મોદીની દરેક રેલી પાછળ થતો 10 કરોડનો ખર્ચ ક્યાંથી આવે છે? : ચિદમ્બરમ્


એનડીએ નહીં પણ યુપીએ-3ની સરકાર બનશે, કોંગ્રેસને તૃણમૂલ, સપા,બસપાનું સમર્થન મળશે તેવો દાવો 

ચૂંટણી પંચમાં દેશના નક્કામા લોકો છે જે ભાજપની કરતુતોને મુક બની જોઇ રહ્યા છે તેવો આરોપ 

નવી દિલ્હી, તા.28 એપ્રિલ, 2019, રવિવાર

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદંબરમે ચૂંટણી પંચ પર આકરા આરોપ લગાવ્યા હતા. ચિદંબરમે જણાવ્યુ હતું કે આ ચૂંટણીમાં ચૂંટણી પંચે ભાજપ વિરુદ્ધ જે પણ ફરિયાદો મળી તેને લઇને કોઇ જ નક્કર પગલા નથી લીધા માત્ર નોટીસો જ મોકલી છે. ચૂંટણી પંચમાં દેશના નિષ્ફળ લોકો છે જે ભાજપના અત્યાચારો અને આચાર સંહિતાના ભંગને માત્ર જોઇ રહ્યા છે. 

મોદીજીએ તો કહી દીધુ કે તેની પાછળ ભાજપે કરોડો રૃપિયાનો ખર્ચ કરી નાખ્યો. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે જ હાલ મોદી સરકાર રાષ્ટ્રવાદની વાતો કરવા લાગી છે જેથી લોકોનું ધ્યાન મુળ સમસ્યાઓ પરથી હટાવી શકાય.  ચિદંબરમે સાથે દાવો કર્યો હતો કે મને પુરો વિશ્વાસ છે કે કોંગ્રેસને ચૂંટણી બાદ તૃણમુલ, સપા, બસપા અને અન્ય પક્ષોનું સમર્થન મળી જશે.

સાથે તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ ભાજપ માટે અલગ અને કોંગ્રેસ માટે અલગ ધારાધોરણોથી કામ કરી રહ્યું છે. તેથી જ કોંગ્રેસના ઉમેદવારોની આવકથી લઇને બધો જ હિસાબ માગી રહ્યું છેે જ્યારે ભાજપ પ્રત્યેનું વલણ અલગ છે. સાથે ચિદંબરમે દાવો કર્યો હતો કે આ વખતે ભાજપ સત્તામાં નહીં આવે પણ યુપીએ-૩ સત્તામાં આવશે. 

પૂર્વ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે પહેલી વખત એવુ થયું છે કે સીબીઆઇ અને આઇટી વિભાગ, ઇડી દરેક એજન્સીઓનો સરકાર દુરુપયોગ કરી રહી છે. લોકસભાની ૫૪૫ બેઠકો છે, માત્ર વિપક્ષોને ત્યાં જ દરોડા પાડવામાં આવી રહ્યા છે, ભાજપ અને તેના સમર્થક પક્ષો વિરુદ્ધ કેમ કાર્યવાહી નથી થઇ રહી? વડા પ્રધાન મોદીની દરેક રેલી પાછળ ૧૦ કરોડ રૃપિયાનો ખર્ચ થાય છે. આ પૈસા ભાજપ અને મોદી ક્યાંથી કાઢે છે? ખુલ્લેઆમ બધુ થઇ રહ્યું છે છતા ચૂંટણી પંચ મૌન છે અને કોઇ જ નક્કર કાર્યવાહી નથી કરી રહ્યું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GPvPbs
via Latest Gujarati News

Post a Comment

0 Comments