
લક્ષદ્વિપ અલગ બેઠક છે. તેના નામે બે વિક્રમ છે. એક તો એ દેશની સૌથી દૂરની બેઠક પૈકીની છે, કેમ કે લક્ષદ્વિપ ટાપુ પર આવેલી છે. ત્યાં મતદારોની સંખ્યા આખા દેશમાં સૌથી ઓછી છે. ત્યાં આ વખતે માંડ ૫૪,૨૬૬ મતદારો નોંધાયા છે. કેમ કે વસતી ઓછી છે. તો પણ બેઠક જાહેર થયેલી હોવાથી તેનું રાજકીય મહત્ત્વ છે. લક્ષદ્વિપ સમુહ ૩૬ ટાપુનો બનેલો છે અને તેમાંથી ૧૦ ટાપુ પર જ વસતી છે. માટે ત્યાં મતદાન થયુ હતુ.
હૈદરાબાદ અને તેની આસપાસના વિસ્તારમાં આવેલી એક બેઠકનું નામ મલકાજગીરિ છે. આ બેઠક દેશની સૌથી મોટી બેઠક છે, વસ્તીની દૃષ્ટિએ ગણતરી કરીએ તો. એ બેઠકમાં ૩૧ લાખ, ૮૩ હજાર મતદાતા નોંધાયેલા છે. દેશની બીજી કોઈ બેઠકમાં આટલી મોટી સંખ્યામાં મતદાતા નથી.
એ બેઠકને મીનિ ઈન્ડિયા પણ કહેવામાં આવે છે કેમ કે દેશના ખૂણે ખૂણેથી આવેલા લોકો ત્યાં વસે છે. ૧૧મી એપ્રિલે યોજાયેલા પહેલા તબક્કાના મતદાનમાં ત્યાં પણ મત પડી ચૂક્યા છે. રસપ્રદ રીતે આ બેઠક ૨૦૦૨માં જ અસ્તિત્વમાં આવી છે. ૨૦૦૯માં એ બેઠક કોંગ્રેસ પાસે હતી, ૨૦૧૪થી તેલુગુ દેશમ્ પાર્ટી પાસે છે. મોટી સંખ્યામાં મતદાતા હોવા છતાં ૨૦૧૪માં અહીં ૫૨ ટકાથી ઓછુ મતદાન થયુ હતુ, વિજેતાનું માર્જિન પણ ૯૪ હજારથી ઓછુ હતું.
વિસ્તારની દૃષ્ટિએ વાત કરીએ તો દિલ્હીની ચાંદની ચોક બેઠક દેશમાં સૌથી ટચૂકડી છે. તેનો કુલ વિસ્તાર ૧૦.૫૯ ચોરસ કિલોમીટર જ છે. કોલકતા નોર્થ વેસ્ટ ૧૩ ચોરસ કિલોમીટર, મુંબઈ દક્ષિણ ૧૩, મુંબઈ દક્ષિણ મધ્ય ૧૮ અને દિલ્હી સદર ૨૮ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી નાનકડી બેઠકો છે. તો વળી સૌથી મોટી બેઠક જમ્મુ-કાશ્મીરમાં આવેલી લદ્દાખ છે.
લદ્દાખ ૭૩,૨૬૬ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે. આ વિસ્તાર ગુજરાતના ૪૦ ટકા ભાગ જેટલો થાય છે. લદ્દાખ એ ભારતના સૌથી મોટા જિલ્લામાં સ્થાન પામે છે. અહીં દૂર્ગમતાનો કોઈ પાર નથી. અહીં કેટલાક વિસ્તાર ૧૧૦૦૦ ફીટ ઊંચે છે, માટે મત અધિકારીઓએ રીતસર પર્વતારોહણ કરવું પડે છે. લદ્દાખની ઝંસ્કાર ખીણમાં આવેલા મતબૂથ તો આખા ભારતમાં અનોખા છે.
આ ખીણ ટ્રેકિંગના શોખીનોમાં બહુ જાણીતી છે. ઝંસ્કાર નદી દર વર્ષે થીજી જાય એ વખતે તેના પર ચાલીને ટ્રેકિંગ થઈ શકે છે. અહીં ૫૦ પોલિંગ સ્ટેશન બનાવાયા છે, જે આ વિસ્તારના ૧૧ હજાર મતદારાનો આવરી લેશે. દરેક સ્ટેશન પર ૬ અધિકારીઓ કામ કરતા હોય છે. આ બધા અધિકારીઓ ૩૫ કિલોમીટર ટ્રેકિંગ કરે ત્યારે જ ત્યાં પહોંચી શકે છે. અત્યારે લદ્દાખના સાંસદ ભાજપના થુપસ્થાન ચેવાંગ છે. તેમને ૨૦૧૪માં માત્ર ૩૬ મતે જીત મળી હતી.
એક સાંસદ કેટલા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે?
સાંસદ કે ધારાસભ્ય કે પછી કોઈ પણ ચૂંટાયેલો વ્યક્તિ મૂળ તો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. લોકોની વાતો સરકાર સુધી પહોંચાડી શકે એટલા માટે લોકો પોતાનામાંથી એકને પસંદ કરે છે. પસંદ થયેલા પછી લોકોના કામ કરે કે ન કરે એ અલગ વાત થઈ.
અત્યારે ભારતમાં દરેક સાંસદ શરેરાશ ૧૫ લાખ મતદાતાઓનો પ્રતિનિધિ છે. તો દરેક વિધાનસભ્ય ૨ લાખ મતદારોનું પ્રતિનિધિત્વ કરે છે. ૧૯૫૧માં દરેક સાંસદના ફાળે સરેરાશ સાડા ત્રણ લાખ મતદાતાઓ આવતા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UDBxpA
via Latest Gujarati News
0 Comments