
જેટ એરવેઝ સાથે સીધા 23 હજાર કર્મચારીઓ સંકળાયેલા છે પણ એરલાઇન્સ સાથે અન્ય હજારો વ્યાપારી, કર્મચારીઓની પણ રોજીરોટી ગઇ
17મી એપ્રિલે જેટ એરવેઝે ફ્લાઇટ સહિતના ઓપરેશન સસ્પેન્ડ કરી દેતા કર્મચારીઓ નિરાધાર બની ગયા છે
નવી દિલ્હી, તા.20 એપ્રિલ, 2019, શનિવાર
જેટ એરવેઝ હાલ પુરતા બંધ થઇ જતા તેના હજારો કર્મચારીઓ, પાયલટ રાતોરાત બેરોજગાર બની ગયા છે. પરીણામે હવે આ કર્મચારીઓ અને પાયલટ રજુઆતો કરી રહ્યા છે અને રોજગારી માટે ભટકી રહ્યા છે.
અગાઉ સરકાર અને હવે રાષ્ટ્રપતિ સમક્ષ જેટ એરવેઝના કર્મચારીઓએ મદદની ગુહાર લગાવી છે. જેટ એરવેઝમાં આશરે ૨૩ હજાર કર્મચારીઓ હતા. જેમાં ઘણા પાયલટોને જાન્યુઆરી મહિનાથી જ પગાર મળવાનો બંધ થઇ ગયો હતો જ્યારે કેટલાકને માર્ચથી. આ બધા જ કર્મચારીઓનો પગાર તો બાકી છે જ હવે નોકરી પણ જતી રહી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જેટ એરવેઝના કર્મચારીઓના બે સંગઠનોએ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સમક્ષ પત્ર લખીને જેટ એરવેઝને ડુબતી બચાવવા અપીલ કરી છે. આ જ પ્રકારની અપીલ અગાઉ સોસાયટી ફોર વેલફેર ઓફ ઇન્ડિયન પાયલટ્સ (સ્વીપ) અને જેટ એરક્રાફ્ટ મેઇન્ટેનન્સ એન્જિનિયર્સ વેલફેર અસોસિએશન (જેએએમઇડબ્લ્યુએ) કરી હતી અને જે પણ લોકોના પગાર બાકી છે તેને મદદ કરવાની ગુહાર લગાવી હતી. આ કર્મચારીઓએ સાથે અપીલ કરી છે કે તાત્કાલીક ધોરણે જેટ એરવેઝને બચાવવા માટે ઇમર્જન્સી ફન્ડિંગની પણ વ્યવસ્થા કરવામાં આવે.
નાણાના અભાવે જેટ એરવેઝ કંપનીએ ૧૭મી એપ્રીલે જાહેરાત કરી હતી કે હાલ પુરતા કંપનીની કોઇ ફ્લાઇટ ઉડાન ભરી શકે તેવી સ્થિતિમાં નથી. માર્ચ મહિનામાં કર્મચારીઓએ કેન્દ્રીય શ્રમ મંત્રાલયને પત્ર લખીને જાણ કરી હતી કે અમને ઘણા સમયથી પગાર નથી મળ્યો.
રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને જે પત્ર લખ્યો છે તેમાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમારા આટલા પ્રયાસો છતા અમને કોઇ જ આશાનું કિરણ નથી દેખાઇ રહ્યું. માત્ર જેટ એરવેઝના ૨૩ હજાર કર્મચારીઓ જ નહીં આ વ્યાપાર સાથે સંકળાયેલા અન્ય નાના વ્યાપારીઓને પણ તેની મોટી અસર થશે. એટલે કે હજારો લોકોની રોજીરોટી એક મોટી કંપની બંધ થવાથી જતી રહી છે.
અગાઉ જેટ એરવેઝે ફ્લાઇટ ઉડાનને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી તેના બીજા જ દિવસે હજારો કર્મચારીઓ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા હતા. જેમાં ઘણા કર્મચારીઓની આંખોમાં આંસુ હતા, આ કર્મચારીઓેએ હવે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનના દ્વાર મદદ માટે ખખડાવ્યા છે. સાથે જણાવ્યું છે કે અમને આશા છે કે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન અમારી ગુહાર સાંભળશે અને બેંકોને મદદ માટે પૈસા આપવાની અપીલ કરશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ix7UzL
via Latest Gujarati News
0 Comments