રોનાલ્ડોનો 125મો ગોલ: યુવેન્ટસ અને એજાક્સની મેચ 1-1થી ડ્રો

એમ્સ્ટ્રેડેમ/માન્ચેસ્ટર, તા.૧૧

ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ કમબેક મેચમાં જ ક્લાસિક હેડર ગોલ ફટકારતાં યુવેન્ટસ અને એજાક્સ વચ્ચેની ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઈનલનો ફર્સ્ટ લેગ ૧-૧થી ડ્રો રહ્યો હતો. એજાક્સના હોમગ્રાઉન્ડ એમ્સ્ટ્રેડેમમાં રમાયેલી હાઈવોલ્ટેજ મેચમાં યુવેન્ટસે એક તબક્કે ૧-૦થી સરસાઈ હાંસલ કરી લીધી હતી. જોકે તે પછીની બીજી જ મિનિટે ડેવિડ નેસેરે ગોલ ફટકારતાં સ્કોર બરોબરી પર લાવી દીધો હતો અને આ મેચ ૧-૧થી ડ્રો રહી હતી.

રોનાલ્ડોએ આ સાથે ચેમ્પિયન્સ લીગમાં રેકોર્ડ ૧૨૫મો ગોલ ફટકાર્યો હતો. તે ચેમ્પિયન્સ લીગના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. આ યાદીમાં બાર્સેલોનાનો લાયોનેલ મેસી બીજા ક્રમે છે,જેના ચેમ્પિયન્સ લીગમાં ૧૦૮ ગોલ છે. 

દરમિયાનમાં ઈંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ લીગની અન્ય ક્વાર્ટર ફાઈનલ ફર્સ્ટ લેગ મેચમાં માન્ચેસ્ટર યુનાઈટેડને બાર્સેલોનાએ ભારે સંઘર્ષ બાદ ૧-૦થી હરાવ્યું હતુ. લાયોનેલ મેસી તેની આગવી રમત દર્શાવી શક્યો નહતો. જોકે સુઆરેઝે કમાલ કર્યો હતો, મેચની ૧૨મી મિનિટે સુઆરેઝના પાવરફૂલ હેડર પર બોલ યુનાઈટેડના ખેલાડી લુકા શાવને ટકરાયો હતો અને ગોલમાં જતો રહેતા ઑન ગોલ થયો હતો. આ એકમાત્ર ગોલને સહારે બાર્સેલોના જીત્યું હતુ. 

હવે સેકન્ડ લેગની મેચ બાર્સેલોનાના હોમગ્રાઉન્ડ પર રમાશે. માન્ચેસ્ટર જો ત્યાં એકથી વધુ ગોલના અંતરથી વિજેતા બનશે તો તેઓ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશી શકે તેમ છે. ગઈકાલે રમાયેલી ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઈનલની ફર્સ્ટ લેગની મેચમાં ટોટેનહામે ૧-૦થી માન્ચેસ્ટર સિટીને હરાવ્યું હતુ. જ્યારે લીવરપૂલે ૨-૦થી પોર્ટોને હરાવ્યું હતુ. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UegDrZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments