સમાજવાદી પાર્ટીએ નિષાદ પાર્ટી અને અન્ય બે નાના પક્ષો સાથે જોડાણ કર્યું


(પીટીઆઇ) લખનઉ, તા.26 માર્ચ, 2019, મંગળવાર

આગામી એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સાથે પ્રદેશની અન્ય ત્રણ પક્ષો પણ જોડાયા હતા.  આજે એક સમારંભમાં સપા સાથે જોડાનાર પક્ષોમાં નિષાદ પાર્ટી, જનવાદી પાર્ટી (સમાજવાદી)અને રાષ્ટ્રીય સમતા  પાર્ટીનો સમાવેશ થતો હતો. ભાજપને હરાવવા અગાઉ સપાએ માયાવતીના બસપા અને અજીત સિંહના રાલોદ સાથે જોડાણ કર્યું હતું.

રાજ્યમાં સપા-બસપાના ઉમેદવારને જીતાડવા નિષાદ પાર્ટી, જનવાદી પાર્ટી સમાજવાદી, અને રાષ્ટ્રીય સમતા  પાર્ટી મહેનત કરશે'એમ અખિલેશે કહ્યું હતું.

આજે ત્રણે પક્ષોના પ્રમુખો સાથે એક પત્રકાર પરિષદમાં અખિલેશ યાદવે આ જાહેરાત કરી હતી.જો કે તેમને કઇ બેઠકો અપાશે તેનો કોઇ ખુલાસો કર્યો નહતો. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦ બેઠકો છે જે પૈકી સપા ૩૭, બસપા ૩૮ અને  રાલોદ ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે. ઉપરાંત આ ગઠબંધન રાહુલ અને સોનિયા ગાંધી સામે કોઇ ઉમેદવાર ઊભો નહીં રાખે. અખિલેશે આક્ષેપ કર્યો હતો કે ભાજપ રાજ્યપાલ કલ્યાણ સિંહનો ઉપયોગ પ્રચાર માટે કરે છે.

ઉલ્લેખનીય છે કે કલ્યાણ સિંહ અલીગઢમાં કહ્યું હતું કે દેશને બચાવવા મોદીને ફરીથી વડા પ્રધાન બનાવ.ભાજપ પર પ્રહાર કરતાં યાદવે કહ્યું હતું કે ' આ ચૂંટણીમાં ભાજપ માટે એક મુદ્દો છે અને તે છે ચોકીદાર. તેઓ હવે ભાજપના પ્રચાર માટે રાજ્યપાલ અને સરકારી એજન્સીઓનો નફફટ બનીને ઉપયોગ કરે છે'.

અખિલેશે વધુમાં કહ્યું હતું કે અમારી ટીમ અનેક મુદ્દાઓ પર કામ કરી રહી છે. ટુંક સમયમાં અમારો ઢંઢેરો બહાર પાડીશું. સપાની ટીમ શિક્ષણ, બેરોજગારી અને ગરીબો માટેની યોજનાઓ પર સંશોધન કરે છે. અમે પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ સાથે આવીશું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fv5vl5
via Latest Gujarati News

Post a Comment

0 Comments