મુંબઈ, તા. 27 માર્ચ, 2019, બુધવાર
ગંભીર નાણાંકીય તાણ અને દેશની બેન્કો દ્વારા નાણાં પૂરા પાડવામાં થઈ રહેલા ગલ્લાંતલ્લાંને કારણે ભારતીય પ્રમોટરો કંપનીમાંથી પોતાના હિસ્સા હળવા કરી રહ્યા છે અથવા કંપનીનું વેચાણ જ કરી રહ્યા છે. પ્રાપ્ત આંકડામાં ૨૦૧૮માં વિદેશની કંપનીઓ અને પીઈ ફન્ડસે ભારતીય કંપનીઓમાં નિયંત્રણકારી હિસ્સા મેળવવા કુલ ૨૩.૪૫ અબજ ડોલરનું રોકાણ કર્યું હોવાનું જોવા મળ્યું છે.
મર્જર એન્ડ એકવિઝિશનની દ્રષ્ટિએ ૨૦૧૮નું વર્ષ ભારતના ઉદ્યોગ ક્ષેત્રમાં રેકોર્ડ વર્ષ રહ્યું હતું. હકીકતમાં તો છેલ્લા ત્રણ વર્ષ એટલે કે ૨૦૧૬. ૨૦૧૭ તથા ૨૦૧૮માં ભારતીય કંપનીઓમાં નિયંત્રણકારી હિસ્સા મેળવવા વિદેશની કંપનીઓ અને પીઈ ફન્ડોએ ૫૨.૬૦ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. ૨૦૧૩-૨૦૧૫ના ગાળામાં આ આંક ૨૫.૬૦ અબજ ડોલર રહ્યો હતો.
વિદેશની કંપનીઓને વ્યૂહાત્મક વેચાણ કરીને ભારતીય કંપનીઓ પોતાના એકંદર જુથ પર વધી રહેલા દેવાબોજને હળવો કરવા હેતુ ધરાવે છે અને ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળની પ્રક્રિયામાંથી બચવા પણ માગે છે.
ભારતીય પ્રમોટરોએ ઊભી કરેલી એસેટસ અને વેપારને તૈયાર સ્થિતિમાં મેળવી લેવાના હેતુ સાથે જ વિદેશી કંપનીઓ તેમની પાસેથી નિયંત્રણકારી હિસ્સાને જ સીધેસીધો ખરીદી લેવાનો વ્યૂહ અપનાવ્યો હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. પીઈ ફન્ડસ પોતાની કંપનીમાં સમાન ભાગીદાર રહે અથવા બહુમતિ ભાગીદાર રહે એમ ભારતીય કંપનીઓના પ્રમોટરો આજે ઈચ્છી રહ્યા છે. પીઈ ફન્ડસ માત્ર ફાઈનાન્સર બનીને રહે તેવું તે ઈચ્છતા નથી.
લાંબા ગાળાના અને વ્યૂહાત્મક સોદામાં વધુને વધુ રસ વધી રહ્યો છે જેને કારણે ભારતમાં જંગી વિદેશી મૂડીનો પ્રવાહ વધી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય કંપનીઓની એસેટસ પર આવી રહેલી તાણને હળવી કરવા પણ પીઈ ફર્મ્સની ભૂમિકા મહત્વની બની રહે છે. ભારતીય કંપનીઓના પ્રમોટરોની નવી પેઢી પોતાના બાપદાદાના ઉદ્યોગને આગળ ધપાવવા કરતા અન્ય વેપારમાં સાહસ ખેડવા માગતી હોવાને કારણે પણ આ ચિત્ર જોવા મળી રહ્યું હોવાનું વિશ્લેષકે ઉમેર્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2utb12D
via Latest Gujarati News
0 Comments