મોદી ચૂંટણીમાં હારના ફોબિયાથી પીડાય છે, તેમને 'સૌથી મોટા જુઠા'નો એવોર્ડ મળવો જોઇએ : મમતા


દેશને બચાવવો હોય તો ભાજપને મત નહીં આપતા, નોટબંધીનો બદલો લેવો હોય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ

ભાજપ રાજસ્થાન, ગુજરાત, ઉ. પ્રદેશ, દિલ્હી, પંજાબ, આંધ્ર, ઓડિશા અને અન્ય રાજ્યોમાં હારી રહી છે : મમતા 

કોલકાતા, તા.20 એપ્રિલ, 2019, શનિવાર

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને વડા પ્રધાન મોદી બન્ને આમને સામને એકબીજા પર કેટલાક ગંભીર આરોપો લગાવી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે બે તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ સ્પીડ બ્રેકર મમતા દીદીની ઉંઘ ઉડી ગઇ છે. જ્યારે મમતા બેનરજીએ પણ આ જ પ્રકારનો વળતો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મોદી પણ ચૂંટણી ગુમાવવાના ફોબિયાથી પીડાઇ રહ્યા છે. તેમને હાર દેખાઇ ગઇ છે. અને કોઇ પણ સંજોગોમાં તેઓ ચૂંટણી જીતવા માટે હવાતીયા મારી રહ્યા છે તેથી જ હવે ધર્મના નામે લોકો વચ્ચે ભાગલા પડાવી રહ્યા છે. 

મમતાએ આક્રામક પ્રહારો કરતા જણાવ્યું હતું કે મોદીને ખ્યાલ છે કે તે ચૂંટણી હારી રહ્યા છે. મોદી હવે હરાટંકાથી પીડાઇ રહ્યા છે તેમને હાર દેખાઇ ગઇ છે. મમતાએ સાથે જનતાને અપીલ કરી હતી કે જો તમારે દેશને બચાવવો હોય તો ભાજપને મત ન આપો, નોટબંધી બદલ ભાજપને જો તમાચો મારવો હોય તો તેની વિરુદ્ધ મતદાન કરો. લાખો લોકો નોટબંધી સમયે પરેશાન થયા, શું તમે આ બધુ ભુલી જવાના છો? તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર માટે કૃષ્ણાનગરમાં પ્રચાર કરી રહેલા મમતા બેનરજીએ જનતાને અપીલ કરી હતી કે જો દેશ બચાવવો હોય તો ભાજપને મત નહીં આપતા. 

મમતાએ મોદી પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ચૂંટણીમાં હારના ફોબિયાથી પીડાઇ રહ્યા, તેમને હાર દેખાઇ ગઇ છે, ભાજપ રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, નવી દિલ્હી, પંજાબ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને અન્ય રાજ્યોમાં હારી રહી છે અને તેની જાણ મોદીને અત્યારથી જ થઇ ગઇ છે તેથી જ તેઓ આ હારના ફોબિયાથી પીડાઇ રહ્યા છે અને હવે દેશમાં કોમવાદના નામે ભાગલા પાડી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી મોદી વિદેશમાં ફરતા રહ્યા, ગૌરક્ષાના નામે હત્યા સિવાય મોદીએ કોઇ જ કામ નથી કર્યું. મોદીએ સૌથી જુઠા વ્યક્તિને એવોર્ડ આપવો જોઇએ, તેઓ પશ્ચિમ બંગાળમાં આવીને જુઠાણા ફેલાવી જાય છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XrLCCL
via Latest Gujarati News

Post a Comment

0 Comments