સાધ્વી પ્રજ્ઞાએ આતંકી મસૂદને શ્રાપથી મારી નાખ્યો હોત તો સર્જિકલ સ્ટ્રાઇક ન કરવી પડત : દિગ્વિજયનો ટોણો


નવી દિલ્હી, તા.28 એપ્રિલ, 2019, રવિવાર

કોંગ્રેસના નેતા અને લોકસભાના ભોપાલના ઉમેદવાર દિગ્વિજયસિંહે તેમના પ્રતિદ્વંદી અને જામીન પર છુટેલા પ્રજ્ઞા સિંહ ઠાકુર પર કટાક્ષ કર્યો હતો, દિગ્વિજયે જણાવ્યું હતું કે જો સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મસૂદ અઝહરને શ્રાપ આપી દીધો હોત તો ભારતે ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરુર ન રહેત. દિગ્વિજયે કટાક્ષમાં કહ્યું હતું કે પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે તેમણે એટીએસ ચીફ અને મંુબઇ હુમલાના શહીદ હેમંત કરકરેને શ્રાપ આપ્યો હતો તેથી તેનું મોત નિપજ્યું હતું. 

હેમંત કરકરે મુંબઇ હુમલામા શહીદ થયા હતા, આ સ્થિતિમાં એક શહીદનું અપમાન કરનારા સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદનની ચારેય બાજુથી ટીકા થઇ રહી છે ત્યારે હવે તેમાં દિગ્વિજયસિંહ પણ જોડાયા છે.

દિગ્વિજયસિંહે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે જો સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના શ્રાપથી કોઇનું મૃત્યુ થઇ શકતું હોય તો તેમણે એક બે શ્રાપ પાકિસ્તાનમાં બેઠેલા એ આતંકીઓને પણ આપવા જોઇતા હતા કે જેઓ ભારતમાં હુમલા કરી રહ્યા છે, આવો જ એક શ્રાપ જો મસૂદ અઝહરને આપી દીધો હોત તો ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવી ન પડત. 

ભોપાલ બેઠક પર આગામી ૧૨મી મેએ મતદાન થવાનું છે આ સ્થિતિ વચ્ચે દિગ્વિજયસિંહે ભાજપ પર ટોણો મારતા કહ્યું હતું કે ભાજપને આ બેઠક પર મારી સામે ટક્કર લઇ શકે તેવો કોઇ ઉમેદવાર મળતો નહોતો, ઉમા ભારતીએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી જ્યારે ગૌરે પણ કહ્યું કે તેઓ બિમાર છે.

જોકે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંતીમ સમયે ભાજપે પ્રજ્ઞા ઠાકુરનું નામ જાહેર કરી દીધુ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે મોદી કહી રહ્યા છે કે આતંકીઓ કદાચ નર્કમાં છુપાયા હશે તો ત્યાંથી પણ તેમને શોધીને મારવામા આવશે. જોકે મોદી એ વાતનો જવાબ કેમ નથી આપતા કે તો પછી પુલવામા, ઉરી, પઠાણકોટ હુમલા કેમ થયા?



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XLnJpU
via Latest Gujarati News

Post a Comment

0 Comments