મિશેલ સામેની ચાર્જશીટ કેવી રીતે લીક થઈ? ઇડી 11મી સુધીમાં જવાબ આપે : કોર્ટનું ફરમાન


સુશેન ગુપ્તાની કસ્ટડી બે દિવસ વધારાઈ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.6 એપ્રિલ, 2019, શનિવાર

વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડના આરોપી મિશેલ સામે ઈડીએ ચાર્જશીટ દાખલ કરી હતી, પણ એ પહેલાં ચાર્જશીટ મીડિયામાં લીક થઈ ગઈ હતી. તે મુદ્દે મિશેલે કોર્ટમાં ઈડીની રાજકીય ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તે પછી કોર્ટે ઈડીને સ્પષ્ટતા કરવાનો આદેશ કર્યો હતો.

કોર્ટના આદેશ પછી ઈડીએ માગણી કરી હતી કે જે મીડિયા હાઉસ પાસે ચાર્જશીટની કોપી પહોંચી હતી તેની પાસે ખુલાસો પૂછવાનો કોર્ટ હુકમ કરે. કોર્ટે ચાર્જશીટ લીક થયા મુદ્દે ઈડીનો ખુલાસો પૂછ્યો તે પછી ઈડીના વકીલે કોર્ટ સમક્ષ ચાર્જશીટ લીક બાબતે તપાસની માગણી કરી હતી. એમાં મિશેલના વકીલે પણ સહમતી દર્શાવીને તપાસ થાય તે જરૃરી હોવાનું જણાવ્યું હતું.

મિશેલે ચાર્જશીટ લીક થયા મુદ્દે ઈડીની ભૂમિકા શંકાના દાયરામાં હોવાનું જણાવ્યું હતું અને ઈડીએ રાજકીય દોરવણીથી ચાર્જશીટને લીક કરી હોવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. કોર્ટે ઈડીને ૧૧મી સુધીમાં ચાર્જશીટ લીક થવા બાબતે અહેવાલ આપવા જણાવ્યું હતું. નોટિસ પાઠવીને કોર્ટે ઈડીને મિશેલના આરોપોનો જવાબ આપવાનો હુકમ કર્યો છે. મિશેલે કહ્યું હતું કે તેણે પૂછપરછ દરમિયાન કોઈના નામ આપ્યા નથી તે સંદર્ભે પણ કોર્ટે ઈડીની સ્પષ્ટતા જાણવાનો આગ્રહ રાખ્યો હતો.

દરમિયાન કોર્ટે સુશેન ગુપ્તાની બે દિવસની કસ્ટડી વધારી આપી હતી. ઈડીએ સુશેનની પૂછપરછ અધૂરી હોવાની દલીલ કરી હતી, જેને કોર્ટે માન્ય રાખી હતી. કોર્ટે મિશેલના બિઝનેસ પાર્ટનર ડેવિડ નિગેલ અને બીજી બે કંપનીઓને સમન્સ પાઠવ્યું છે. સુશેન ગુપ્તાના જામીનની અરજીનો કોર્ટે ૯મી સુનાવણી કરવાનો નિર્દેશ કર્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UANzPt
via Latest Gujarati News

Post a Comment

0 Comments