છેલ્લા કેટલાક દિવસોમાં સિંહાએ રાફેલ મુદ્દે વડાપ્રધાન મોદીને સીધા જ નિશાન બનાવ્યા હતા
પટણા, તા.26 માર્ચ, 2019, મંગળવાર
બિહારના પટણા સાહેબના સાસંદ અને ભાજપના અસંતુષ્ટ નેતા શત્રુઘ્ન સિંહા ૨૮ માર્ચે કોંગ્રેસમાં સામેલ થશે. ટિકિટ કપાયા પછી તેમણે અગાઉ જ ભાજપ છોડવાના સંકેત આપ્યા હતાં. સિંહા બે વખત ભાજપની ટિકિટ પરથી ચૂંટાઇ આવ્યા છે અને તે ત્રણ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા હતાં.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન અખિલેશ પ્રસાદ સિંહે મંગળવારે પટણામાં એક પત્રકાર પરિષદ દરમિયાન શત્રુઘ્ન સિંહાના કોંગ્રેસમાં સામેલ થવાના અહેવાલોને સમર્થન આપ્યું હતું.
અખિલેશ પ્રસાદ સિંહે જણાવ્યું હતું કે શત્રુઘ્ન સિંહા સત્તાવાર રીતે ૨૮ માર્ચે સવારે ૧૧.૩૦ વાગ્યે કોંગ્રેસમાં સામેલ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે પટણા સાહેબથી તેમની ટિકિટ કાપી નાખતા સિંહા કોંગ્રેસમાં પ્રવેશની તકો શોધી રહ્યાં હતાં અને પક્ષના હાઇકમાન્ડના સતત સંપર્કમાં હતાં.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શત્રુઘ્ન સિંહા ૨૮ માર્ચે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થશે અને તેમને પટણા સાહેબમાં ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદની સામે ઉભા રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં બિહાર એનડીએએ ૪૦ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તેમાં પટણા સાહેબથી શત્રુઘ્ન સિંહાને બદલે રવિશંકર પ્રસાદને ટિકિટ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર રચાયા પછી સિંહા સતત ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યાં હતાં.
છેલ્લા કેટલાક દિવસોમાં સિંહાએ રાફેલ મુદ્દે વડાપ્રધાન મોદીને સીધા જ નિશાન બનાવ્યા હતાં અને રફાલ સમજૂતીમાં તેમની સંડોવણી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતાં. સિંહા ભાજપ છોડવાનો ઇશારો આપતા ટ્વિટર પર જણાવ્યું હતું કે 'મોહબ્બત કરનેવાલે કમ ન હોગે, તેરી મેહફિલ મેં લેકિન હમ ન હોંગે'.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U3O6dz
via Latest Gujarati News
0 Comments