
1978માં મળી આવેલું સિંહનું આ હાડકું વર્ષો સુધી સંગ્રહાલયમાં પડી રહ્યું હતું
નૈરોબી, તા.28 એપ્રિલ, 2019, રવિવાર
ગીરમાં જોવા મળતાં એશિયાઈ સિંહો કરતાં આફ્રિકાના સિંહ જરાક મોટા હોય છે. આફ્રિકાના સિંહ મૂળભૂત રીતે વધુ કદાવર છે. જોકે સંશોધકોએ હવે એવુ તારણ રજૂ કર્યું છે કે આફ્રિકામાં ૨થી ૨.૩ કરોડ વર્ષ પહેલા કદાવર સિંહ વસતા હતા. એ સિંહો ૧૫૦૦ કિલોગ્રામ સુધીનું વજન ધરાવતા હતા. તેનું કદ નાનકડા હાથી જેવું લાગતું હતુ.
એટલે કે અત્યાર સુધીમાં જમીન પર નોંધાયેલા એ સૌથી મોટા શિકારી સજીવો હતા. વર્તમાન સમયમાં સૌથી મોટા શિકારી તરીકે ૫૦૦ કિલોગ્રામ સુધીનું વજન ધરાવતા ધુ્રવિય રીંછ (સફેદ પોલાર બિઅર)ની ગણતરી થાય છે. હોલિવૂડની ફિલ્મ સિરિઝ નાર્નિયામાં અસલન નામનો કદાવર સિંહ આવે છે. એવા સિંહો એક સમયે હકીકતમાં હતા
બ્રિટનની ડયુક યુનિવર્સિટી અને અમેરિકાની ઓહાયો યુનિવર્સિટીના સંશોધકોએ ભેગા મળીને આ રિસર્ચ કર્યું હતુ. તેમનો અહેવાલ 'જર્નલ ઑફ વર્ટિબ્રેટ પેલિઓન્ટોલોજી'માં પ્રગટ થયું હતુ. આ સિંહોને સંશોધકોએ 'સિમ્બાકુબ્વા કુટોકાફ્રિકા' એવુ વૈજ્ઞાાનિક નામ આપ્યું છે.
આફ્રિકામાં વ્યાપકપણે વપરાતી સ્વાહિલી ભાષામાં આ શબ્દનો મતલબ 'બિગ આફ્રિકન લાયન' એવો થાય છે. સવા બે કરોડ વર્ષ પહેલા તેઓ આજે જ્યાં કેન્યા છે, ત્યાં વિચરતા હતા. સંશોધકોને કોઈ પણ પુરાતન સજીવના કદ-આકાર-પ્રકારનો ખ્યાલ તેના અવશેષો-હાડકાં પરથી આવતો હોય છે.
સંશોધકોને આ પ્રકારના સિંહોનો કદાવર દાંત મળ્યો હતો. દાંતના આધારે તેમણે પૂરા કદનો અંદાજ લગાવ્યો હતો. અત્યારના સિંહોનો દાંત મહત્તમ ૨૫ સેન્ટિમિટર લાંબો હોય છે, જ્યારે આ દાંત ૪૦ સેન્ટિમિટરનો છે. એટલે એ આધારે તેનું કદ મોટું હોવાનો ખ્યાલ આવી જાય છે. અત્યારના સિંહો સામાન્ય રીતે માણસની કમરથી જરા ઉપર સુધીની ઊંચાઈ ધરાવતા હોય છે. પરંતુ એ સિંહો માણસોના ખભા સુધી પહોંચે એવડા હતા.
જોકે આ હાડકું તો છેક ૧૯૭૮-૮૦ દરમિયાન સંશોધકોને કેન્યાના પશ્ચિમ ભાગમાંથી મળી આવ્યું હતુ. પુરાતન હાડકું હાયના (ઝરખ)નું માનીને તેને વર્ગિકૃત કરી દેવાયું હતુ.
પરંતુ ૨૦૧૭માં નૈરોબીના મ્યુઝિયમમાં સંશોધકો જૂના હાડકાં તપાસી રહ્યા હતા. ત્યારે આ હાડકું ધ્યાનમાં આવતા એ હાયનાનું હોવા અંગે શંકા ગઈ હતી. માટે ફેર તપાસ કરતાં આ સરપ્રાઈઝિંદ પરિણામ મળ્યું હતુ. સમય સાથે શિકાર ઓછો થતાં કે બીજા પ્રાકૃતિક સંજોગો સાથે મેળ બેસાડવા આ સિંહોનું કદ ઘટયું હશે. અલબત્ત, આ સિંહો આજે સાવ નષ્ટ થઈ ચૂક્યા છે. વર્તમાન સિંહો છે, એ કદાવર આફ્રિકન સિંહોના વંશજો નથી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PyHDBM
via Latest Gujarati News
0 Comments