મોદી માટે વારાણસી બેઠક ખાલી કરનાર મુરલી મનોહર જોશીનું પત્તુ પણ કપાયું


કાનપુરના સાંસદ મુરલી મનોહર જોશી બે દસકા સુધી ભાજપનો ચહેરો રહ્યા, હવે ટિકિટના પણ ફાંફાં

નવી દિલ્હી, તા.26 માર્ચ, 2019, મંગળવાર

એલ.કે. અડવાણી બાદ હવે વધુ એક વરીષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું ભાજપે પત્તુ કાપી નાખ્યું છે. મુરલી મનોહર જોશીને લોકસભાની ચૂંટણી ન લડવા માટે પક્ષ તરફથી દબાણ કરવામાં આવી રહ્યું હોવાના અહેવાલોએ ભારે ચર્ચા જગાવી છે. મુરલી મનોહર જોશી ૨૦૧૪માં કાનપુરની લોકસભા બેઠક જીત્યા હતા અને તેઓ હાલ આ વિસ્તારના સાંસદ પણ છે. 

તેમની ઓફિસે જણાવ્યું હતું કે મુરલી મનોહર જોશીને ભાજપના જનરલ સેક્રેટરી અને સંઘના નેતા રમણલાલે જણાવ્યું છે કે ભાજપના નેતાઓનો નિર્ણય છે કે મુરલી મનોહર જોશીએ આગામી લોકસભાની ચૂંટણી ન લડવી જોઇએ.  મુરલી મનોહર જોશીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કાનપુરના મારા પ્યારા મતદારો  ભાજપે મને જણાવ્યું છે કે મારે લોકસભાની ચૂંટણી કાનપુરથી ન લડવી જોઇએ.

આ પહેલા ૨૦૦૯માં મુરલી મનોહર જોશી વારાણસીથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા, જોકે તેમણે ૨૦૧૪માં આ બેઠક નરેન્દ્ર મોદી માટે ખાલી કરી આપી હતી, અને બાદમાં તેમને કાનપુર બેઠક પર ટીકીટ આપી હતી જ્યાં તેઓ જીત્યા હતા, જોકે હવે તેમની પાસેથી કાનપુરની બેઠક પણ લઇ લેવામાં આવી છે. એલ.કે. અડવાણી બાદ ભાજપના સૌથી વરીષ્ઠ નેતા ગણાતા મુરલી મનોહર જોશીનું પણ પત્તુ કાપી લેવામાં આવ્યું છે. 

ભાજપના અનેક નેતાઓ સામે ચાલીને એવા નિવેદનો આપી રહ્યા છે કે અમે આ વખતે લોકસભાની ચૂંટણી નથી લડવા માગતા, જ્યારે એલ.કે. અડવાણી આ મુદ્દે હજુ પણ મૌન છે. તેમની ટિકિટ કાપવામાં આવી તે બાદ તેમણે કોઇ નિવેદન નથી આપ્યું.

મુરલી મનોહર જોશી, એલ.કે. અડવાણી અને અટલ બિહારી વાજપેયીએ ભાજપને ઉભી કરવામાં મોટુ યોગદાન આપ્યું છે. જોશી બે દસકા સુધી ભાજપનો ચેહરો રહ્યા છે, જોકે તેમનું પત્તુ કપાતા તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી શકે છે. ભાજપના નેતાઓ દાવા કરી રહ્યા છે કે જે પણ વરીષ્ઠ નેતાઓ છે તેમને પક્ષના યુવા નેતાઓ માટે પદ ખાલી કરી દેવું જોઇએ.

ભાજપે અન્ય સાંસદો શાંતા કુમાર, બી સી ખંડુરી, કારિયા મંુડા, કલરાજ મિશ્ર, બિજોય ચંક્રવર્તી, એલ.કે. અડવાણીને પણ ટિકિટ નથી આપી. ત્યારે હવે આ યાદીમાં મુરલી મનોહર જોશીનો પણ સમાવેશ થઇ શકે છે. જોકે જોશી લોકસભાની ચૂંટણી નહીં લડે કે કેમ તે અંગે તેમણે કોઇ સ્પષ્ટતા હજુસુધી નથી કરી, તેમણે માત્ર ભાજપે તેમને લોકસભાની ચૂંટણી ન લડવાનો જે સંદેશો મોકલ્યો તેને જ જાહેર કર્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U11kYq
via Latest Gujarati News

Post a Comment

0 Comments