બિહારમાં રૂ. 3.5 કરોડની બિનહિસાબી રોકડ જપ્ત કરાઈ


(પીટીઆઈ) પટણા, તા.6 એપ્રિલ, 2019, શનિવાર

ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીની ઘોષણા પછી અત્યાર સુધીમાં બિહારના વિવિધ વિસ્તારોમાંથી બિનહિસાબી રૃા.૩.૫૦ કરોડની રોકડ જપ્ત કરી છે. જેમાં ૧૮.૧૨ લાખની નેપાળી ચલણી નોટોનો પણ સમાવેશ થાય છે.

આગામી અઠવાડિયે આવી રહેલા રામનવમીના તહેવારના દિવસે નીકળનારા સરઘસનું વિડિયો રેકોર્ડિંગ કરવા જિલ્લા અધિકારીઓને જણાવાયું છે. જો કોઈ વ્યક્તિ ભગવાનની પૂજા વિધિના કાર્યક્રમનો રાજકીય લાભ ઉઠાવતી જણાય તો આદર્શ ચૂંટણી આચારસંહિતાના નિયમના ભંગ બદલ એની અટક કરવાની સૂચના અપાઈ હોવાનું અધિક મુખ્ય ચૂંટણી અધિકારી એસ.કે. સિંધે જણાવ્યું.

આગામી તા.૨૩ એપ્રિલે બિહારમાં પાંચ બેઠકો માટે યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણી માટે બધા જાણીતા ઉમેદવારો અને બધા મોટા રાષ્ટ્રીય રાજકીય પક્ષોના ઉમેદવારોના ઉમેદવારીપત્રો ચકાસણી પછી માન્ય ઠર્યા છે.

આ પાંચ બેઠકો ઝાંઝહારપુર, સુપાઉલ, અરેરિયા, ખગારિયા અને માધેપુરા માટે ૧૧૫ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જે પૈકી ૮૭ ઉમેદવારીપત્રો માન્ય ઠર્યા છે. જ્યારે ૨૮ ઉમેદવારીપત્રો રદ થયા છે. મોટાભાગે અપક્ષ ઉમેદવારો તથા અમાન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ થયા છે.

રાજયમાં યોજાનારી ચોથા તબક્કાની ચૂંટણી માટે ભાજપના ગોપાલજી ઠાકુરે દરભંગા બેઠક માટે, જ્યારે કોંગ્રેસના નિલમદેવીએ મુંગેર લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રો ભર્યા છે. અન્ય પાંચ ઉમેદવારોએ પણ ચોથા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભર્યા છે. ચોથા તબક્કાની ચૂંટણી દરમ્યાન દરભંગા , ઉજિઆરપુર,સમસ્તિપુર, બેગુસરાઈ અને મુંગેરિની પાંચ બેઠકો પર તા.૨૯ એપ્રિલે મતદાન યોજાશે, એમ સિંધે ઉમેર્યું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KcZsXT
via Latest Gujarati News

Post a Comment

0 Comments