(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 30 માર્ચ, 2019 શનિવાર
મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના પગલે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે જોકે ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા. કરન્સીમાં બંધ બજારે આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચા બોલાતા રહ્યા હતા અને તેના પગલે ઝવેરીબજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઉંચા બોલાઈ રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વબજારમાં જોકે કિંમતી ધાતુઓના ભાવ સૂસ્ત રહ્યા હતા. વૈશ્વિક સ્તરે શેરબજારો ઉછળતાં કિંમતી ધાતુઓમાં ફંડવાળાની નવી લેવાલી અટકી ફંડવાળા શેરબજારો તરફ વળી રહ્યાની ચર્ચા હતી.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૨૯૭ ડોલર વાળા સપ્તાહના અંતે ૧૨૯૨.૫૦થી ૧૨૯૩ ડોલર રહ્યાના સમાચાર હતા. ચાંદીના ભાવ વિશ્વબજારમાં ૧૫.૧૧ થઈ છેલ્લે ૧૫.૧૫થી ૧૫.૧૬ ડોલર રહ્યા હતા. જોકે ઘરઆંગણે કરન્સી બજારમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૬૯.૧૫ વાળા આજે બંધ બજારે રૂ.૬૯.૩૫થી ૬૯.૪૦ આસપાસ બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં બ્રેકઝીટ પ્રશ્ને બ્રિટનમાં રાજકીય સંકટના નિર્દેશો વચ્ચે બ્રિટીશ પાઉન્ડના ભાવ દબાણ હેઠળ રહેતાં તેની સામે ડોલર ઉંચકાયાની ચર્ચા હતી.
બ્રિટનની પાર્લામેન્ટે વડાપ્રધાન થેરેસા મેની બ્રેકઝીટ ડીલ વિશેની દરખાસ્ત ત્રીજી વખત રિજેકટ કર્યાના સમાચાર હતા. આના પગલે બ્રિટન તથા યુરોપ વચ્ચે બ્રેકઝીટના છુટાછેડાનો વિષય ગુંચવાઈ ગયાના સમાચારા હતા. હવે આ પ્રશ્ને યુરોપના દેશોના નેતાઓ ૧૦મી એપ્રિલે મિટિંગ કરવાના છે અને આ મિટિંગમાં યુરોપનો આ વિશેનો અભિગમ નક્કી કરવામાં આવશે એવા સમાચાર હતા.
દરમિયાન, મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૬૪૦ વાળા રૂ.૩૧૭૨૫થી ૩૧૭૫૦ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૧૭૬૫ વાળા રૂ.૩૧૮૭૫થી ૩૧૯૦૦ બોલાતા હતા. જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ત્રણ ટકા ઉંચા બોલાતા હતા. મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૨૪૫ વાળા રૂ.૩૭૪૦૦ બોલાતા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૧૦૦ જેટલા ઉંચા રહ્યા હતા.
વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ સપ્તાહના અંતે ઔંશના ૮૪૯.૪૦થી ૮૪૯.૫૦ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૩૮૫થી ૧૩૮૫.૫૦ ડોલર રહ્યાના સમાચાર હતા. દરમિયાન, અમેરિકાના કન્ઝયુમર સ્પેન્ડીંગના આંકડા નબળા આવ્યા છે.
ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાઓ પોઝીટીવ માહોલમાં આગળ વધી રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં માર્ચ મહિનામાં સોનાના ભાવમાં નોંધાયેલો ઘટાડો સાત મહિનાનો સૌથી મોટો માસિક ઘટાડો રહ્યો છે.
જોકે ત્રિમાસિકમાં વૈશ્વિક સોનાના ભાવ વધ્યા છે. અમેરિકામાં શેરબજાર ઉછળતાં ત્રિમાસિક ગાળામાં શેરોમાં આવેલી તેજીએ ૨૦૦૯ પછીનો શ્રેષ્ઠ ત્રિમાસિક દેખાવ નોંધાવ્યો છે. વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ વધ્યા પછી નરમ રહ્યાના વાવડ હતા. બ્રેન્ટ ક્રુડના ભાવ જે ઉંચામાં બેરલના ૬૮.૫૦થી ૬૮.૭૫ ડોલર થઈ ગયા હતા તે ઘટી સપ્તાહના અંતે ૬૭.૫૫થી ૬૭.૬૦ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ ઉંચેથી નીચા આવી સપ્તાહના અંતે ભાવ ૬૦.૧૦થી ૬૦.૧૫ ડોલર રહ્યાના સમાચાર હતા.
ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ સપ્તાહના અંતે બેથી અઢી ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા. ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી સધાવાની આશાએ વિશ્વબજારમાં કોપર સહીત વિવિધ ઈન્ડસ્ટ્રીયલ ધાતુઓના ભાવ ઉછળવાની ચર્ચા હતી. લંડન બજારમાં કોપરના ભાવ ટનના ત્રણ મહિનાની ડિલીવરીના વધી સપ્તાહના અંતે ૬૪૮૨થી ૬૪૮૩ ડોલર રહ્યા છે.
આવતા સપ્તાહમાં ભાવ ૬૫૦૦ ડોલર ઉપર જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. એલ્યુમિનિયમના ભાવ સપ્તાહના અંતે ૧૯૧૦થી ૧૯૧૫ ડોલર, જસતના ૨૯૨૦થી ૨૯૨૫ ડોલર તેના ટીનના ભાવ ૨૧૪૦૦ ડોલર બોલાઈ રહ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CLJk9M
via Latest Gujarati News
0 Comments