
- ઈ-સિગારેટ એ સામાન્ય સિગારેટ કરતાં ઓછી નુકસાનદાયી હોઈ તેના કોઈ દુષ્પરિણામ ન હોવાની માન્યતા સાવ ભૂલભરેલી છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.27 માર્ચ 2019, બુધવાર
પાન મસાલા અને તમાકૂ પર પ્રતિબંધ આવતાં અનેક લોકોએ ઈ-સિગારેટનું સેવન અપનાવ્યું છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકાર ઈ-સિગારેટ પર પણ પ્રતિબંધ લાવવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા મૂજબ, ઈ-સિગારેટથી થનારા નુકસાનને ધ્યાનમાં લઈ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટીવ વિભાગ વહેલી તકે રાજ્ય સરકારને તેના વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પણ બંધી લાવવાનો પ્રસ્તાવ મોકલશે. એકવાર રાજ્ય સરકારની સંમતિ મળ્યા બાદ રાજ્યભરમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ લાદવામાં આવશે.
એફડીએના અધિકૃત સૂત્રના જણાવ્યાનુસાર, અમે ઈ-સિગારેટ પર બંધી લાવવા લાંબા ગાળાથી રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના સંપર્કમાં હતાં. વાતની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગત વર્ષે જૂલાઈમાં સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર) એ તમામ રાજ્યોને ઈ-સિગારેટના વેચાણ તથા ખરીદી તેમજ સેવન પર પ્રતિબંધ લગાડવા સંબંધી એડવાઈઝરી જાહેર કરી હતી. જોકે એડવાઈઝરી લોકો સુધી પહોંચતાં છ થી સાત મહિના લાગી ગયા. જોકે આ બાબતે એ પણ જાણવા મળ્યું છે કે ઈ-સિગારેટથી જોડાયેલ લૉબીને કારણે એમાં મોડું થયું છે.
ઈલેક્ટ્રોનિક માધ્યમે નિકોટીન ડિલિવર કરનારી ઈ-સિગારેટ, વેપ, ઈ-શિશા અને નિકોટીનયુક્ત હુક્કાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ ઊભી થાય છે. આવા પદાર્થોના સેવનથી કેંસરનો ભય પણ રહે છે. આથી સ્વાસ્થ્ય ક્ષેત્રથી જોડાયેલાં લોકો પણ આવા પદાર્થોના પ્રતિબંધ માટે સતત લડત આપી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યાનુસાર, ઈ-સિગારેટમાં નાંખવામાં આવતાં સોલ્યુશનમાં લેડ, ક્રોમિયમ, નિકલ જેવી ધાતુ અને ફોર્મલ ડીહાઈડ જેવા કેમિકલ હોય છે. જે આરોગ્ય માટે હાનિકારક છે.
સામાન્ય માણસોમાં ઈ-સિગારેટ વિષયે ઘણીબધી ભૂલભરેલી માન્યતાઓ જોવા મળે છે. આપણને એવું લાગે છે કે સિગારેટની તુલનામાં ઈ-સિગારેટ ઓછી નુકસાનદાયી છે અને તેના કોઈ દુષ્પરિણામ નથી. પરંતુ એ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. એક અભ્યાસ મૂજબ, ઈ-સિગારેટના સેવનથી ફેંફસાને સૌથી વધુ અને ખરાબ અસર થાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OxlHWW
via Latest Gujarati News
0 Comments