વારાણસીથી ચૂંટાયેલા નરેન્દ્ર મોદી દેશના ૧૪મા વડાપ્રધાન છે. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ યુપીની ફુલપુર બેઠક ઉપરથી સાંસદ બનીને વડાપ્રધાન પદે તખ્તનશીન થયા હતા અને તે પછી એ સિલસિલો સતત આગળ વધ્યો હતો. દેશના ૧૪માંથી ૯ વડાપ્રધાનોને વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચાડવામાં યુપી નિમિત્ત બન્યું છે.
ઉત્તરપ્રદેશમાં લોકસભાની સૌથી વધુ ૮૦ બેઠકો છે. ઉત્તરપ્રદેશ સર થાય તો વડાપ્રધાનની ખુરશી નજીક દેેખાવા લાગે છે. યુપીમાં ફતેહ મેળવનાર પક્ષ સત્તાના સિંહાસન ઉપર બિરાજે એવી શક્યતા વધી જાય છે અને કદાચ એ જ કારણ હશે કે ઉત્તર પ્રદેશમાંથી ચૂંટાઈને વડાપ્રધાન બનાવાની તક પણ વધી જાય છે.
યુપીમાંથી ચૂંટણી જીતને વડાપ્રધાનપદની ખુરશી સુધી પહોંચવાનો પ્રથમ વડાપ્રધાન નેહરુથી શરૂ થયેલો સિલસિલો વર્તમાન વડાપ્રધાન મોદી સુધી લંબાય છે. ૮૦ બેઠકો ધરાવતાં આ પ્રદેશમાંથી દેશને અત્યાર સુધીમાં આઠ વડાપ્રધાન મળ્યા છે.
દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂ ઉત્તરપ્રદેશની ફુલપુર બેઠક ઉપરથી લોકસભા સાંસદ બન્યા હતા. નેહરુ સોળ વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા હતા. દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુરશાસ્ત્રી પણ ઉત્તર પ્રદેશની ઈલાહાબાદ બેઠક ઉપર ચૂંટાયા હતા અને નેહરુના નિધન પછી તેમને વડાપ્રધાનપદ મળ્યું હતું. તેમણે એક વર્ષ અને ૨૧૬ દિવસ દેશનું વડાપ્રધાનપદ શોભાવ્યું હતું.
શાસ્ત્રીના આકસ્મિક નિધન પછી ત્રીજા વડાપ્રધાન બનેલા ઈન્દિરા ગાંધી ૧૯૬૬થી ૧૯૬૭ સુધી ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ હતા. ૧૯૬૭ની લોકસભાની ચૂંટણી ઈન્દિરા રાયબરેલીમાંથી ચૂંટણી જીતીને વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચ્યા હતા. તે પછી તેમણે ૧૯૭૭ સુધી એ જ બેઠક ઉપરથી લોકસભામાં પ્રવેશ કર્યો હતો. તે રીતે દેશના ત્રીજા વડાપ્રધાન પણ ઉત્તર પ્રદેશમાંથી ચૂંટાયા હતા.
કટોકટી પછી મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા. મોરારજીભાઈ સુરતની બેઠક ઉપરથી ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા હતા. મોરારજીભાઈની સરકાર પડી તે પછી કોંગ્રેસના સમર્થનથી જનતા પાર્ટી સેક્યુલરના ચૌધરી ચરણસિંહ વડાપ્રધાન બન્યા હતા. ચરણસિંહ યુપીની બાગપતની બેઠક પરથી ચૂંટાયા હતા. ઉત્તર પ્રદેશમાંથી ચૂંટાઈને વડાપ્રધાન બનનારા ચૌધરી ચરણસિંહ ચોથા વડાપ્રધાન હતા. ૧૯૮૦માં ઈન્દિરા ગાંધી ફરી વડાપ્રધાન બન્યાં, પરંતુ એ વખતે તેમણે આંધ્રપ્રદેશમાંથી લોકસભામાં પ્રવેશ કર્યો હતો.
ઈન્દિરા ગાંધીના નિધન પછી રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન બન્યા. રાજીવ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠીની બેઠક ઉપરથી ચૂંટાયા હતા. ઉત્તર પ્રદેશમાંથી ચૂંટાઈને વડાપ્રધાન બનનારા રાજીવ પાંચમા પીએમ હતા. વી.પી. સિંહ ૧૯૮૯થી ૧૯૯૦ સુધી વડાપ્રધાન બન્યા હતા. વી.પી. સિંહ યુપીની ફતેહપુરના સાંસદ હતા.
યુપીમાંથી ચૂંટાયેલા એ છઠ્ઠા વડાપ્રધાન હતા. યુપીમાંથી ચૂંટાઈને વડાપ્રધાન બનવાનો સિલસિલો વી.પી. સિંહના અનુગામી ચંદ્રશેખરે પણ આગળ વધાર્યો. ચંદ્રશેખર બલિયાની બેઠક ઉપરથી ચૂંટાયા હતા. યુપીના એ સાતમા વડાપ્રધાન હતા. એ સિલસિલો પી.વી નરસિમ્હા રાવે અટકાવ્યો. દેશના ૯મા પીએમ બનેલા નરસિમ્હા રાવ આંધ્રપ્રદેશના સાંસદ હતા.
૧૯૯૬માં વડાપ્રધાન પદે તખ્તનશીન થયેલા અટલ બિહારી વાજપેયી યુપીની રાજધાની લખનઉથી સાંસદ ચૂંટાયા હતા. યુપીથી ચૂંટાઈને પીએમ પદે બેસનારા અટલ બિહારી આઠમા વડાપ્રધાન હતા. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી સાંસદ છે તે રીતે યુપીના રસ્તે પીએમ બનનારા મોદી નવમા વડાપ્રધાન છે.
વર્તમાન વડાપ્રધાન મોદી ફરીથી વારાણસીથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે, બીજી તરફ કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર રાહુલ ગાંધી પણ યુપીની કોંગ્રેસની પરંપરાગત બેઠક અમેઠીથી જ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યુું છે. ગઠબંધનના જોરે જેમને વડાપ્રધાનપદની મહાત્વાકાંક્ષા છે એવા માયાવતી અને અખિલેશ તો ઉત્તર પ્રદેશના જ રાજકારણમાંથી આવે છે. તે હિસાબે આ વખતે પણ યુપીના રસ્તે વડાપ્રધાન બનવાની દોડ યથાવત રહેશે એ નક્કી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2CZKzCr
via Latest Gujarati News
0 Comments