
નવીદિલ્હી, તા. 23 માર્ચ, 2019, શનિવાર
કોંગ્રેસ અધ્યક્ષ એમની અમેઠી (યુ.પી.) ની પરંપરાગત બેઠક ઉપરાંત કેરળના વાયાનાદ મતવિસ્તારમાંથી પણ લોકસભા ચૂંટણી લડશે. કર્ણાટકની સરહદે આવેલો કેરળનો આ મતવિસ્તાર કોંગ્રેસના ગઢ છે.
કેરળ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ મુલ્લાપ્પાલિ રામચંદ્રને આજે આમ જણાવીને ઉમેર્યું કે આ મુદ્દે લગભગ મહિનાથી ચર્ચા ચાલી રહી હતી. શરૃઆતમાં રાહુલની આ માટે ઇચ્છા નહોતી. ઘણી સમજાવટના અંતે, છેવટે તેઓ માન્યા, એમ રામચંદ્રને ઉમેર્યું.
કર્ણાટક તમિલનાડુ અને કેરળના કોંગ્રેસી નેતાઓ ગાંધીને અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતના કોઇ (સલામત) મતવિસ્તારમાંથી ઉભા રાખવા અંગે સપ્તાહોથી મનોમંથન કરી રહ્યા હતાં.
મુખ્ય કોંગ્રેસી પ્રવકતા રણદીપ સિંઘ સૂરજેવાલાએ પત્રકારોને જણાવ્યું કે પક્ષના કેરળ એકમે રાહુલ ગાધીને પોતાના રાજ્યમાંથી ઉભા રાખવા માટે વિનંતી કરી હતી. ગાંધી પાસે દક્ષિણની બેઠકો પૈકી કર્ણાટકમાંથી બેંગલોર સેન્ટ્રલ, બિદર અને મૈસુર, કન્યાકુમારી, તમિલનાડુમાંથી શિવગંગા તેમજ કેરળમાં વાયાનાદના વિકલ્પો હતા.
કોંગ્રેસી નેતા એમએલશાહ નવાઝ છેલ્લી બે ચૂંટણી, વાયાનાદ મત વિસ્તારમાંથી જીતતા રહ્યાં છે. પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ ટી.સિધિકુને કોંગ્રેસના ઉમેદવાર તરીકે વાયાનાદમાંથી ઊભા રાખવાનું નક્કી થયુ હતુ. પરંતુ તેઓ સ્પર્ધામાંથી ખસી ગયા છે.
ગાંધીને પોતાના રાજયમાંથી ચૂંટણી લડાવવા ઈચ્છતા તમિલનાડુ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કે.એસ.અલાગિરિએ આગાહી કરતા જણાવ્યું હતુ કે જો ગાંધી દક્ષિણની બેઠક પરથી ઊભા રહેશે તો તેઓ ''ઉત્તર અને દક્ષિણને જોડનારા નેતા'' બની રહેશે. રાહુલ ગાંધીના દાદીમા અને પૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી પણ દક્ષિણ ભારતની બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડયા હતા. અને જીત્યાં હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CDMqfT
via Latest Gujarati News
0 Comments