
(પીટીઆઇ) મુંબઇ, તા. 31 માર્ચ, 2019, રવિવાર
જેટ એરવેઝના પાઇલોટોએ એમનો હડતાળ સંબંધી નિર્ણય તા.૧૫ એપ્રિલ સુધી મોકૂફ રાખતા અસ્તિત્વ માટે સંઘર્ષ રત આ એરવેઝની કામગીરી સામે ઉભી થઇ રહેલી કટોકટીને આજે ટાળી શકાઇ હતી. અગાઉના નિર્ણય અનુસાર, જેટ એરવેઝના પાઇલોટો આવતીકાલ તા.૧ એપ્રિલથી હડતાળ પર જવાના હતા.
જેટ એરવેઝના પાઇલોટોના સંગઠન નેશનલ એવિએટર્સ ગિલ્ડ (નાગ)ની આજે બપોર પછી મુંબઇ અને દિલ્હી- બંને સ્થળે મળેલી ઓપન હાઉસ મીટિંગમાં આમ નક્કી કરાયું હતું.
કુલ ૧૬૦૦ પૈકી ૧૧૦૦ પાઇલોટોનું પ્રતિનિધિત્વ કરી રહેલા 'નાગ' એ ગયા મહિને કરેલી ઘોષણા મુજબ એના સભ્યોના બાકી પગાર ચૂકવાય નહિ તેમજ ભાવિ ચૂકવણા વિષે તા.૩૧ માર્ચ સુધી સ્પષ્ટતા નહિ કરાય તો જેટ એરવેઝના પાઇલોટો તા.૧ એપ્રિલથી ઉડ્ડયન કામગીરી હાથ ધરશે નહિ.
જેટ એરવેઝ ગયા ઓગસ્ટથી એના પાઇલોટો, ઇજનેરો અને વરિષ્ઠ મેનેજમેન્ટ સ્ટાફને પગાર ચૂકવવામાં મુશ્કેલી અનુભવી રહી છે. ખોટના ખાડામાં ઉતરી ગયેલી આ એરલાઇને કહ્યું કે તે પાઇલોટો તથા અન્ય સ્ટાફને ફક્ત ડિસેમ્બર માસના પગારની બાકી રકમ જ ચૂકવી શકશે.
એરવેઝના ડેબ્ટ- રીકાસ્ટ પ્લાનના પગલે, હવે સ્ટેટ બેન્કના નેતૃત્વમાં નાણાં ધીરનારાઓનું જૂથ જેટ એરવેઝની માલિકી ધરાવતું થયું છે.
એરવેઝના ઇજનેરોએ પણ એમના બાકી નીકળતા નાણા તા.૩૧ માર્ચ સુધી નહિ ચૂકવાય તો તા.૧ એપ્રિલથી હડતાળ પર જવાની કથિત ધમકી આપી હતી. જોકે એરલાઇને સ્ટાફના બાકીના ત્રણ મહિનાના નાણાં તુર્ત ચૂકવવાની અશક્તિ દર્શાવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CK5HfE
via Latest Gujarati News
0 Comments