સર્વર અટકી પડતાં એર ઈન્ડિયાની 155 ફ્લાઈટ મોડી પડી, કેટલીક રદ થઈ


આ સોફ્ટવેરનું સંચાલન અમેરિકન કંપની કરે છે : સાંજે નવું ટાઈમટેબલ બનાવ્યુ

નવી દિલ્હી, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર

શનિવારે મધરાતથી વહેલી સવાર સુધી એર ઈન્ડિયાનું એક સર્વર અટકી પડયું હતું. તેના કારણે દિવસભરમાં ૧૫૫ ફ્લાઈટ રદ કરવી પડી હતી. એર ઈન્ડિયાનું પેસેન્જર સર્વિસ સિસ્ટમ (પીએસએસ) નામનું સોફ્ટવેર શનિવારે મધરાતે ૩:૩૦ થઈ લઈને સવારના ૮:૪૫ સુધી બંધ રહ્યું હતુ. પરિણામે એર ઈન્ડિયાની ફ્લાઈટો રવાના થવાની હતી એ ઊડી શકી ન હતી. કેમ કે પીએસએસ બંધ થવાને કારણે મુસાફરોને બૉર્ડિંગ પાસ આપી શકાતા ન હતા. બૉર્ડિંગ પાસ વગર મુસાફરી ન થઈ શકે, માટે ફ્લાઈટ કેન્સલ થઈ હતી. 

સવા પાંચ કલાકના ગાળામાં ૮૫ ફ્લાઈટ મોડી પડી હતી. એ પછી સર્વર કામ કરતું થયુ હતું, પરંતુ આગલી ફ્લાઈટ લેટ હોવાથી પછીની ફ્લાઈટો પણ મોડી પડી હતી. એમ કુલ મળીને ૧૫૫ ફ્લાઈટ મોડી પડી હતી, કેટલીક ફ્લાઈટ રદ પણ કરવી પડી હતી. જોકે સાંજ સુધીમાં સ્થિતિ થાળે પડી હતી અને એર ઈન્ડિયાએ નવું ટાઈમટેબલ જાહેર કરી ફરી વિમાનો ઊડતાં કરી દીધા હતા. આ સોફ્ટવેરનું સંચાલન અમેરિકાના એટલાન્ટા શહેરમાં આવેલી એક સોફ્ટવેર કંપની કરે છે.

એર ઈન્ડિયા સાથે જોડાણ ધરાવતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટોને પણ અસર થઈ હતી. કુલ મળીને ૬૭૪ ફ્લાઈટને વત્તા-ઓછા અંશે સોફ્ટવેરની અસર થઈ હતી. જોકે એર ઈન્ડિયાના કહેવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોને ખાસ અસર થઈ ન હતી. માત્ર બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ દિલ્હી-શાંઘાઈ અને બીજી એક ફ્લાઈટ મોડી પડી હતી. યુરોપ તરફની ફ્લાઈટો મોટેભાગે સમયસર રવાના થઈ શકી હતી. 

એર ઈન્ડિયાના સંચાલકોએ કહ્યુ હતુ કે અમે શક્ય એટલા મુસાફરોને આ સ્થિતિની જાણ કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ મોટી સંખ્યામાં મુસાફરોને અસર થઈ હોવાથી બધાને જાણ કરી શક્યા ન હતા. માટે જે મુસાફરો વિમાન ચૂકી ગયા એમને ઉતારા-ઓરડાની સગવડ અને જેમને કનેક્ટિંગ ફ્લાઈટ હતી તેમને બીજા વિમાન દ્વારા મોકલી આપવાની વ્યવસ્થા અમે કરી હતી. દરમિયાન એટલાન્ટાસ્થિત કંપની સીટાએ પણ આ અસગવડ બદલ માફી માંગી હતી.

વહેલી સવારની ફ્લાઈટો હોવાથી એરપોર્ટ પર ભારે ગડબડ મચી હતી. અડધી રાતે એરપોર્ટ પહોંચેલા મુસાફરોને જ્યારે ફ્લાઈટો મોડી હોવાની જાણ થઈ ત્યારે તેઓ નારાજ થયા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ પોતોના બળાપો કાઢ્યો હતો. દિલ્હી જેવા મોટા એરપોર્ટ પર લોકોના ટોળા જામ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZCfX3n
via Latest Gujarati News

Post a Comment

0 Comments