
ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં પણ વરસાદની આગાહી, ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે
નવી દિલ્હી, તા.28 એપ્રિલ, 2019, રવિવાર
હવામાન વિભાગે આગાહી કરી છે કે ફાની નામનું વાવાઝોડુ આગામી ૨૪ કલાકમાં અતી વિકરાળ સ્વરુપ ધારણ કરી શકે છે. જેને પગલે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં સતર્ક રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આગાહી કરવામાં આવી ત્યારે વાવાઝોડુ શ્રીલંકાથી ૭૪૫ કિમી દુર પૂર્વ દક્ષિણ સુધી પહોંચી ગયું હતું. જ્યારે ચેન્નઇથી ૧૦૫૦ કિમી દક્ષિણ પૂર્વ અને મછલીપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)ના ૧૨૩૦ કિમી દુર હતું.
આગામી ૧૨ કલાકમાં આ વાવાઝોડુ વધુ વિકરાળ સ્વરુપ ધારણ કરી શકે છે. આ પહેલા ઉત્તરીય તામિલનાડુમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જોકે હવે જણાવવામાં આવ્યું છે કે ૨૯ અને ૩૦મી એપ્રીલે કેરળમાં ભારે વરસાદ પણ થઇ શકે છે. જેને પગલે કેરળમાં અત્યારથી જ એલર્ટ જારી કરી દેવામા આવ્યું છે.
ઉનાળુ પાકને નુકસાન થવાની પણ ભીતી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વાવાઝોડુ તામિલનાડુ નહીં પહોંચે, જોકે તેની અસર ઉત્તર ભારતમા થઇ શકે છે અને હળવો વરસાદ પણ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે. કેરળના સમુદ્ર કિનારે માછીમારી ન કરવાની હાલ ચેતવણી જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓડિશા અને બાંગ્લાદેશના કિનારે જવા માટે વાવાઝોડુ આંધ્રથી ૨૦૦થી ૩૦૦ કિમી દુર સુધી આવી શકે છે. વાવાઝોડાને કારણે તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ૩૦ એપ્રીલ અને એક મેના રોજ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશના દરેક જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફુંકાશે સાથે વરસાદ પણ થશે. વિશાખાપટ્ટનમ, મછલીપટ્ટનમ, કૃષ્ણપટ્ટનમ અને નિઝામપટ્ટનમમાં વધુ અસર થવાની હોવાથી અહીં એલર્ટ જારી કરાયું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ILdKgZ
via Latest Gujarati News
0 Comments