અમદાવાદ, તા. 27 માર્ચ, 2019, બુધવાર
૨૦૧૯નું નાણાંકીય વર્ષ પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષ દરમિયાન સેન્સેક્સમાં ૧૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં પીછેહઠ થઈ હતી.
વિતેલા નાણાં વર્ષમાં મહત્તમ સમય દરમિયાન બજારમાં વોલેટાલિટી જોવા મળી હતી. જો કે, નાણાં વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળા દરમિયાન વિદેશી રોકાણકારો દ્વારા હાથ ધરાયેલ નવી લેવાલીના પગલે બજારનું વાતાવરણ પલટાવવા સાથે ઝડપી સુધારો જોવા મળ્યો હતો.
જેના પગલે વર્ષાન્તે સેન્સેક્સમાં ૧૫ ટકાનો સુધારો જોવાયો હતો. બીજી તરફ બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં પાંચ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ બંને ક્ષેત્રના શેરોમાં તાજેતરમાં જોવા મળેલ સુધારાના પગલે તેમના ઇન્ડેક્સની નરમાઈ તરફી ચાલમાં બ્રેક લાગવા સાથે તે બાઉન્સબેક થયા હતા.
૨૦૧૯ના નાણાં વર્ષમાં સ્મોલકેપ ઇન્ડેક્સમાં સામેલ ૨૮ જેટલા શેરોએ ૫૦ ટકાથી વધુનું રિટર્ન આપ્યું હતું. જેમાં ૬ શેરોમાં ટ્રીપલ ડિજિટમાં રિટર્ન પૂરું પાડયું હતું.
જ્યારે મિડકેપ સેગમેન્ટના ૨૫ શેરોએ ૧૦થી ૧૫૦ ટકા વળતર પૂરું પાડયું હતું જે પૈકી એક શેરમાં ટ્રિપલ ડિજિટમાં અને ૩માં ૫૦ ટકાથી વધુ વળતર મળ્યું હતું.
સ્મોલકેપ ક્ષેત્રના જે છ શેરોમાં ૧૦૦ ટકાથી વધુ વળતર મળ્યું છે તેમાં આઇઓએમ કેમિકલમાં ૧૩૩ ટકા, મર્કમાં ૧૨૪ ટકા, સીમેક અને રીસ્પોન્સીવ ઇન્ડ.માં ૧૨૦ ટકા, તથા ઉષા માર્ટિન અને એસ્ટ્રાઝેનકા ફાર્મામા ૧૧૧ ટકા રિટર્ન મળ્યું હતું. મિડકેપ શેરોમાં અદાણી પાવરમાં ૧૦૨ ટકા વળતર મળ્યું હતું.
વિતેલા નાણાં વર્ષમાં સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પીછેહઠ થવા પાછળ અનેક પરિબળો જવાબદાર હતા જેમાં ઉંચા વેલ્યુએશન, સેબીના રિક્લાસીફિકેશન અંગેના નિયમનો,અર્નિંગ ગ્રોથમાં પીછેહઠ અને કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે ઉદ્ભવેલી પ્રતિકૂળતાની આ ક્ષેત્રના શેરો ઉપર અસર થવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય રહેશે કે, ચાલુ નાણાંકીય વર્ષના ૧૨ માસમાંથી ૮ માસ દરમિયાન વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી હાથ ધરાઈ હતી. ઉપલબ્ધ ડેટા અનુસાર ચાલુ નાણાંકીય વર્ષમાં વિદેશી રોકાણકારો દ્વારા ઇક્વિટીમાંથી રૂા. ૫૦,૦૦૦ કરોડથી વધુનું ભંડોળ પાછું ખેંચાયું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HUjiEI
via Latest Gujarati News
0 Comments