કાનપુર પાસે પૂર્વા એક્સપ્રેસના 12 ડબા ખડી પડતાં 15 ઘવાયા


રૂટની 28 ટ્રેન ડાયવર્ટ કરવી પડી : ઘાયલોને 5,000થી 25,000 સુધીના વળતરની જાહેરાત 

(પીટીઆઈ) કાનપુર, તા.20 એપ્રિલ, 2019, શનિવાર

હાવડાથી નવી દિલ્હી જઈ રહેલી પૂર્વા એક્સપ્રેસ શુક્રવારે મોડી રાત્રે કાનપુરથી ૧૫ કિમી દૂર આવેલા રુમા કસબામાં પાટા પરથી ખડી પડી હતી. આ અકસ્માતને કારણે ૧૬ જેટલી ટ્રેનને રદ કરવી પડી હતી. હાવડાથી નવી દિલ્હી જઈ રહેલી ૧૨૩૦૩ પૂર્વા એક્સપ્રેસ શુક્રવારે મોડી રાત્રે અકસ્માતનો ભોગ બની હતી.

રાત્રિના ૧૨:૫૦ કલાકે આ ટ્રેન કાનપુરથી ૧૫ કિમી દૂર આવેલા રુમા ગામ પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં પૂર્વા એક્સપ્રેસના ૧૨ ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા અને તે પૈકીના ચાર કોચ સંપૂર્ણ પલટી ગયા હતા. આ અકસ્માતના કારણે ૧૬ ટ્રેન રદ કરવી પડી હતી તથા ૨૮ ટ્રેનને ડાઈવર્ટ કરવી પડી હતી. અકસ્માતમાં ૧૫ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી જે પૈકીના ૧૧ને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.

ઉત્તર મધ્ય રેલવેએ જણાવ્યા મુજબ કાનપુર સેન્ટ્રલ સ્ટેશનથી એક ખાસ ટ્રેન દ્વારા ૯૦૦ જેટલા મુસાફરોને નવી દિલ્હી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા તપાસ બાદ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત બાદ રેલવેએ મુસાફરો માટે પાણી સહિતની સુવિધાની વ્યવસ્થા કરી હતી અને તેમના પરિવારજનો માટે કેટલાક હેલ્પલાઈન નંબર જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં સામાન્ય ઈજાઓ પહોંચી હોય તેમના માટે રુ. ૫,૦૦૦ અને ગંભીર રીતે ઘવાયા હોય તેમના માટે રુ. ૨૫,૦૦૦નું વળતર જાહેર કરવામાં આવ્યું છે. 

અકસ્માતની જાણ થતા જ જિલ્લા અધિકારી, એસએસપી તથા અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. રેલવે ટ્રેકમાં તોડ-ફોડના કારણે અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે અને તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી છે.

તમામ મુસાફરોને સ્પેશિયલ ટ્રેન દ્વારા સવારે ૫:૪૫ કલાકે નવી દિલ્હી મોકલવામાં આવ્યા હતા અને લાઈનને પરિવહન માટે ફરીથી શરુ કરવા યુદ્ધગતિએ કામ હાથ ધરવામાં આવ્યું હતું. અકસ્માતની જાણ થતા જ રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની ૪૫ લોકોની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UITwL4
via Latest Gujarati News

Post a Comment

0 Comments