(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.26 માર્ચ 2019,મંગળવાર
મુંબઈથી સિંગાપૂર જઈ રહેલાં વિમાનમાં બોમ્બ હોવાનો નનામો ફોન આવ્યા બાદ એરપોર્ટ પર ખળભળાટ મચ્યો હતો. મુંબઈથી સિંગાપૂર જઈ રહેલાં સિંગાપૂર એરલાઇન્સ કંપનીના વિમાનમાં કોઈએ બોમ્બ મૂક્યો હોવાની માહિતી અપાઈ હતી. ત્યારબાદ વિમાનમાં મુસાફરી કરી રહેલાં પ્રવાસીઓમાં ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું.
વિમાનના પાયલટને બોમ્બ હોવાની સૂચના મળ્યાં બાદ તાત્કાલિક પાયલટે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ચાંગી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાનનું સુખરૂપ ઉતરાણ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં ૨૬૩ પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યાં હતાં. વિમાન લેન્ડિંગ થયા બાદ સુરક્ષા યંત્રણાએ વિમાનની તપાસ કર્યા બાદ આ અફવા હોવાનું જણાઈ આવ્યું હતું.
સિંગાપૂર એરલાઇન્સના એસક્યુ વિમાન ૪૨૩ સ્થાનિક સમય અનુસાર ૧૧.૩૫ મિનિટે મુંબઈથી સિંગાપૂર માટે ઉડાન ભરી હતી. વિમાને ઉડાન ભર્યા બાદ થોડા સમયમાં એરલાઇન્સને નનામો ફોન આવ્યો હતો, જેમાં વિમાનમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક વિમાન ચાંગી આંતરરાષ્ટ્રી એરપોર્ટ પર સુરક્ષીત ઉતારવામાં આવ્યું હતું.
વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ મંગળવારે સવારે આઠ વાગ્યે થઈ હતી. વિમાનમાં તમામ પ્રવાસીઓને સુરક્ષિત ઉતારવામાં આવ્યાં હતાં. પરંતુ તે પહેલાં પ્રવાસીઓને પણ સુરક્ષા યંત્રણા સામે જવું પડયું હતું. સુરક્ષા અધિકારીઓએ આ વિમાનમાં એક મહિલા અને બાળકને તાબામાં લીધુછે. તાબામાં લીધેલી વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે.
સિંગાપૂર એરલાઇન્સે આ વાતની પુષ્ટિ કરી હોવાથી તેમણે જણાવ્યું હતું કે મુંબઈથી સિંગાપૂર જઈ રહેલાં વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. સિંગાપૂર એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન ૨૬ માર્ચના રોજ સમય અનુસાર સવારે આઠ વાગ્યે સિંગાપૂર પહોંવાનું હતું. જેમાં ૨૬૩ પ્રવાસીઓ હતા. અમે સુરક્ષા અધિકારીઓ સાથે તપાસ માટે સહકાર કરવાની વાત કરી હતી. આનાથી વધુ અમે માહિતી આપી શકીએ એમ નથી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ouztd1
via Latest Gujarati News
0 Comments