બિહારમાં તાપ્તી-ગંગા એક્સપ્રેસના 13 ડબા ખડી પડયા: છને ઈજા


(પીટીઆઈ) પટના, તા. 31 માર્ચ, 2019, રવિવાર

બિહારના છપરાથી સુરત જઈ રહેલી તાપ્તી-ગંગા એક્સપ્રેસ સાથે મોટી દુર્ઘટના થતા બચી છે. છપરાના ગૌતમ સ્થાન પાસે ટ્રેનના ૧૩ ડબ્બા પાટા પરથી ઉતરી જતા મુશ્કેલી સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં છ લોકો ઘવાયા હતા અને ટ્રેનની મુખ્ય લાઈન બ્લોક થઈ ગઈ હતી.

બિહારના છપરા સ્ટેશન પાસે તાપ્તી-ગંગા એક્સપ્રેસ ટ્રેનના ૧૩ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં છ લોકોને ઈજા પહોંચી છે અને અકસ્માતના સમાચાર મળતા જ સ્થાનિક લોકો અને પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી. રવિવારે સવારે ૯:૪૫ કલાકે ટ્રેન છપરા સ્ટેશનથી ૧૦ કિમી દૂર પહોંચી ત્યારે તેના ૧૩ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. 

અકસ્માતમાં ટ્રેનનો ગાર્ડનો ડબ્બો, ચાર એસી કોચ, ત્રણ જનરલ કોચ અને  પાંચ સ્લીપર કોચ પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં છ મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી અને તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.

ઉત્તર રેલવેના મુખ્ય પબ્લિક રિલેશન અધિકારી સંજય યાદવે જણાવ્યા મુજબ આ અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરુ કરી દેવાઈ છે અને અકસ્માતને કારણે ટ્રેનની મુખ્ય લાઈન જામ થઈ ગઈ હતી.

દુર્ઘટના બાદ ૧૮૦ જેટલા મુસાફરોએ આગળની મુસાફરી ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી તેમના માટે એક સ્પેશિયલ ટ્રેનની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે બાકીના લોકોને બસ મારફતે છપરા સ્ટેશને પરત મોકલવામાં આવ્યા હતા. છપરા સ્ટેશન પર તે લોકો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U90Sak
via Latest Gujarati News

Post a Comment

0 Comments