અઝલન શાહ કપ: ભારતીય હોકી ટીમનો કેનેડા સામે 7-3થી વિજય

ઈપોહ (મલેશિયા), તા.૨૭

ભારતીય હોકી ટીમે સુલતાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ જારી રાખતાં કેનેડાના ૭-૩થી સજ્જડ પરાજય આપ્યો હતો. આ સાથે મનપ્રીત સિંઘની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં ત્રીજો વિજય મેળવતા પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કરી લીધું હતુ. છ દેશોની ટુર્નામેન્ટની ફાઈનલમાં પોઈન્ટ ટેબલમાં ટોચના બે સ્થાન પર રહેનારી ટીમો ટકરાશે, જે સંભવતઃ ભારત અને સાઉથ કોરિયા જ હશે તેમ મનાય છે.

મલેશિયાના ઈપોહમાં ચાલી રહેલી મેન્સ હોકીની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં કોચ વિના રમી રહેલી ભારતીય હોકી ટીમે ૨-૦થી જાપાનને હરાવ્યું હતુ. જે પછી કોરિયા સામેની મેચ ૧-૧થી ડ્રો થઈ હતી. આ પછી ભારતે એશિયાડની સેમિ ફાઈનલની હારનો બદલો લેતાં ૪-૨થી મલેશિયા સામે જીત હાંસલ કરી હતી. હવે કેનેડા સામે ૭-૩થી જીત મેળવ્યા બાદ ભારત શુક્રવારે પોલેન્ડ સામે આખરી લીગ મેચમાં ટકરાશે. 

મનદીપની હેટ્રિક : ગોલ સ્કોરિંગ રેકોર્ડ

ભારતે કેનેડા સામેની મેચમાં સાત ગોલ ફટકારતાં ટુર્નામેન્ટમાં અત્યાર સુધીની મેચોમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારત તરફથી મનદીપ સિંઘે ગોલ હેટ્રિક નોંધાવી હતી. જ્યારે વરૃણ કુમાર, અમીત રોહિદાસ, વિવેક પ્રસાદ અને નિલકાંત શર્માએ એક-એક ગોલ ફટકાર્યો હતો.

કેનેડા તરફથી માર્ક પેરસન, ફિન બૂથરોયડ અને જેમ્સ વાલાન્સે ગોલ ફટકાર્યા હતા. જોકે તેઓ ક્યારેક ભારત પર દબાણ સર્જી શક્યા નહતા. 

ફાઈનલની રેસમાં ભારત સૌથી આગળ

સુલતાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટમાં છ દેશો વચ્ચેના મુકાબલામાં ભારત ફાઈનલમાં પ્રવેશવાના સૌથી પ્રબળ દાવેદાર તરીકે બહાર આવ્યું છે. ભારતે ત્રણ જીત અને એક હાર સાથે ૧૦ પોઈન્ટ મેળવ્યા છે. સાઉથ કોરિયાના પણ ચાર મેચમાં ૧૦ પોઈન્ટ છે. જોકે ભારતનો ગોલ ડિફરન્સ ૮ છે, જ્યારે કોરિયાનો ગોલ ડિફરન્સ પાંચ છે, જેના કારણે ભારતને ટોચનું સ્થાન મળ્યું છે. ત્રીજા ક્રમે મલેશિયા અને ચોથા ક્રમે કેનેડા ૬-૬ પોઈન્ટ્સ સાથે છે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HJsHj0
via Latest Gujarati News

Post a Comment

0 Comments