સાઉદી અરેબિયાએ એમેઝોનના માલિક જેફ બેઝોસનો ફોન હેક કરાવ્યો હતો


બેઝોસની માલિકીના 'ધ વોશિંગ્ટન પોસ્ટ'એ પત્રકાર જમાલ ખાશોગીની હત્યાનું એક્સક્લુઝિવ કવરેજ કર્યું તેથી સાઉદી અરેબિયાએ બદલો લીધો : તપાસકર્તા એજન્સી

વોશિંગ્ટન, તા. 31 માર્ચ, 2019, રવિવાર

દુનિયાના સૌથી ઘનાઢ્ય વ્યક્તિ તેમજ એમેઝોન કંપનીના માલિક-સી.ઇ.ઓ. જેફ બેઝોસનો ફોન સાઉદી અરેબિયાની સરકારે હેક કર્યો હતો. અમેરિકાના જાણીતા સુરક્ષા નિષ્ણાત ગેવિન ડે બેકર અને તેમની એજન્સી એમેઝોન તરફથી આ તપાસ કરી રહ્યા છે. 

તેમની તપાસનો નિષ્કર્ષપર આવ્યા છે કે સાઉદી અરેબિયાની સરકારે જ જેફ બેઝોસનો ફોન હેક કરી તેમની અંગત પળોની તસવીરો અને મેસેજ લીક કર્યા હતા અને તેના કારમે બેઝોસના છૂટાછેડા થયા હતા.

ગાવિન ડે બેકરે આડકતરી રીતે નિર્દેશ કર્યો છે કે બેઝોસની માલિકીના વર્તમાનપત્ર ધ વોશિંગ્ટન પોસ્ટે સાઉદી અરેબિયાના પત્રકાર જમાલ ખાશોગીની હત્યાનું એક્સક્લુઝિવ કવરેજ કર્યું હતું. તેના કારણે સાઉદી અરેબિયાએ આ હરકત કરી છે.

ગાવિનનું કહેવું છે કે બેઝોસની મિસ્ટ્રેસના ભાઇએ પૈસા માટે કેટલીક માહિતી લીક કરી હોવાની આશંકા છે અને તે હાલ શંકા હેઠળ છે. તેનો આક્ષેપ ઠે કે આ ઘટનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ધ વોશિંગ્ટન પોસ્ટને તેનું દુશ્મન માને છે. 

ગત વર્ષે સી.આઇ.એ. સાથે બંધબારણે થયેલી એક બેઠક બાદ અમેરિકન સેનેટે જાહેર કર્યુ હતું કે મોહમ્મદ બિન સલમાન ખાશોગીની હત્યા માટેના જવાબદાર વ્યક્તિઓ પૈકીના એક છે.

ગાવિન ડે બેકર એન્ડ એસોસિએટ્સનો દાવો છે કે બેઝોસની અંગત તસવીરો લીક થવાના કારણે તેમના છૂટાછેડા થયા હતા અને લીકની તપાસ એફ.બી.આઈ. દ્વારા પણ નિષ્પક્ષ રીતે ન થતા તેમણે ગાવિન ડે બેકર એન્ડ એસોસિએટ્સને આ તપાસ સોંપી હતી.

તે દરમિયાન અમેરિકન ગોસિપ ટેબ્લોઇડ 'ઇન્કવાયરર'ના માલિક તરફથી બેઝોસને ધમકી મળી હતી કે જો તેઓ આ તપાસ નહીં અટકાવે તો તેમની અંગત પળોની તસવીરો ટેબ્લોઇડમાં પ્રસિદ્ધ થશે.

જો કે બેઝોસે આ વાત માની નહોતી અને તપાસ યથાવત્ રાખી હતી. આ તસવીરો સાઉદી અરેબિયાએ જ 'ઇન્કવાયરર'ના માલિકને આપી હોવાની તપાસકર્તાઓનો દાવો છે. જો કે હજુ એ બાબત સ્પષ્ટ નથી થઇ કે સાઉદીની સરકારના ક્યા વિભાગે બેઝોસનો ફોન હેક કર્યો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TGL4qo
via Latest Gujarati News

Post a Comment

0 Comments