નવી દિલ્હી, તા.૧૬
ભારતીય ક્રિકેટ જગતમાં એક સાથે ઘણી બધી મહત્વના હોદ્દા ધરાવતા ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેની સામે હિતોના ટકરાવના મામલે ફરિયાદ થઈ હતી અને હવે તે અંગે ખુલાસો કરવા માટે ઓમ્બ્ડ્સમેને તેને ૨૦મી એપ્રિલે હાજર થવા ફરમાન કર્યું છે.
ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે. આની સાથે સાથે તે બીસીસીઆઈની ક્રિકેટ એડવાઈઝરી કમિટિમાં સામેલ છે. વધુમાં ચાલુ વર્ષે તે આઇપીએલ ફ્રેન્ચાઈઝી દિલ્હીના મેન્ટર તરીકે પણ કામ કરી રહ્યો છે. આ અંગે તેની સામે હિતોના ટકરાવનો મામલો બને છે.
બોર્ડનું સંચાલન કરી રહેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સે ઓમ્બ્ડ્સમેનને વિનંતી કરી છે કે, તેઓ દિલ્હીની ટીમના મેન્ટર તરીકેની ગાંગુલીની ભૂમિકા અને તેની ક્રિકેટ એડવાઇઝરી કમિટિની ભૂમિકાની પણ તપાસ કરે અને જુએ કે તેમાં કોઈ હિતોનો ટકરાવ તો નથી ને ? આ કારણે હવે ગાંગુલીની મુશ્કેલી વધી શકે છે. બંગાળના ત્રણ ક્રિકેટ ચાહકોએ ગાંગુલી સામે હિતોના ટકરાવાનો મામલો ઉઠાવતા ફરિયાદ કરી હતી કે, તે બંગાળના ક્રિકેટ એસોસિએશનનો પ્રમુખ પણ છે અને દિલ્હીની ટીમનો મેન્ટર છે, આ બંને પદોમાં હિતોનો ટકરાવ છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vaDZ7A
via Latest Gujarati News
0 Comments