
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 23 માર્ચ, 2019, શનિવાર
વાઈસ એડમિરલ કરમબિરસિંઘ ભારતીય નૌકાદળના નવા વડા બનશે. આગામી તા.૩૦મેએ નિવૃત્ત થઈ રહેલા એડમિરલ સુનિલ લાન્બાના સ્થાને સિંઘની નિમણૂંક કરાઈ છે. સરકારે પસંદગી માટે વ્યક્તિની કામગીરીની શ્રેષ્ઠતાને અનુસરવાનો અભિગમ અપનાવ્યો છે. જે તે પદ માટે સૌથી સીનિયર યોગ્ય અધિકારીને જ પદ પર નિયુક્ત કરવાની પ્રથાને બાજુ પર મૂકી દેવામાં આવી છે એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું.
આંદામાન અને નિકોબાર કમાન્ડરના કમાન્ડર- ઈન-ચીફ વાઈસ એડમિરલ વિમલ વર્મા કરમબિર સિંઘ કરતાં સીનિયર છે અને નૌકાદળના વડાના પદ માટે એ દાવેદાર હતા.
વાઈસ એડમિરલ સિંઘ હાલમાં વિશાખાપટ્ટનમમાં પૂર્વીય નેવલ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડિંગ -ઈન- ચીફ તરીકે સેવા આપી રહ્યાં છે. તેઓ તા.૩૧મેએ નેવી ચીફ તરીકે કાર્યભાર સંભાળશે.
સિંઘ, અગાઉ નૌકાદળના નાયબ વડા અને ઉપવડા પણ રહી ચૂક્યા છે. ૨૦૧૬માં લશ્કરના વડાની નિમણૂંક વેળા સરકારે લાંબા સમયથી ચાલતી સીનિયોરિટિની પ્રથાને અનુસરી ન હોતી.
તા.૩ નવેમ્બર, ૧૯૫૯ ના રોજ જન્મેલા કરમબિર સિંઘ તા.૧ જુલાઇ, ૧૯૮૦ ના રોજ નૌકાદળમાં જોડાયા હતા. ૧૯૮૨ માં હેલિકોપ્ટરના પાઇલોટ બનેલા સિંધે ચેતક તથા કામોવ હેલિકોપ્ટરનું ઘણું ઉડ્ડયન કર્યું છે. નૌકાદળને નેતત્વ પૂરૃં પાડનારા કદાચ તેઓ પ્રથમ હેલિકોપ્ટર પાઇલોટ બનશે.
ડીફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન તથા કોલેજ ઓફ નેવલ વોરફેર, મુંબઇના આ સ્નાતક મૂળ જલંધરના છે. તેઓ પરમ વિશિષ્ટ સેવા મેડલ (પીવીએસએમ) તથા અતિ વિશિષ્ટ સેવા મેડલ (એવીએસએમ) મેળવી ચૂક્યા છે.
૩૭ વર્ષની કારકિર્દીમાં સિંધે ચાર વહાણનું 'કમાન્ડિંગ'કર્યું છે, જેમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ ચાંદબીબી, મિસાઇલ કોર્વેટ આઇએનએસ વિજયદુર્ગ, ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર્સ આઇએનએસ રાણા અને આઇએનએસ દિલ્હીનો સમાવેશ થાય છે. તેઓ વેસ્ટર્ન ફલીટના ફ્લીટ ઓપરેશન્સ ઓફિસર તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે.
તેઓ આંદામાન અને નિકોબાર ટાપુ ખાતે ટ્રાઇ-સર્વિસિસ યુનાઇટેડ કમાન્ડના સ્ટાફના વડા તેમજ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ મહારાષ્ટ્ર એન્ડ ગુજરાત નેવલ એરિયા પણ રહી ચૂક્યા છે. નૌકા દળના વડા ત્રણ વર્ષનો કાર્યકાળ અથવા ૬૨ વર્ષની વય બેમાંથી જે વહેલું પુરૃં થાય ત્યારે નિવૃત્ત થાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Oq40sE
via Latest Gujarati News
0 Comments