નવી દિલ્હી, તા. 27 માર્ચ, 2019, બુધવાર
તાજેતરમાં હાથ ધરાયેલા વિવિધ સર્વેમાં મતદારોએ વર્તમાન સરકાર રોજગાર નિર્માણમાં નબળી રહી હોવાનો સામાન્ય સૂર નીકળ્યો હતો. દેશમાં રોજગાર ક્ષેત્રે ચિંતાની સ્થિતિ માટે અનેક કારણો જવાબદાર રહેલા છે, પરંતુ નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના કર્મચારીબળના સર્વે પર બારીકાઈથી નજર નાખતા જણાય છે કે, દેશમાં કૃષિ ક્ષેત્રે રોજગાર પડી ભાંગતા બેરોજગારીનો આંક વધ્યો છે.
ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ સ્થિતિ વધુ ગંભીર બની છે. દેશમાં બેરોજગારીના ઊંચા આંક માટે કૃષિ ક્ષેત્રમાં નબળા રોજગાર કારણભૂત હોવાનો આ સર્વેનો સૂર છે.
કામ કરવાની વય ધરાવતા વ્યક્તિઓની કૃષિ ક્ષેત્રે રોજગારીમાં ૨૦૧૭-૧૮માં પુરુષોમાં આઠ ટકા અને મહિલાઓમાં ૯.૩૦ ટકા ઘટાડો નોૅધાયો છે. ૨૦૧૧-૧૨માં ગ્રામ્ય ક્ષેત્રે કામ કરવાની વય ધરાવતા વ્યક્તિઓમાં રોજગાર ધરાવતા કુલ કર્મચારી બળમાંથી ૨૬.૭૦ ટકા મહિલાઓ કૃષિ ક્ષેત્રે રોજગાર ધરાવતી હતી. ૨૦૧૭-૧૮માં આ આંક ઘટીને ૧૭.૪૦ ટકા રહ્યો હતો એટલે પાંચ વર્ષના ગાળામાં ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે રોજગારી ધરાવતી મહિલાઓની સંખ્યામાં ૯.૩૦ ટકા ઘટાડો નોંધાયો છે. પુરુષોમાં આ ટકાવારી ૪૭.૭૦ ટકા પરથી ઘટી ૩૯.૭૦ ટકા ઘટી છે જે પુરુષોની સંખ્યામાં ૮ ટકાનો ઘટાડો થયાનું સૂચવે છે.
૨૦૧૧-૧૨માં ગ્રામ્ય વિસ્તારમાં રોજગાર નહીં ધરાવતી મહિલાઓની ટકાવારી ૬૪.૩૦ ટકા હતી જે ૨૦૧૭-૧૮માં વધીને ૭૬.૩૦ ટકા પર આવી ગયાનું એનએસએસઓના રિપોર્ટમાં જે સરકારે હજુ જાહેર કર્યો નથી જણાવાયું છે. ૨૦૧૧-૧૨માં ગ્રામ્ય વિસ્તારમાં રોજગાર નહીં ધરાવતા પુરુષોની ટકાવારી ૧૯.૮૦ ટકા હતી જે ૨૦૧૭-૧૮માં વધીને ૨૭.૬૦ ટકા રહી હતી. આમ બેરોજગારીના વધેલા આંકમાં કૃષિ ક્ષેત્રે વધેલી બેરોજગારી જ મુખ્યત્વે કારણભૂત હોવાનું કહી શકાય એેમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
ગ્રામ્ય સ્તરે કૃષિની ગંભીર સ્થિતિ તથા ખેતમજુરોના વેતનમાં થયેલા ઘટાડા કૃષિ ક્ષેત્રમાં કર્મચારીબળની સંખ્યામાં ઘટાડા માટેના કારણો બની રહ્યા છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HYRcYP
via Latest Gujarati News
0 Comments