે ભારતે આજે સવારે જ પોતાના ઉપગ્રહને પોતાના સેટલાઈટ વડે તોડી પાડયો છે. એટલે કે સેટેલાઈટને ફાયર કરી શકે એવી 'એન્ટી-સેટેલાઈટ (એએસએટી)' મિસાઈલ ટેકનોલોજી વિકસાવવામાં સફળતા મેળવી છે. પૃથ્વીની સપાટીથી ૩૦૦ કિલોમીટર ઊંચે આવેલી લૉ-અર્થ ઑરબિટ (એલઈઓ)માં આ ઉપગ્રહ ભારતે થોડા સમય પહેલા ગોઠવ્યો હતો.

આજે સવારે ડીઆરડીઓ દ્વારા જ વિકસાવાયેલા બેલેસ્ટીક મિસાઈલ દ્વારા આ ઉપગ્રહ તોડી પાડવામાં આવ્યો હતો. જમીન-જળ-આકાશ ઉપરાંત અવકાશ એ હવે માનવજાત માટે યુદ્ધનું ચોથું મેદાન છે. ભવિષ્યમાં અવકાશમાં પણ યુદ્ધ ખેલાઈ શકે છે. એ વખતે પહોંચી વળાય એ માટે આ ટેકનોલોજી ઉપયોગી છે. નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી વખતે કરેલા સંબોધન પછી વડા પ્રધાનનું આ બીજું અચાનક કરવામાં આવેલું રાષ્ટ્રજોગ સંબોધન હતું. 

ઈસરોએ જાન્યુઆરીમાં એક ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો. માત્ર ૨૭૭ કિલોમીટર ઊંચે ગોઠવાયેલો એ ઉપગ્રહ ડીઆરડીઓ માટે જ હતો. ઈસરોની માફક ડીઆરીઓ પણ ભારતની સંસ્થા છે. ડીઆરડીઓનું કામ મુખ્યત્વે ભારત માટે વિવિધ મિસાઈલ્સ, ડિફેન્સ ટેકનોલોજી તૈયાર કરવાનું છે. એક સમયે ડૉ.અબ્દુલ કલામ ડીઆરડીઓના વડા હતા. એ વખતે જ ભારતે એકથી એક ચડિયાતા મિસાઈલ્સ વિકસાવ્યા હતા.

હવે ડીઆરડીઓ મોટે ભાગે મિસાઈલ્સ ટેસ્ટિંગનું જ કામ કરે છે. પરંતુ આ એન્ટી સેટેલાઈટ (ઉપગ્રહ પ્રતિકારક) મિસાઈલ દ્વારા ડીઆરડીઓએ પોતાની સફળતા સાબિત કરી દેખાડે છે. યોગાનુયોગે મિસાઈલ્સ જે ટાપુ પરથી લૉન્ચ કરવામાં આવ્યુ હતું એ ઓડિશાના કાંઠે આવેલા ટાપુને હવે 'અબ્દુલ કલામ આઈલેન્ડ (જૂનું નામ- વ્હિલર ટાપુ)' નામ આપવામાં આવ્યું છે. 

ભારત પહેલા રશિયા, અમેરિકા અને ચીન આ સિદ્ધિ મેળવી શક્યા છે. અવકાશ એ આંતરરાષ્ટ્રીય માલિકીનું ક્ષેત્ર છે. માટે ત્યાં સામાન્ય રીતે બીજા દેશના ઉપગ્રહને નુકસાન ન કરી શકાય. એ માટે વિશ્વના દેશોએ મળીને ૧૯૬૭માં 'આઉટર સ્પેસ ટ્રીટી (બાહ્યાવકાશ સંધિ)' પર સહી કરી હતી.

એ સંધિનો આ પ્રયોગ દ્વારા ભંગ નથી થયો, એવો વડા પ્રધાને દાવો કર્યો હતો. આ સંધિ પ્રમાણે કોઈ દેશે અવકાશનો ઉપયોગ લશ્કરી હેતુ માટે કરવો ન જોઈએ. કેમ કે ભારતનું આ મિશન માત્ર ટેકનોલોજી હાંસલ કરી લીધી છે એવુ દેખાડવા માટે જ હતું.

એન્ટી સેટેલાઈટએ ભારતની ક્ષમતા બહારની વાત છે: ૨૦૧૬માં નિષ્ણાતોએ કહ્યું હતું

પશ્ચિમના દેશો હંમેશા વિજ્ઞાાન-ટેકનોલોજી ક્ષેત્રે ભારતની ક્ષમતાને ઓછી આંકતા આવ્યા છે. બીજી તરફ ભારતના વિજ્ઞાાનીઓએ વારંવાર પશ્ચિમના દેશો અને તેના ટેકનોલોજી નિષ્ણાતોને ખોટા પાડી શકે એવી સિદ્ધિઓ હાંસલ કરી બતાવી છે. ભારત એન્ટિ-સેટેલાઈટ ટેકનોલોજી હાંસલ કરી શકે એ વાતમાં માલ નથી એવુ ૨૦૧૬માં 'ધ ડિપ્લોમેટ' મેગેઝિનને આપેલા ઈન્ટર્વ્યૂમાં બે નિષ્ણાતોએ કહ્યું હતુ.

માઈકલ લિસનર અને વિક્ટોરિયા સેમસન નામના એન્ટિ સેટેલાઈટના સ્પેશિયાલિસ્ટ સંશોધકોએ આ આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતુ કે ભારત માટે આ ક્ષમતા બહારની વાત છે. અલબત્ત, ભારત વર્ષોથી એન્ટિ સેટેલાઈટ પર કામ કરે છે, પરંતુ એ ટેકનોલોજી ઘણી જટીલ છે, ભારત આસાનીથી સિદ્ધિ મેળવે એવી શક્યતા નથી.

વિક્ટોરિયા અને માઈકલે 'ધ સ્પેસ રિવ્યુ' મેગેઝિનમાં પણ લખેલા આર્ટિકલોમાં ભારત આ નહીં કરી શકે એવો સૂર વ્યક્ત કર્યો હતો. માઈકલે તો ૨૦૧૧માં સ્પેસ રિવ્યુમાં લખેલા લેખમાં હેડિંગ જ એવુ રાખ્યું હતુ કે એન્ટિ-સેટેલાઈટ ટેકનોલોજીએ ભારત માટે કાગળનો વાઘ છે. 

આ ટેકનોલોજીનો ઉપયોગ શું?

સેટેલાઈટ તોડી પાડવાની ટેકનોલોજી અડધી સદીથી છે. પરંતુ આજ સુધીમાં કોઈ એવો પ્રસંગ આવ્યો નથી કે જ્યારે એક દેશે બીજા દેશનો ઉપગ્રહ તોડી પાડયો હોય. માટે આ ટેકનોલોજી વારંવાર ઉપયોગમાં આવે એ પ્રકારની નથી. પરંતુ એક રીતે બ્રહ્માસ્ત્ર જેવું હથિયાર છે, જેનો સામાન્ય સંજોગોમાં ઉપયોગ ન કરવાનો હોય. ભારતે પણ આ ટેકનોલોજી કોઈ દેશનો ઉપગ્રહ તોડી પાડવા માટે નહીં પરંતુ ભારત આ સિદ્ધિ માટે સક્ષમ હોવાનું દર્શાવવા જ હાંસલ કરી છે.

વડા પ્રધાને પોતાના ભાષણમાં સ્પષ્ટતા કરી હતી કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આ મત્સ્યવેધથી ચિંતા કરવા જેવું નથી.  વડા પ્રધાને એટલે પોતાના વકતવ્યમાં 'ડિફેન્સિવ (સંરક્ષણાત્મક)' શબ્દ વાપર્યો હતો. ચીન પાસે આ ટેકનોલોજી એક દાયકા પહેલાથી છે, માટે ભારતે તેને આ સિદ્ધિ દ્વારા શાંતિપૂર્ણ રીતે પણ કડક સંદેશો આપ્યો છે. અવકાશના લશ્કરી ઉપયોગના વિરોધમાં ભારત છે અને હંમેશા રહેશે એવી ખાતરી પણ વડા પ્રધાને આપી હતી.

ઉપગ્રહ નથી તો કંઈ નથી

આપણને એ વાતનો ખ્યાલ ન હોય પણ આપણી રોજીંદી અનેક જરૃરિયાતો ઉપગ્રહો પૂરી કરે છે. જીપીએસ ચાલુ કરવાનું હોય કે મોબાઈલમાં લાઈવ મેચ જોવાની હોય, આફત વખતે સેટેલાઈટ ઈમેજિસથી નુકસાન તપાસવાનું હોય કે પછી દેશના રેલવે ટાઈમટેબલને સાચવવાનું હોય.. બધામા ઉપગ્રહો અનિવાર્ય છે. હવે કોઈ દેશ બીજા દેશનો ઉપગ્રહ તોડી પાડે તો મોટું નુકસાન થઈ શકે. અમેરિકી સરકારનું ૯૦ ટકા કામ ઉપગ્રહ આધારીત છે. એ રીતે ભારતમાં પણ સેટેલાઈટ્સનું મહત્ત્વ વધતું જાય છે. 

ભૂતકાળમાં રશિયા-અમેરિકા-ચીનની તોડફોડ

* સૌથી પહેલા ઉપગ્રહને તોડી પાડવાનું પરાક્રમ રશિયાએ ૧૯૬૭માં કર્યું હતું. ત્યારે રશિયાએ પોતાના એક ઉપગ્રહને બીજા ઉપગ્રહ દ્વારા ઉડાવી દીધો હતો. બીજા ઉપગ્રહને પહેલા ઉપગ્રહ સાથે અથડાવ્યો હતો. 

* રશિયાની આ સિદ્ધિથી અમેરિકાને ચિંતા થઈ હતી. માટે અમેરિકાએ ફાઈટર વિમાનમાંથી મિસાઈલ્સ ફાયર કરીને પોતાનો ઉપગ્રહ તોડી બતાવ્યો હતો. 

* કૉલ્ડ વૉર ખતમ થયા પછી ચીને ૨૦૦૭માં પોતાના ૮૬૫ કિલોમીટર ઊંચી ઉપગ્રહને પોતાના મિસાઈલ્સ વડે વીંધી નાખીને શાંત થયેલું સ્પેસ વૉર ફરી આરંભ્યુ હતું. 

*  હવે રશિયા ફરીથી એન્ટી સેટલાઈટ મિસાઈલ્સ બનાવી રહ્યું છે અને ૨૦૨૨ સુધીમાં એ તૈયાર થઈ જશે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CGwh9w
via Latest Gujarati News

Post a Comment

0 Comments