સ્વિફટના નિયમો ભંગ કરવા બદલ પીએનબીને આરબીઆઇનો બે કરોડનો દંડ


આ જ મેસેજિંગ સોફ્ટવેરનો દુરુપયોગ કરીને પંજાબ નેશનલ બેંક સાથે ૧૪,૦૦૦ કરોડની છેતરપિંડી કરાઇ હતી 

નવી દિલ્હી, તા.26 માર્ચ, 2019, મંગળવાર

સ્વિફટ ઓપરેશન અંગેના નિયમોનું પાલન ન કરવા બદલ આરબીઆઇએ સરકાર હસ્તકની પંજાબ નેશનલ બેંકને બે કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

સ્વિફટ એક વૈશ્વિક મેસેજિંગ સોફ્ટવેર છે જેનો ઉપયોગ નાણાકીય એકમો પોતાના ટ્રાન્ઝેકશન માટે કરે છે.  ઉલ્લેખનીય છે કે આ જ મેસેજિંગ સોફ્ટવેરનો દુરુપયોગ કરીને અબજોપતિ જવેલર નિરવ મોદી  અને તેના મામા મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંક સાથે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. 

પીએનબીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે  આરબીઆઇએ ૨૫ માર્ચે પત્ર લખી આ દંડ અંગેની જાણ કરી છે. આરબીઆઇના પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સ્વિફટ સાથે સંકળાયેલા વ્યવહારોની તપાસમાં નિર્ધારિત નિયમોનો ભંગ થયાનો જાણવા મળતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પંજાબ નેશનલ બેંક પર બે કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં સ્વિફટના નિયમોનો ભંગ કરવા બદલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૩૬ પબ્લિક, પ્રાઇવેટ અને વિદેશી બેંકો પર કુલ ૭૧ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો કે તેમાં પીએનબી સામેલ ન હતી. ૩૬ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, એચએસબીસી, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અને યસ બેંક સામેલ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U12nri
via Latest Gujarati News

Post a Comment

0 Comments