ગોવામાં મધરાતે પોલિટિકલ ડ્રામાઃ MGPના બે ધારાસભ્યો ભાજપમાં સામેલ

પણજી, તા. 27 માર્ચ 2019, બુધવાર

ગોવામાં મંગળવારે મધરાતે પોલિટિકલ ડ્રામા સર્જાયો અને ભાજપની સહયોગી મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી (MGP)ના બે તૃતીયાંશ ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષ પાસે પહોંચી ગયાં અને કહ્યું કે તેમણે પોતાની પાર્ટીનો ભાજપમાં વિલય કરવાનો નિર્ણય લીધો છે.

ત્રણ ધારાસભ્યો ધરાવતી આ પાર્ટીના બે ધારાસભ્યોએ પોતાના હસ્તાક્ષરવાળો પત્ર પણ સ્પીકર માઇકલ લોબોને સોંપ્યો. MGPના જે એક માત્ર ધારાસભ્યના આ પત્રમાં હસ્તાક્ષર નહોતા એ હાલ ભાજપની સરકારમાં સહયોગી દળના કવોટામાંથી નાયબ મુખ્યમંત્રી બનેલા સુદિન ધવલીકર છે.

નિયમો અનુસાર જો કોઇ પાર્ટીના બે તૃતીયાંશ ધારાસભ્ય જુદાં થઇને નવો પક્ષ બનાવે તો પક્ષપલટા કાયદો લાગુ થતો નથી અને ધારાસભ્યોની માન્યતા રદ્ નથી થતી. આ મામલામાં પણ કુલ ત્રણમાંથી બે ધારાસભ્યો જુદાં થવાના કારણે પક્ષપલટા કાયદા અંતર્ગત કાર્યવાહી નહીં થઇ શકે.

MGP ધારાસભ્ય મનોહર અજગાંવકર અને દીપકે વિધાનસભા અધ્યક્ષને એક પત્ર સોંપ્યો અને કહ્યું કે તેઓ મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીનો ભાજપમાં વિલય કરવા સંમત થયા છે. ભાજપે આ ગતિવિધિની પુષ્ટિ કરતા કહ્યું કે બે તૃતીયાંશ ધારાસભ્યોએ અલગ પાર્ટી બનાવીને ભાજપમાં વિલય કરી દીધો છે.

બંધારણ અનુસાર તમામ ઔપચારિકતાઓ પૂરી કરી દેવામાં આવી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે પાર્ટીની બે ધારાસભ્યો મનોહર અજગાંવકર અને દીપક ભાજપમાં જોડાઇ ગયા છે. હવે ગોવામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 14 થઇ ગઇ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V3LgSh
via Latest Gujarati News

Post a Comment

0 Comments