યુરો કપ ક્વોલિફાયરમાં સ્પેને ૨-૦થી માલ્ટાને પરાજય આપ્યો

ટા'કાલી (માલ્ટા), તા.૨૭

સ્પેનિશ ફૂટબોલ ટીમે યુરો કપ ૨૦૨૦ના ક્વોલિફાયર્સમાં જીતનો સિલસિલો જારી રાખતાં ૨-૦થી માલ્ટાને હરાવ્યું હતુ. સ્પેનિશ ફૂટબોલ ટીમ તરફથી બંને ગોલ એલ્વેરો મોરાટાએ ફટકાર્યા હતા. સ્પેનનો આ સતત બીજો વિજય છે, અગાઉ તેઓએ ૨-૧થી નોર્વેની સામે વિજય હાંસલ કર્યો હતો. આ સાથે યુરો ક્વોલિફાયરની શરૃઆતની બંને મેચોમાં સ્પેનિશ ટીમે જીત નોંધાવતા ગૂ્રપમાં ટોચનું સ્થાન હાંસલ કરી લીધું હતુ. 

ઈટાલીયન ફૂટબોલ ટીમે પણ ફરી આગવી લયમાં રમતાં ૬-૦થી લિચ્ટેનસ્ટેનને પરાસ્ત કર્યું હતુ. આ મેચમાં ફાબિયો ક્યુગ્લીરેલા સૌથી મોટી ઉંમર ઈટાલી તરફથી ગોલ ફટકારનારો ખેલાડી બન્યો હતો. તેણે બંને પેનલ્ટી કીકને ગોલમાં ફેરવતાં ટીમને શાનદાર શરૃઆત અપાવી હતી. આ સાથે ગૂ્રપ-જેમાં ઈટાલીની ટીમે ટોચનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. તેઓએ પ્રથમ મેચમાં ૨-૦થી ફિનલેન્ડ સામે વિજય મેળવ્યો હતો. 

ફાબિયો ક્યુગ્લીરેલાએ ૩૬ વર્ષ અને ૫૪ દિવસની ઉંમરે આ સિદ્ધિ હાસલ કરતાં ક્રિશ્ચિયન પાનુચીનો રેકોર્ડ તોડયો હતો. પાનુચીએ ૨૦૦૮માં ૩૫ વર્ષની ઉંમરે ગોલ નોંધાવ્યો હતો. ઈટાલી તરફથી માલ્ટા સામેની મેચમાં સ્ટેફાનો સેન્સી, માર્કો વેરાટ્ટી, મોસીસ કેન અને લિઓનાર્ડો પાવોલેટ્ટીએ પણ ગોલ ફટકાર્યા હતા. 

સ્વિત્ઝર્લેન્ડ અને ડેનમાર્ક વચ્ચેની મેચ ૩-૩થી ડ્રો રહી હતી. બાસેલમાં રમાયેલી યુરો કપની ક્વોલિફાયર મેચમાં એક તબક્કે સ્વિસ ટીમે ૩-૦થી સરસાઈ મેળવી લીધી હતી. જોકે ડેનમાર્કે આખરી છ મિનિટ બાકી હતી, ત્યારે જબરજસ્ત પુનરાગમન કરતાં ઉપરાઉપરી બે ગોલ ફટકાર્યા હતા. જે પછી ઈન્જરી ટાઈમમાં ત્રીજો ગોલ ફટકારીને મેચને ડ્રોમાં ખેંચી હતી.

નોર્વે અને સ્વિડન વચ્ચેની મેચ પણ ૩-૩થી બરોબરી પર પુરી થઈ હતી. અત્યંત રસપ્રદ મુકાબલામાં નોર્વેએ ૨-૦થી સરસાઈ મેળવી હતી, પણ સ્વિડને જોરદાર કમબૅક કરતાં ૨-૨થી બરોબરી પ્રાપ્ત કરી લીધી હતી. આખરે ઈન્જરી ટાઈમની પહેલી જ મિનિટમાં સ્વિડને ગોલ ફટકારતાં ૩-૨થી નાટકીય સરસાઈ હાંસલ કરી હતી, જોકે ઈન્જરી ટાઈમમાં જ પાંચ મિનિટ બાદ નોર્વેએ ગોલ ફટકારતાં મેચ ૩-૩થી ડ્રો થઈ હતી. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WvW7Vl
via Latest Gujarati News

Post a Comment

0 Comments