એક મહિલા પોતાના જીવનનાં દરેક તબક્કે નાના મોટા સમાધાન કરવા તૈયાર થઇ જાય છે પણ જ્યારે વાત તેના સંતાનના ભવિષ્યની આવે ત્યારે તેના તરફ ધસી આવતી મુશ્કેલી સામે ચટ્ટાન બનીને તેનો સામનો કરે છે. આવી જ કંઇક કહાની પ્રેમ દરવાજા પાસે રહેતા રીનાબેન પરષોત્તમભાઇ ચુનારાની છે. ૨૩ વર્ષની ઉંમરે પરણીને જ્યારે રીનાબહેન સાસરે ગયા ત્યારે તેમની આંખોમાં કાજળની જગ્યા સપનાઓએ લીધી હતી. જે વિચારો અને જે આગામી ભવિષ્યના સપનાંઓ તેમણે ખુલ્લી આંખોએ જોયા હતા તેવું ત્યાં કંઇજ ન બન્યું.
પતિ દારુ પીને ત્રાસ ગુજારતો, મારપીટ કરતો. આવનારા સંતાનની જવાબદારી લેવાનીય પતિએ ના પાડી દેતાં રીનાબહેનના સપનાંઓનો મહેલ ભાંગી ગયો. તેઓ માતૃત્વ ધારણ કરવાના હતા અને તે સમયે તેમને પોતાના બાળકનું ભવિષ્ય ધુંધળું નજરે પડતું હતું. નવી જિંદગી શરુ કરવાના ઓરતા સાથે માંડેલા રિનાબહેનના પગ થોડા સમયમાં પિતાના ઘર તરફ પાછા ફર્યા. આજે રીનાબહેન છેલ્લા ૯ વર્ષથી પોતાના પિતાના ઘરે રહે છે, દિકરો દેવ ધોરણ- ૪માં અભ્યાસ કરે છે.
એક સિંગલ મધર તરીકે બાળકનો ઉછેર કરવો મુશ્કેલ હતો પરંતુ રીનાબહેને પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નીભાવી રહ્યા છે. આ જવાબદારીમાં તેમને માતા-પિતાનો સહકાર મળતો પણ છૂટક મજૂરી કરતા જન્મદાતા પર રીનાબહેન આર્થિક બોજારૃપ બનવા માંગતા નહોતા. પોતે ધોરણ-૯ અભ્યાસ કર્યો પરંતુ દિકરાને આઇપીએસ બનાવવા રીનાબહેન છેલ્લા આઠ વર્ષથી સિમેન્ટની ખાલી થેલીઓને સાફ કરી તેને પુનઃવપરાશમાં લઈ શકાય તેવી બનાવવાનું (રીન્યુ કરવાનું) કામ કરે છે, જેમાં તેમને ૧૦૦ થેલી સાફ કરતા રૃપિયા ૨૫ મળે છે.
દીકરાને ઈંગ્લિશ મીડિયમમાં ભણાવવો હતો, સ્કોલરશિપ માટે આવક ન દર્શાવી શકતા ઘણો સંઘર્ષ કરવો પડયો
રીનાબહેને કહ્યું કે, મારો દિકરો જ મારું બધું છે. હું ભણી નથી તેથી તેને ભણાવવા માટે હું તનતોડ મહેનત કરું છું. મને ક્યારેય બીજા લગ્નનો વિચાર સુધ્ધા આવ્યો નથી. હું મારી જરૃરિયાત અને શોખ પાછળ એક પણ રૃપિયાનો ખર્ચ ન કરતા મારા દિકરાની જરૃરિયાત સંતોષવાનો પ્રયત્ન કરું છું. મને દિકરા દેવને મોટો કરતા ખૂબ તકલીફ પડી છે.
જ્યારે તેને સ્કૂલમાં એડમિશન લેવાનું હતું ત્યારે સ્કૂલમાંથી સ્પષ્ટ કહેવામાં આવ્યું કે માતા-પિતા બન્નેનો પહેલા ઇન્ટવ્યૂ લેવામાં આવશે પછી બાળકને એડમિશન આપવામાં આવશે. એ વખતે મારા પતિ નહોતા તેથી મારે ખૂબ સ્ટ્ર્ગલ કરવી પડી હતી. આ ઉપરાંત દીકરાને શાળામાંથી સ્કોલરશીપ મળે પણ એ માટે પિતાના પુરાવા હોવા ખૂબ જરૃરી છે, તેથી કેટલાય ધક્કા ખાવા છતા દેવને સ્કોલરશીપ પણ મળતી નથી. પરંતુ મેં આજે પણ હિમ્મત હારી નથી. હવે દેવ મોટો થયો તેનો ખર્ચ વધ્યો મારી સિમેન્ટની થેલીઓથી આ ખર્ચ પૂરો થઇ નથી શકતો.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UmAjOs
via Latest Gujarati News
0 Comments