
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.20 એપ્રિલ, 2019, શનિવાર
નૌકાદળ માટે સ્વદેશમાં નિર્મિત યુદ્ધ-જહાજો સામેલ કરવાની દિશામાં આજે વધુ એક સીમા-ચિહ્ન સર કરવામાં આવ્યું હતું. ગાઇડ ડે મિસાઇલથી સજ્જ અને દુશ્મનના રડારમાં ન ઝડપાય એવા પારદર્શક ડેકવાળા ડિસ્ટ્રોયર (વિનાશિકા) 'ઇમ્ફાલ'નું આજે મઝગાંવ ડૉકમાં યોજાયેલા સમારંભમાં જલાવતરણ કરવામાં આવ્યું હતું. નેવીના વડા એડમિરલ સુનીલ લાંબાના હસ્તે જલાવતરણ કરવામાં આવ્યું હતું.
નૌકાદળની પરંપરા મુજબ નેવીના વડાના પત્ની રીના લાંબાએ આ ડિસ્ટ્રોયરનું 'ઇમ્ફાલ' નામકરણ કર્યા પછી અથર્વવેદના શ્લોકોના ઉચ્ચારણ સાથે શ્રીફળ વધેરી યુદ્ધ-જહાજનું જલાવતરણ કરવામાં આવ્યું હતું.
વિશ્વના અન્ય દેશોમાં નિર્મિત યુદ્ધ જહાજોની બરોબરી કરી શકે એવા મઝગાંવ ડોકમાં બનેલા આ ડિસ્ટ્રોયરને છેલ્લામાં છેલ્લી ઢબના શસ્ત્રો, મિસાઇલ, સેન્સરથી સજ્જ કરવામાં આવ્યું છે.
ચાર ગેસ ટર્બાઇન એન્જિનથી ચાલતા આ સ્ટીલ્થ શિપની ખાસિયત એ છે કે પારદર્શક ડેકને લીધે દુશ્મનના રડારમાં પકડાઇ નથી શકતું. આ જહાજની ઉપર બે હેલિકોપ્ટર તહેનાત છે. જલાવતરણ બાદ દરિયાઇ ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને તમામ કસોટીમાંથી પાર ઉતર્યા બાદ નેવીના કાફલામાં વિધિવત સામેલ કરવામાં આવશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IFUBw6
via Latest Gujarati News
0 Comments